Ahmedabad News: ડિજિટલ અરેસ્ટ ઠગાઈ (digital arrest)ના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી અલ્તાફ મેમણ સુરતમાંથી પકડાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચએ તેને ઉધના દરવાજા નજીકથી ઝડપી લીધો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં 88 વર્ષીય ડૉક્ટર પાસેથી 8.05 કરોડથી વધુ રકમ મેળવી લેવાનો આરોપ છે.
Digital arrest કેસમાં આરોપીની ધરપકડ
બોડકદેવ/પાલડી વિસ્તારના જાણીતા અમદાવાદના ડૉક્ટર (Ahmedabad doctor) હેમંત ભાસ્કરરાવ ઠાકોર (ઉં.વ. 88)ને ઓગસ્ટ 2025 દરમિયાન અજાણ્યા નંબરો પરથી વોટ્સએપ કોલ આવ્યા હતા. કોલ કરનારાઓએ પોતાને મુંબઈના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા.
કોલ કરનારાઓએ દાવો કર્યો હતો કે જેટ એરવેઝના નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસમાં ડૉક્ટરના કેનરા બેંક ખાતામાં ₹5 લાખ જમા થયા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે ડૉક્ટર દેશવિરોધી ગુના સાથે જોડાયેલા છે.
આરોપ મુજબ, દિલ્હી કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામના બનાવટી પત્રો, બનાવટી ડેબિટ કાર્ડ અને સરકારી સીલવાળા પત્રો વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા. તેનાથી ડૉક્ટર માનસિક તણાવમાં મુકાઈ ગયા હતા.
ધમકી, શેર વેચાણ અને 8.05 કરોડની રકમ
કોલ કરનારાઓએ ધમકી આપી હતી કે આ દેશવિરોધી ગંભીર કેસ છે અને કોઈને વાત કરશે તો 40 દિવસ માટે જેલમાં જવું પડશે. વીડિયો કોલ પર ડૉક્ટરને 24 કલાક નજર હેઠળ રાખવામાં આવ્યા હતા, જેને ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવ્યું છે.
ત્યારબાદ ડૉક્ટરના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર વેચાવવામાં આવ્યા હતા. શેર વેચાવીને અને બેંક ખાતામાંથી RTGS મારફતે 7 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 8,05,50,000 (આઠ કરોડ પાંચ લાખ પચાસ હજાર) મેળવી લેવાયાનો આરોપ છે.
ઉધના દરવાજા પાસે આરોપી કેવી રીતે ઝડપાયો?
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સર્વેલન્સમાં હતી ત્યારે તેને સચોટ બાતમી મળી હતી. એ બાતમીના આધારે ઉધના દરવાજા ચાર રસ્તા નજીકથી અલ્તાફ મેમણને ઝડપી લેવામાં આવ્યો. આરોપીનું નામ અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીબભાઈ પીઠડીયા છે અને તેની ઉંમર 37 વર્ષ છે.
સરનામા મુજબ તે સેળાવદર-તળાજા, ભાવનગરનો રહેવાસી છે અને હાલ સુરતના ઉનગામમાં રહે છે. આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ(Ahmedabad City Crime Branch)ને સોંપવામાં આવ્યો છે.
હરિયાણામાં પણ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોંધાયેલો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી સામે હરિયાણાના ગુરુગ્રામ સાયબર ક્રાઈમ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. એક વૃદ્ધ ડૉક્ટર સાથે 3.03 કરોડની ડિજિટલ અરેસ્ટ છેતરપિંડીના ગુના મામલે કેસ નોંધાયેલો છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં 81 વર્ષના વૃદ્ધને CBIના નામે ધમકી, ડિજિટલ અરેસ્ટ કરી લાખોની ઠગાઈ
આ પણ વાંચો:રાજકોટમાં નિવૃત્ત મહિલા ડોક્ટરનું ‘ડિજિટલ અરેસ્ટ’! 4 દિવસ ઘરમાં કેદ રાખી લાખો પડાવ્યા
