Surat News: સુરતના કતારગામમાં એક કારીગરની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રોજના માત્ર ₹160ના હિસાબમાં સાથી કારીગર પૈસા દબાવી લેતો હોવાની શંકાએ 54 વર્ષીય શખ્સે તેની હત્યા (Surat Murder Case) કરી હોવાનો પોલીસનો દાવો છે. આરોપીએ મૃતદેહને કોથળામાં ભરી કબ્રસ્તાનમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ ઓળખ છુપાવવા માટે મૃતકનું માથું અલગ કરીને રેલવે ટ્રેક પર ફેંકી દીધું હતું. CCTV ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
Surat Murder Case: કબ્રસ્તાન પાસે લોહીથી ખરડાયેલી બોરી મળી
3 નવેમ્બરની રાત્રે કતારગામ (Katargam Crime News)ના વસ્તાદેવડી રોડ પર આવેલા C.N.I. ખ્રિસ્તી કબ્રસ્તાન (CNI Cemetery Case)માં રેલ રાહત કોલોનીની દીવાલ પાસે લોહીથી ખરડાયેલી બોરી મળી આવી હતી. તપાસ કરતાં અંદર આશરે 35 વર્ષના યુવકનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું. મૃતકની ઓળખ થઈ શકે તેવું માથું ગાયબ હોવાથી પોલીસ માટે તપાસ પડકારરૂપ બની હતી.
કતારગામ પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાના મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. આસપાસના CCTV ફૂટેજ તપાસવાની સાથે બાતમીદારોની પણ મદદ લેવામાં આવી હતી.
CCTV અને બાતમીથી આરોપી સુધી પહોંચી પોલીસ
તપાસ દરમિયાન પોલીસને રેલ રાહત કોલોનીના મકાન નંબર 70 તરફ શંકા ગઈ હતી. અહીં રહેતા 54 વર્ષીય સચિત્રકુમાર નરેન્દ્ર બાલેની છેલ્લા બે દિવસની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
પૂછપરછમાં માથા વગરનું ધડ તેની સાથે કતારગામ GIDCના પુરણબાગ વિસ્તારમાં આવેલા સંચા કારખાનામાં કામ કરતા સંજય નામના કારીગરનું હોવાનું સામે આવ્યું હતું. બંને એક જ કારખાનામાં કામ કરતા હતા. સંજય બાઈન્ડિંગનું કામ કરતો હતો અને કારખાનામાં જ રહેતો હતો. કારીગરોના હિસાબની નોટબુક પણ તેની પાસે રહેતી હતી, જ્યારે સચિત્ર ટેસ્ટિંગ કારીગર તરીકે કામ કરતો હતો.
રોજના ₹160ની કટકી કરતો હોવાની શંકા
પોલીસ તપાસ મુજબ, સંજયનો પગાર પોતાનાથી વધુ થતો હોવાથી સચિત્રકુમારને શંકા હતી કે તે તેના મહેનતાણામાંથી રોજના ₹160 દબાવી લે છે. આ શંકાને કારણે બંને વચ્ચે છેલ્લા આશરે સાત મહિનાથી અદાવત ચાલી રહી હતી. આરોપીના મનમાં અંદાજે ₹25 હજારથી ₹30 હજારની રકમ અંગે વહેમ હતો.
1 નવેમ્બરે ઘરે બોલાવી સાથીની હત્યા કરી
પોલીસના જણાવ્યા અનુસાર, 1 નવેમ્બરની બપોરે સચિત્રકુમાર સંજયને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં વાતચીત દરમિયાન તેણે ધારદાર દાતરડાથી સંજય પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. હત્યા બાદ આરોપી મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તેની યોજના બનાવતો રહ્યો હતો.
કોથળામાં મૃતદેહ ભરી કબ્રસ્તાનમાં ફેંક્યો
મોડી રાત્રે આરોપીએ મૃતદેહને કોથળામાં ભરી પોતાના ઘરથી આશરે 100થી 150 મીટર દૂર આવેલા કબ્રસ્તાનમાં લઈ ગયો હતો. રસ્તાની બાજુએ દીવાલની ઊંચાઈ ઓછી હોવાથી તેણે કોથળો દીવાલની અંદર ફેંકી દીધો હતો. મૃતદેહની ઓળખ છુપાઈ જશે તેવી આશા તેને હતી.
3 નવેમ્બરે માથું અલગ કરી રેલવે ટ્રેક પર ફેંક્યું
પોલીસ તપાસ મુજબ, 3 નવેમ્બરની વહેલી સવારે પકડાઈ જવાના ડરથી આરોપી ફરી કબ્રસ્તાન પહોંચ્યો હતો. ત્યાં તેણે મૃતકનું માથું ધડથી અલગ કર્યું હતું. ત્યારબાદ માથું થેલીમાં ભરી અલકાપુરી બ્રિજ પાસે ગયો હતો અને રેલવે ટ્રેક પર ફેંકી દીધું હતું. સવારે આશરે 6:30 વાગ્યે આ કૃત્ય કર્યા બાદ તે ઘરે પરત ફર્યો (Gujarat Crime News) હતો.
આરોપીની ધરપકડ, અન્યની સંડોવણીની તપાસ
આરોપીની પૂછપરછ બાદ પોલીસે અલકાપુરી બ્રિજ નીચે રેલવે ટ્રેક પાસે તપાસ કરી મૃતકનું માથું અને હત્યામાં વપરાયેલું દાતરડું કબજે કર્યું હતું. પોલીસે 54 વર્ષીય સચિત્રકુમાર બાલેની ધરપકડ કરી છે. મૃતદેહનો નિકાલ કરવામાં કે પુરાવા છુપાવવામાં અન્ય કોઈની મદદ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, 3 કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!
આ પણ વાંચો: સુરતમાં મળ્યો માથા વગરનો નગ્ન હાલતમાં મૃતદેહ, મિત્રએ જ મિત્રની હત્યા કરી શરીરના બે ટુકડા કર્યા
આ પણ વાંચો: રાજકોટમાં ₹60 હજારની ઉઘરાણીમાં સંબંધોનો કરુણ અંજામ! ત્રણ ભાણેજોએ સગા મામાની હત્યા કરી
