DGVCL Average Bill Issue 2026: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા લેવામાં આવેલા એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે ઉદ્યોગ જગતમાં, ખાસ કરીને MSME અને પાવરલૂમ્સ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. GERC (ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન) ના ઓર્ડરનો હવાલો આપીને વીજ કંપની દ્વારા જે રીતે ‘એવરેજ બીલ’ ફટકારવામાં આવ્યા છે, તેનાથી નાના ઉદ્યોગકારોની આર્થિક કમર તૂટી રહી છે.
શું છે સમગ્ર વિવાદ?
GERC ના જૂન-૨૦૨૪ ના એક ઓર્ડર મુજબ, ૧ એપ્રિલ ૨૦૨૫થી પીક અવર્સ (વધારે વપરાશના કલાકો) માટે યુનિટ દીઠ ૦.૪૫ પૈસાનો વધારાનો ચાર્જ વસૂલવાનો આદેશ અપાયો હતો. જોકે, વિવાદ ત્યારે સર્જાયો જ્યારે DGVCL એ જાન્યુઆરી-૨૦૨૬ ના બીલમાં પીક અવર્સનો ચોક્કસ વપરાશ માપવાને બદલે, કુલ વપરાશના ત્રીજા ભાગના (૧/૩) યુનિટને પીક અવર્સ ગણીને વધારાનું બીલ જોડી દીધું.
“અમારી પાસે વ્યવસ્થા નથી, એટલે ૧/૩ ગણી લીધું”
જ્યારે પાવરલૂમ્સ સંચાલકો આ મામલે રજૂઆત કરવા DGVCL ની ઓફિસે પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે તેમની પાસે મીટરમાં એવી કોઈ વ્યવસ્થા કે સોફ્ટવેર નથી કે જે પીક અવર્સનો ચોક્કસ વપરાશ અલગથી જણાવી શકે. આથી, કોઈ પણ પ્રકારની ચોકસાઈ વગર મનઘડત રીતે કુલ યુનિટના ૧/૩ ભાગ પર ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

ઉદ્યોગ સાહસિકોની મુખ્ય ફરિયાદો
ચોકસાઈના અભાવને કારણે જે વીજ વપરાશની ગણતરી જ થઈ શકતી નથી, તેનું બીલ વસૂલવું અયોગ્ય છે. વધારાના ચાર્જ માટે અલગથી પુરવણી બીલ (Supplementary Bill) કે તેની કોઈ વિગતો પણ આપવામાં આવી નથી. અચાનક વીજ ખર્ચમાં થયેલા આ વધારાથી MSME એકમોની સ્પર્ધાત્મકતા અને રોજગાર પર નકારાત્મક અસર પડી રહી છે, જેનાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કોઈપણ વ્યાજબી ગણતરી વગર પાછલા બાકી કાઢીને બીલ ફટકારવું એ ઉદ્યોગ જગત માટે અન્યાયી વસૂલાત સમાન છે.
રાજ્યના ઔદ્યોગિક વિકાસ પર ખતરો
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનું કહેવું છે કે જો વીજ કંપનીઓ આ રીતે મનસ્વી રીતે બીલ વસૂલવાનું ચાલુ રાખશે, તો અનેક લઘુ ઉદ્યોગો બંધ થવાના આરે આવી જશે. આ મુદ્દે ઉદ્યોગ સંગઠનો દ્વારા સરકાર અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી મીટરમાં ચોક્કસ રીડિંગની વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી આવા એવરેજ બીલ રદ કરવામાં આવે.
આ પણ વાંચો: સુરતમાં DGVCLના સિનિયર ક્લાર્કની ખેડૂત પાસેથી લાંચ લેતા ACBએ કરી ધરપકડ
આ પણ વાંચો: ભરૂચના જંબુસરમાં DGVCLના દરોડા, વીજ ચોરો પર કાર્યવાહી, વિવિધ વિસ્તારોમાં ચેકિંગ
આ પણ વાંચો: ઝઘડિયામાં DGVCL ઓફિસમાં વીજ કર્મીઓ દારૂ પાર્ટી, લોકો અંધારામાં હેરાન પરેશાન
