કોરોનાના કેસો વધુ હોવાના કારણે ગત વર્ષે હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને મંજૂરી અપાઈ નહોતી. જોકે આ વર્ષે ભગવાન જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે મંદિર ટ્રસ્ટે પરવાનગી માંગી છે.અમદાવાદ શહેરમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા અંગે ભક્તો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે, ત્યારે જોતજોતામાં એવી અફવા ઉડી હતી કે પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એવી પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશ્નર પાસે પરવાનગી માંગવામાં આવી છે તેમજ ભજન મંડળી, ગજરાજ, અખાડા સાથે રથયાત્રા કાઢવામાં આવે તેવી મજૂરી આપવા રજુઆત કરાઈ છે. જળયાત્રાની સાથે રથયાત્રાની પરવાનગી મળે તે માટે રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળે છે.પરંતુ હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તે અંગે પોલીસ વિભાગના સત્તાવાર નિવેદનમાં ભારપૂર્વક જણાવાયું છે.
વધુમાં એ જાણવા મળ્યું છે કે રથયાત્રાની મજૂરી અંગે નિર્ણય બાકી છે. પરંતુ બેઠકોનો દોર શરૂ થઈ ગયો હોવાનું જાણવા મળે છે. જોકે, નાથની નગરચર્યાના દર્શન કરવા નગરજનો આતુર બન્યા છે ત્યારે ૧૪૪મી રથયાત્રાના આ વર્ષે મામેરાના યજમાનનું નામ નક્કી થઈ ગયું છે. જે મુજબ જોધપુરના રહેવાસી મહેશભાઈ ભગવાનભાઈ ઠાકોર આ વર્ષે ભગવાનનું મામેરું કરશે.

