Gujarat Heatwave Forecast: ગુજરાતમાં ઠંડીએ સત્તાવાર વિદાય લઈ લીધી છે અને હવે સૂરજદાદા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે (IMD) રાજ્યમાં ભયાનક હીટવેવની આગાહી કરી છે. અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ગરમીને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
Heatwave : કયા જિલ્લાઓમાં યલો એલર્ટ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા સૂકા અને ગરમ પવનોને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાશે. આગાહી મુજબ, મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા તથા દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનો પારો ઊંચો રહેશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા (ડીસા) અને કચ્છ (ભુજ) પંથકમાં પણ નાગરિકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે

તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રી નોંધાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ડીસા, ભુજ, ગાંધીનગર અને સુરત જેવા ૮થી વધુ જિલ્લાઓમાં તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ સ્થિર થયું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
આગામી 90 દિવસ ભારે, IMD ની ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 90 દિવસ એટલે કે મે મહિનાના અંત સુધી નાગરિકોએ હીટવેવ અને આકરી ગરમીનો સામનો કરવો પડશે. મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોવાથી લૂ (Heatstroke) લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ શકે છે. જોકે, આ કાળઝાળ ગરમીની વચ્ચે માર્ચ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે, ચાલુ વર્ષે દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતા વધુ ગરમી રહેવાની વકી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં હીટવેવના દિવસોની સંખ્યા વધુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
ગરમીથી બચવા શું કરવું?
ગરમીથી બચવા માટે બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું અનિવાર્ય હોય તો સુતરાઉ કપડાં પહેરવા અને તડકાથી રક્ષણ મેળવવા માથું ઢાંકીને રાખવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, ડિહાઇડ્રેશનથી બચવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સમયાંતરે વધુ પ્રવાહી તેમજ ઓઆરએસ (ORS) નું સેવન કરતા રહેવું જોઈએ.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
