Surat Civil Hospital News: શબ્દો ઓછા પડે એવી કરુણતા! સુરત (Surat) ની સિવિલ હોસ્પિટલમાં આજે એક પિતાની લાચારી અને મમતાના એવા દ્રશ્યો જોવા મળ્યા જે કોઈનું પણ કાળજું ચીરી નાખે. પુત્રના મોતના આઘાતમાં ભાન ભૂલેલા એક પિતા પોતાના 7 વર્ષના માસૂમ દીકરાના મૃતદેહને ખભે ઊંચકીને અડધો કિલોમીટર સુધી દોડતા રહ્યા હતા. આ દ્રશ્યો જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
મૂળ બિહારના વતની અને રોજગારી માટે 4 મહિના પહેલા જ સુરત (Surat) આવેલા સરોજ મંડલ ભટાર વિસ્તારમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સાત વર્ષના પુત્ર કિશનને ખેંચ (તાણ) આવવાની બીમારી હતી. ગત રાત્રે અચાનક તબિયત લથડતા કિશનનું ઘરે જ કરૂણ મોત નીપજ્યું હતું. પુત્ર ગુમાવવાના આઘાતમાં પિતા એટલા સૂધબૂધ ખોઈ બેઠા હતા કે તેમને લાગ્યું કે હોસ્પિટલ લઈ જવાથી કદાચ પુત્ર જીવતો થઈ જશે. તેઓ સવારે કિશનને લઈને સિવિલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા.

તબીબોએ મૃત જાહેર કરતા પિતાની સૂધબૂધ ગુમી
સિવિલના તબીબોએ તપાસ બાદ કિશનને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ પિતા સરોજ મંડલ પર જાણે આભ તૂટી પડ્યું. હોસ્પિટલની કાયદાકીય પ્રક્રિયા કે પોલીસ કાર્યવાહીની જાણકારી ન હોવાથી અને પુત્રના વિયોગમાં તેઓ કાંઈ પણ વિચાર્યા વગર દીકરાના શબને ખભે ઊંચકીને હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા.

અડધો કિલોમીટર સુધી સ્ટાફ પાછળ દોડ્યો
એક પિતાને પોતાના વહાલસોયાના મૃતદેહ સાથે ચાલતા જોઈ સિક્યોરિટી અને હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પિતા લગભગ મેઈન ગેટ સુધી પહોંચી ગયા હતા, ત્યાં સ્ટાફે તેમને રોકીને સમજાવ્યા હતા. અંદાજે એક કલાકની જહેમત અને સમજાવટ બાદ પિતા પરત ફર્યા હતા અને કાયદાકીય પ્રક્રિયા બાદ પુત્રનો દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
Surat સિવિલ હોસ્પિટલના RMO નું નિવેદન
સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, “બાળકનું મોત ઘરે જ થઈ ગયું હતું. પિતા આઘાતમાં હોવાથી મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા. સ્ટાફ દ્વારા તેમને સમજાવી પરત લાવવામાં આવ્યા હતા અને ખટોદરા પોલીસને જાણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
