Lifestyle News/ વરસાદમાં ફોન પલળી ગયો?; ગભરાશો નહીં નુકસાનથી બચવા માટે અપનાવો આ જુગાડ

વરસાદમાં મોબાઈલ ફોન (phone) પલળી જાય તો કરો આ એક કામ; મધરબોર્ડ શોર્ટ સર્કિટ થતાં બચી જશે

Lifestyle
PHONE

ચોમાસાની ઋતુમાં વરસાદના મોસમની મજા માણવી દરેક વ્યક્તિને ગમે છે, પરંતુ આ મજા ત્યારે ચિંતામાં બદલાઈ જાય છે જ્યારે અચાનક આવેલી હેલીમાં આપણો કિંમતી મોબાઈલ ફોન (phone) પલળી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ગભરાઈ જાય છે અને ઉતાવળમાં એવી ગંભીર ભૂલો કરી બેસે છે જેના કારણે ફોન હંમેશા માટે ડેડ થઈ જાય છે. જો તમારો સ્માર્ટ ફોન પણ વરસાદના પાણીનો ભોગ બન્યો હોય, તો ટેન્શન લેવાને બદલે કેટલીક પાયાની સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, જેથી તેને આસાનીથી બચાવી શકાય.

ફોન પલળી જતાં જ આ 3 જરૂરી કામ તાત્કાલિક કરો

પાવર ઓફ અને પાર્ટ્સ અલગ કરવા:ફોન પાણીના સંપર્કમાં આવતાની સાથે જ સૌથી પહેલું પગલું તેને તાત્કાલિક ‘સ્વિચ ઓફ’ કરવાનું હોવું જોઈએ. જો ફોન ચાલુ રહેશે તો અંદર પહોંચેલું પાણી શોર્ટ સર્કિટ સર્જી શકે છે, જે આખા મધરબોર્ડને નષ્ટ કરી નાખશે. ફોન બંધ કર્યા પછી, સીમ કાર્ડ ટ્રે બહાર કાઢીને સીમ કાર્ડ અને મેમરી કાર્ડને અલગ કરી લો. જો તમારી પાસે જૂના મોડેલનો ફોન હોય જેમાં બેટરી નીકળી શકતી હોય, તો બેટરી પણ તરત જ અલગ કરી દો જેથી આંતરિક ભાગોમાં હવા જઈ શકે.

ભૂલથી પણ આ 2 મોટી ભૂલો ન કરશો: ઘણા લોકો ફોન બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરવા માટે ભીના ફોનને જ ચાર્જિંગમાં ભરાવી દે છે. આ ભૂલ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી શોર્ટ સર્કિટ થવાની અથવા ફોન બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત, ફોનને ઝડપથી સૂકવવાની લ્હાયમાં ક્યારેય ‘હેર ડ્રાયર’નો ઉપયોગ ન કરવો. હેર ડ્રાયરની પ્રચંડ ગરમ હવા હેન્ડસેટના નાજુક પ્લાસ્ટિકના પાર્ટ્સને ઓગાળી શકે છે અને હવાના પ્રેશરથી પાણી ફોનની અંદર વધુ ઊંડે સુધી ધકેલાઈ શકે છે.

બહારથી નરમ સફાઈ અને યોગ્ય સાવચેતી: ફોનની આસપાસ દેખાતા પાણીને સાફ કરવા માટે કોઈ મુલાયમ સુતરાઉ કાપડ અથવા ટીશ્યુ પેપરનો ઉપયોગ કરો. સ્ક્રીન, ચાર્જિંગ પોર્ટ અને સ્પીકર ગ્રીલ જેવા ભાગોને હળવા હાથે લૂછી લો. એક ખાસ વાત યાદ રાખો કે પાણી કાઢવાના ચક્કરમાં ફોનને જોરજોરથી હલાવવો (ઝટકવો) નહીં, કેમ કે આમ કરવાથી બહારની સપાટી પર રહેલું પાણી ફોનની અંદરના સંવેદનશીલ ભાગોમાં પ્રવેશી શકે છે.

જો આ પ્રાથમિક ઉપચારો પછી પણ ફોન ચાલુ ન થાય અથવા તે લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલો રહ્યો હોય, તો ઘરે વધુ અખતરા કરવાને બદલે તેને કોઈ અધિકૃત સર્વિસ સેન્ટર અથવા નિષ્ણાત ટેકનિશિયન પાસે લઈ જવો એ જ સૌથી સુરક્ષિત માર્ગ છે.


આ પણ વાંચો: ગરમી વધી તો ફોન પણ ખતરામાં! હીટવેવમાં સ્માર્ટફોનને ઓવરહીટ થતાં બચાવવા ફોલો કરો આ ટિપ્સ

આ પણ વાંચો: આઇફોન યુઝર એલર્ટ, ખોવાયેલા આઇફોનના નામે થઈ રહી છે નવી હાઇબ્રિડ સાયબર ફ્રોડ, I4Cની મોટી ચેતવણી

આ પણ વાંચો: એન્ડ્રોઇડ 17માં ગુગલનું ‘કંટિન્યૂ ઓન’ ફીચર, હવે ફોનથી ટેબ્લેટ પર કામ તરત જ ચાલુ રાખી શકશો