Rajkot News: રાજકોટની પંચનાથ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવા રિટર્નનાં ખોટાં બિલ બનાવી ₹1.77 લાખની ઉચાપત થયાનો મામલો (Rajkot Hospital Fraud) સામે આવ્યો છે. હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, મેડિકલ સ્ટોરમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કેશિયર તરીકે કામ કરતી યુવતીએ તેના મિત્રની સૂચના મુજબ 303 દર્દીઓના નામે ખોટાં બિલ બનાવ્યાં હતાં. આ કેસમાં યુવતી અને તેના મિત્ર સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Rajkot Hospital Fraud: CCTVમાં શંકાસ્પદ હરકત દેખાતાં તપાસ શરૂ
શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ (Rajkot Panch Nath Hospital)ના ટ્રસ્ટી સંદીપભાઈ ડોડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ખુશી પરમાર અને તેના પતિ પ્રતિક માર્ચ મહિનાથી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. એક દિવસ ખુશી પોતાના ખિસ્સામાં કંઈક મૂકતી હોવાનું CCTV કેમેરામાં દેખાતાં હોસ્પિટલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ અંગે ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ખુશીને બોલાવી પૂછપરછ કરતાં તેણે દવા રિટર્નનાં ખોટાં બિલ (Fake Medicine Return Bills) બનાવી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કર્યાની કબૂલાત કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મિત્રની સૂચનાથી ખોટાં બિલ બનાવ્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, જે દર્દીઓએ દવા પરત ન કરી હોય તેમના નામે દવા રિટર્નનાં ખોટાં બિલ બનાવવામાં આવતાં હતાં. આ રીતે દર્શાવાયેલી રકમ યુવતી તેના મિત્ર કરણ જાદવને આપતી હતી. યુવતીએ કરણના કહેવાથી આ સમગ્ર પ્રક્રિયા શરૂ કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
બંને આ રીતે મળેલી રકમ મોજશોખ પાછળ ખર્ચી નાખતા હોવાનો આક્ષેપ છે. બિલોની ચકાસણી દરમિયાન 303 દર્દીઓના નામે ખોટી એન્ટ્રીઓ કરીને કુલ ₹1.77 લાખની ઉચાપત (Rajkot Crime News) થઈ હોવાનું સામે આવ્યું હતું.
₹75 હજાર પરત કર્યા, બાકીની રકમ માટે ફરિયાદ
આ મામલો સામે આવ્યા બાદ જુલાઈ મહિનામાં યુવતીને નોકરીમાંથી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ₹75 હજાર પરત જમા કરાવ્યા હતા. જોકે, બાકી રહેલા ₹1.02 લાખ વારંવાર માગવા છતાં પરત ન આપતાં ટ્રસ્ટી દ્વારા ખુશી પરમાર અને તેના મિત્ર કરણ જાદવ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સાયબર ક્રાઈમ : સિવિલ હોસ્પિટલના નામે ઠગાઈ કરનારા 3 ઝડપાયા
આ પણ વાંચો: રેગિંગ મુદ્દે ભાવનગરમાં સરકારનો મોટો એક્શન! સર.ટી. હોસ્પિટલમાં અધિકારીઓ બદલાયા, HOD સસ્પેન્ડ
આ પણ વાંચો: સર ટી હોસ્પિટલમાં ECG લેવા વેન્ટિલેટર હટાવતા દર્દીનું મોત, પરિવારજનોએ લગાવ્યા આરોપ
