Post Office News: શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ અને પ્રસાદ મળે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. ટપાલ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણે ઘરે બેસીને ગુજરાતના જૂનાગઢ જિલ્લાના પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ મેળવી શકશે. આ માટે પોસ્ટલ વિભાગે શ્રાવણ મહિનામાં ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરોક્ત માહિતી અમદાવાદ પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે આપી હતી.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે પોસ્ટલ વિભાગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ શ્રાવણમાં તમારા ઘરે પહોંચાડશે. જો કે આ માટે તમારે 270 રૂપિયાનો ઈ-મની ઓર્ડર કરવાનો રહેશે.
ભક્તોને ઘેરબેઠા મળશે લાભ
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને તેમના ઘરે બેસીને પ્રસાદ આપવા માટે ભારતીય ટપાલ વિભાગ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત-362268નો સંપર્ક કરી શકે છે. 270 રૂપિયાનો ઈ-મની ઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનો ઓર્ડર કરી શકે છે. આ ઈ-મની ઓર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ”નો ઉલ્લેખ કરવાનો રહેશે ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને 400 ગ્રામ પ્રસાદનું પેકેટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલશે.

શ્રાવણ મહિનામાં લઈ શકશો આ લાભ
હિંદુ પરંપરામાં શ્રાવણ મહિનાને વધુ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ઉપાસનાનું માહાત્મ્ય છે. આ મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જતા હોય છે. જો કે સંજોગોવશાત જે શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન કરવા ના જઈ શકે તેમને પણ મંદિરના પ્રસાદનો વિશેષ લાભ મળશે. ગુજરાતના સોમનાથ મંદિરનો સમાવેશ બાર જ્યોતિર્લિંગમાં થાય છે. આગામી સમયમાં ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ભક્તોને ખાસ સુવિધા આપવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા ના જઈ શકે તેઓ ઓનલાઈન દર્શન કરી શકે છે પરંતુ તેમને પ્રસાદનો લાભ મળતો નથી. તેવામાં પોસ્ટવિભાગની પહેલ દ્વારા ભક્તો સોમનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકશે.
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પ્રસાદમાં 200 ગ્રામ ચણાના લોટના લાડુ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સામેલ હશે. આ પ્રસાદ ઝડપથી સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું
