Kutch News: કચ્છના ભુજ શહેરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું દેશલસર તળાવ (Desalsar Lake) આજે તંત્રની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ બની ગયું છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના બદલે ગટરના ગંદા પાણી (Sewage Water) અને જળકુંભીના સામ્રાજ્યથી આખું તળાવ ઢંકાઈ ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી તંત્રની ઉપેક્ષાના કારણે આ ઐતિહાસિક ધરોહર હવે તળાવ નહીં પરંતુ ગટરનું ખાબોચિયું બની ગઈ છે.
Desalsar Lake: ધાર્મિક અને ઐતિહાસિક વારસો પણ જોખમમાં

દેશલસર તળાવની (Bhuj Lake) પાળ પાસે આવેલા સાત કૂવાઓનું પાણી એક સમયે પીવાના ઉપયોગમાં લેવાતું હતું. તળાવની આસપાસ હિન્દુ સમાજના મંદિરો, સમાજવાડીઓ તેમજ મુસ્લિમ સમાજની દરગાહ આવેલી હોવાથી આ સ્થળ વર્ષોથી સામાજિક અને ધાર્મિક એકતાનું પ્રતિક રહ્યું છે. પરંતુ હાલની દુર્દશાને કારણે આ સમગ્ર વિસ્તારની ઓળખ અને ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
કરોડો ખર્ચાયા, કામ માત્ર ફેન્સિંગ સુધી જ સીમિત

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ ભુજ નગરપાલિકાએ દિલ્હીની એક સંસ્થાને તળાવના વિકાસ અને સૌંદર્યીકરણનું કામ સોંપ્યું હતું. જોકે સંસ્થાએ માત્ર તળાવની બહાર ફેન્સિંગ કરીને કામગીરી પૂર્ણ ગણાવી દીધી હતી. જળકુંભી દૂર કરવી, ગટરના ગંદા પાણીનો કાયમી નિકાલ કરવો અને તળાવનું પુનઃજીવન (Historic Lake) જેવા મૂળ પ્રશ્નો આજે પણ યથાવત છે.
રોગચાળાનો ખતરો, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
ચોમાસામાં ગંદા પાણી અને જળકુંભીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો દાવો છે કે તળાવને બચાવવા માટે તેમની પાસે વ્યવહારુ સૂચનો હોવા છતાં તંત્રએ ક્યારેય સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો નથી. હવે નાગરિકોએ ભુજ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસનને તાત્કાલિક દેશલસર તળાવની સફાઈ કરાવી ગટરના પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ સાથે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: ભારે વરસાદથી જસમતપર ગામ પર સંકટ, પાળો તૂટવાની ભીતિ વચ્ચે ગામલોકો બન્યા ઢાલ
આ પણ વાંચો: ગરીબોના હક્કના અનાજ પર તરાપ? દિનદયાળ અનાજ ભંડારના સંચાલક પર ગંભીર આરોપ
