Lifestyle: ઇનડોર પ્લાન્ટ્સ (Indoor Plants)ની પસંદગી ન કેવળ તમારા ઘરના દેખાવમાં ચાર ચાંદ લગાવે છે પણ હવાની ગુણવત્તાને પણ સુધારે છે. અમુક એવા છોડ છે જે ઘરમાં સરળતાથી સેટ થઇ જાય છે અને એની વધુપડતી સંભાળ પણ નથી લેવી પડતી! તો ચાલો જાણીએ, એવા 6 બહેતરીન ઇન્ડોર પ્લાન્ટ્સ વિશે જે નાની જગ્યામાં પણ આસાનીથી પોતાનું સ્થાન બનાવી લે છે અને તમારા ઘરને સાચા અર્થમાં ‘હોમ સ્વીટ હોમ’ બનાવે છે!
ઉનાળામાં પણ રહેશે તરોતાજા
ઉનાળા (Summer)માં કેટલાય છોડ સુકાઇ જાય છે અને ઘરની બાલ્કની કે ગાર્ડનની સુંદરતા ઓછી થવા લાગે છે! આ સંજોગોમાં કેટલાક છોડવાં તમે તમારા ઘરમાં અથવા તો તમારા ઘરની બાલ્કનીમાં લગાવી શકો છો. ઉનાળાની ઋતુમાં પણ એ ઘણા જ સુંદર રીતે વધી શકે છે!
સામાન્ય રીતે, ઉનાળામાં છોડ (Plant)નો વિકાસ રુંધાઇ જાય છે જો કે, કેટલાક છોડ એવા પણ હોય છે કે જે ગરમીમાં વધુ મહોરી ઉઠે છે! જેના ખીલવાથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. આ સંજોગોમાં જો તમે ગરમીની ઋતુમાં પણ તમારા ઘરને સુંદર રાખવા માગતા હો તો કેટલાંક ઇનડોર પ્લાન્ટ્સ એમાં વાવી દો. આ માટે તમે આ સ્પેશ્યિલ છોડવાંને વાવી શકો છો અને જો તમે ફ્લેટમાં રહેતા હો તો તમારી બાલ્કની (Balcony)માં પણ કૂંડા રાખીને રોપી શકો છો. આ છોડની વિશેષ સંભાળ (Plant Care) લેવાની પણ જરુર પડતી નથી.
આ ઇનડોર પ્લાન્ટ્સ (Indoor Plants)થી પોતાના ઘરને સજાવો
ઘરની સુંદરતા વધારવાની સાથે હવાની ગુણવત્તા સુધારવા માટે અને તાજગીભર્યું વાતાવરણ બનાવવા લકી બામ્બુ , સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ જેવા મોટાભાગના લોકોના મનપસંદ છોડ વાવવા જોઇએ કારણ કે, એ ઓછી જાળવણી માંગે છે અને ઉનાળાની ગરમીમાં પણ તરોતાજા અને ખીલેલા રહે છે, જેનાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા પણ વ્યાપે છે.

1. લકી બામ્બુ
લકી બામ્બુ (Lucky Bamboo) અત્યંત ઓછી જગ્યામાં પણ સરળતાપૂર્વક રાખી શકાય છે. એને માટીની જગ્યાએ પાણી ભરેલા કન્ટેનરમાં પણ ઉગાડી શકાય છે. એની પાતળી દાંડીઓના કારણે એને ડેસ્ક અથવા તો કોફી ટેબલ પર રાખવા માટે પરફેક્ટ વિકલ્પ છે. ઘરને એનાથી સિમ્પલ અને એલિગન્ટ લુક મળે છે.

2. સ્નેક પ્લાન્ટ
નાનું ઘર હોય એ માટે સ્નેક પ્લાન્ટ (Snake plant) સૌથી બહેતરીન વિકલ્પો પૈકીનો એક છે. એ ઉર્ધ્વ દિશામાં જ વૃદ્ધિ કરે છે અને જમીનની જગ્યાને ઘેરતો નથી! એના તલવાર જેવા પાન હોવાથી એને ઘરના કોઇ ખૂણામાં રાખવાથી આકર્ષક લાગે છે અને તમારા રુમમાં મોર્ડન હોમ ડેકોર હોય તો એ ઘણો જ સુંદર લાગે છે. ઓછા સૂર્યપ્રકાશ (Sunlight)માં પણ એ સરળતાથી પોતાનું અસ્તિત્વ જાળવી શકે છે અને એને વધારેપડતા પાણી (Water)ની જરુર પડતી નથી!

3. મની પ્લાન્ટ
મની પ્લાન્ટ (Money Plant) દિવાલો પર લાગેલા પ્લાન્ટર્સ (Planters)માં અત્યંત સુદર દેખાય છે. એની ઝરણા જેવી વેલ ઉપરની તરફ વધીને તમારા ઘરની દિવાલોને પણ સુંદર લુક આપશે! આ વેલને ક્યારેય જમીન પર ન ફેલાવવી અને લાકડી અથવા તો દોરીની મદદથી ઉપરની તરફ જ ચડાવવો. આ છોડને હંમેશા ઉત્તર-પૂર્વ (North-East) અર્થાત્ અગ્નિ કોણમાં જ મુકવો. કારણ કે, એ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આમ કરવું શુભ ગણાય છે. ઓછા અજવાળામાં પણ આ છોડ ઉત્તમ વૃદ્ધિ પામશે અને તમારા ઘરની શોભા વધારશે.

4. પીસ લીલી
પીસ લીલી (Peace Lily)ના પ્લાન્ટને તમે આસાનીથી નર્સરી (Nursery)માં જઇને ખરીદી શકો છો. છોડ વાવતી વખતે ધ્યાન રાખવું કે, છોડ કૂંડાની વચ્ચોવચ્ચ વાવીને માટીને હળવી દબાવી દેવી અને પછી જ પાણી આપવું. વધુપડતું પાણી આપવાથી પ્લાન્ટ ખરાબ થઇ શકે છે આથી પાણી આપતી વખતે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો! દરરોજ પાણીનો હળવો સ્પ્રે કરવો અથવા તો અઠવાડિયે એક થી બે વાર જ પાણી આપવું. આ છોડ તમારા બેડરુમ અથવા તો સ્ટડીમાં રાખવા માટે ઉત્તમ વિકલ્પ છે. એ પોતાની હવા શુદ્ધ કરવાની ક્ષમતા માટે પણ જાણીતો છે.

5. સ્પાયડર
સ્પાયડર પ્લાન્ટ (Spider plant) પોતાના પાંદડા અને નાના-નાના બેબી પ્લાન્ટ્સના કારણે અત્યંત આકર્ષક લાગે છે. એને શેલ્ફ અથવા તો હેન્ગિંગ પોટમાં પણ રાખી શકાય છે. જુદી-જુદી પ્રકાશની સ્થિતિઓમાં એ પોતાને સરસ રીતે ઢાળી શકે છે અને એની વધારે સંભાળ લેવાની આવશ્યકતા રહેતી નથી.

6. એલોવેરા
એલોવેરા (Aloe vera) એક નાનકડો રસાળ છોડ છે જેને બારીઓ અથવા તો ડેસ્ક પર સરળતાથી રાખી શકાય છે. એને તેજ સૂર્યપ્રકાશ પસંદ છે અને ઓછા પાણીમાં પણ એનો ગ્રોથ ઉત્તમ થાય છે. એ સજાવટી પ્લાન્ટ ઉપરાંત, એની જેલના સ્કિનકેર ઉપયોગ માટે પણ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!
આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!
