Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ગુંજાર-કોટડા ગામ વચ્ચે જૂની અદાવતમાં એક વ્યક્તિની હત્યા (Dhandhuka Murder) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બોલેરો કેમ્પરમાં આવેલા છ શખ્સોએ બુલેટ સવાર બે ભાઈઓને ટક્કર મારી નીચે પાડી દીધા બાદ તેમના પર ધારિયા, લોખંડના પાઇપ અને અન્ય હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં નાના ભાઈ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલાભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેમના મોટાભાઈ ભગવાનભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
Dhandhuka Murder: કપડાં લેવા ગયા હતા બંને ભાઈ, રસ્તામાં હુમલો
મળતી માહિતી મુજબ, ધંધુકા નજીક ગુંજાર-કોટડા ગામ (Kotda Village Crime)ના શક્તિનગર વિસ્તારમાં રહેતા 56 વર્ષીય ભગવાનભાઈ પટેલ અને તેમના 52 વર્ષીય નાના ભાઈ ઘનશ્યામભાઈ 3 નવેમ્બરે ગલસાણા ગામે સીવવા આપેલાં કપડાં લેવા ગયા હતા. ત્યાં લલિત પટેલ નામના શખ્સ સાથે જૂની બોલાચાલી થઈ હતી. ભગવાનભાઈએ બે વર્ષ પહેલાં ઘનશ્યામભાઈને મારવામાં આવેલા બે લાફા અંગે વાત કરતાં લલિત ઉશ્કેરાયો હતો અને બંને ભાઈઓને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો.
કપડાં લઈને બંને ભાઈઓ બુલેટ પર ધંધુકા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગુંજાર-કોટડા ગામ વચ્ચે કૃપા પેટ્રોલપંપ પાસે પાછળથી આવેલી બોલેરો કેમ્પરે તેમની બુલેટને ટક્કર મારી હતી. બંને ભાઈઓ નીચે પટકાતાં જ બોલેરોમાંથી છ શખ્સો બહાર આવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો.
નાના ભાઈને ગંભીર ઈજા, સારવાર દરમિયાન મોત
ફરિયાદ મુજબ, લલિત પટેલ સહિત છ શખ્સોએ ઘનશ્યામભાઈ પર ધારિયા, લોખંડના પાઇપ, છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. ભગવાનભાઈને પણ માથાના ભાગે છરી અને લોખંડના પાઇપથી માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ આરોપીઓ ધમકી આપીને બોલેરો કેમ્પર સાથે ધંધુકા તરફ ફરાર (Gujarat Crime News) થઈ ગયા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને પહેલાં ધંધુકા, ત્યારબાદ ભાવનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવમાં મોટાભાઈ ભગવાનભાઈએ છ શખ્સો સામે ધંધુકા પોલીસ (Dhandhuka Police)માં ફરિયાદ નોંધાવી છે.
23 વર્ષ જૂની વીંટી ખોવાવાની બાબતે મનદુઃખ
પરિવારના જણાવ્યા મુજબ, આશરે 23 વર્ષ પહેલાં ઘનશ્યામભાઈના પ્રથમ લગ્નના પ્રસંગમાં લલિતના કુટુંબીની સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી. આ બાબતે ઘનશ્યામભાઈના માતા પર આક્ષેપ થતાં બંને પરિવારો વચ્ચે મનદુઃખ શરૂ થયું હતું. આ જૂના વિવાદને કારણે પરિવારને સમાજમાંથી પણ અલગ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બે વર્ષ પહેલાં લલિતે ઘનશ્યામભાઈને બે લાફા માર્યા હોવાની વાતને લઈને પણ અદાવત ચાલી રહી હતી. પરિવારનો આક્ષેપ છે કે આ જ જૂના મનદુઃખના કારણે હુમલો કરવામાં આવ્યો હતો.
ઘનશ્યામભાઈના નિધનથી તેમના આઠ વર્ષના એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે છ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં લાકડીઓ-ધોકા વડે યુવકની હત્યા! જતીન સોલંકીનું મોત, 2 આરોપીઓની ઓળખ
આ પણ વાંચો: રાજકોટમાં ₹60 હજારની ઉઘરાણીમાં સંબંધોનો કરુણ અંજામ! ત્રણ ભાણેજોએ સગા મામાની હત્યા કરી
