Rajkot News/ ‘અધિકારી ત્રાસ આપે છે’- આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કર્મચારીએ બનાવ્યો વીડિયો

Dhoraji Railway Station News: રાજકોટના ધોરાજી રેલ્વે સ્ટેશન પર ટિકિટ બુકિંગના કોન્ટ્રાક્ટ કર્મચારી નીતીનભાઈ જેઠવાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સીણા સાહેબ નામના અધિકારી પર લગાવ્યા ત્રાસ આપવાના આક્ષેપ.

Top Stories Gujarat Rajkot
Rajkot Dhoraji Railway Station News

Rajkot Dhoraji Railway Station News: રાજકોટ જિલ્લાના ધોરાજી રેલ્વે સ્ટેશન પરથી એક અત્યંત ચોંકાવનારી અને વહીવટી તંત્રની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. અહીં ટિકિટ બુકિંગ વિભાગમાં કામ કરતા એક કોન્ટ્રાક્ટ કર્મચારીએ સ્ટેશન પરિસરમાં જ ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના પાછળ એક અધિકારી દ્વારા આપવામાં આવતો માનસિક ત્રાસ જવાબદાર હોવાનું સામે આવતા રેલ્વે વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ

પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજી રેલ્વે સ્ટેશનના બુકિંગ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા નીતીનભાઈ જેઠવા નામના કર્મચારીએ આજે અચાનક સ્ટેશન કેમ્પસમાં જ ઝેરી પ્રવાહી (ફિનાઈલ) પી લીધું હતું. આ બનાવની જાણ થતાં જ આસપાસના અન્ય કર્મચારીઓ અને લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. નીતીનભાઈને બેભાન હાલતમાં સૌપ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

‘અધિકારી ત્રાસ આપે છે’ ના વિડિયોમાં આક્ષેપ 

આત્મહત્યાના આ પ્રયાસ પાછળનું કારણ નીતીન જેઠવાનો એક વાયરલ વીડિયો માનવામાં આવી રહ્યો છે. ફિનાઈલ પીતા પહેલાં નીતીનભાઈએ પોતાનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ધોરાજી રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા ‘સીણા સાહેબ’ નામક અધિકારી દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ અધિકારીની જોહુકમી અને માનસિક દબાણથી કંટાળીને જ પોતે આ અંતિમ અને આત્યંતિક પગલું ભરવા મજબૂર બન્યા હોવાનો ખુલાસો વીડિયોમાં કરવામાં આવ્યો છે.

Dhoraji  પોલીસ એક્શનમાં

આ ગંભીર ઘટના અને વાયરલ વીડિયો બાદ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ધોરાજી પોલીસે વાયરલ વીડિયોની સત્યતા ચકાસવા અને ભોગ બનનાર કર્મચારીના પરિવારજનોના નિવેદનો નોંધવાની કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન પર કામ કરતા અન્ય કર્મચારીઓની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવશે. શું ખરેખર અધિકારી સીણા સાહેબ દ્વારા કર્મચારીઓનું શોષણ થતું હતું કે પછી આ ઘટના પાછળ અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે? તે તો પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ધોરાજીમાં ભયાનક બસ અકસ્માત, 25માંથી 19 મુસાફરો ઘાયલ, અનેકની હાલત ગંભીર

આ પણ વાંચો: રાજકોટના ધોરાજીમાં ફરી ધૂણ્યું મનરેગા કૌભાંડનું ભૂત, ચાર સામે ગુનો નોંધાતા ખળભળાટ

આ પણ વાંચો: રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો