વિશ્વમાં દર વર્ષે 8મી મે નો દિવસ આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ રોગને આગળ વધતો અટકાવવા માટે વિવિધ સ્તરે જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે. રાજકોટમાં થેલેસીમિયા નાબુદી માટે વર્ષોથી કાર્ય કરતા પ્રોજેક્ટ લાઈફ સંચાલિત લાઈફ બ્લડ સેન્ટર દ્વારા રાજકોટને થેલેસીમિયામુકત કરવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પ્રોજેક્ટ લાઈફના જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી શ્રીમતી મીતલ કોટિચા શાહે જણાવ્યું છે કે, જો આપણે થેલેસીમિયા પ્રત્યે કાળજી રાખીશું તો આખા ગુજરાતમાં થેલેસીમિયા નાબૂદ થઇ શકે તેમ છે.

થેલેસેમિયાએ આ રક્તકણોના કાર્યને લગતી ખામી છે. મેડિકલ સાયન્સ તેને જિનેટિક બ્લડ ડિસઓર્ડર તરીકે ઓળખે છે. રક્તકણમાં આવેલા આલ્ફાસેલ અને બીટા સેલ પૈકીનો કોઈપણ સેલ શરીરમાં પ્રોટીન બનાવવાનું બંધ કરી દે ત્યારે આ રક્તકણો કામ કરતા બંધ થઈ જાય છે. પરિણામે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી જેને આપણે એનિમિયા, પાંડુરોગ કે લોહીની ઉણપ તરીકે ઓળખીએ છીએ. જ્યારે શરીરમાં લોહી બનવાની ક્રિયા અવરોધાય કે અટકી જાય ત્યારે શરીરની દૈનંદિન ક્રિયાઓ જેવી કે ચાલવું, દોડવું, કામ કરવું, વિચારવું વગેરે પર તેની ગંભીર અસર પડે છે. જ્યારે આ રોગ ગંભીર બને ત્યારે દર્દીને 4-6 અઠવાડિયે લોહી ચડાવવું પડે છે.

થેલેસેમિયા બે પ્રકારના જોવા મળે છે. માઈનોર થેલેસેમિયા અને મેજર થેલેસેમિયા. માઈનોર થેલેસેમિયા એ થેલેસેમિયા ટ્રેટ તરીકે પણ ઓળખાય છે. માઈનોર થેલેસેમિયા ધરાવતા લોકો આમ તો બધી રીતે તંદુરસ્ત હોય છે, પરંતુ તેમના શરીરમાં લોહી બનવાની ક્રિયાની ગતિ મંદ હોય છે. વળી, તેમના રક્તકણો તંદુરસ્ત વ્યક્તિના રક્તકણો કરતા કદમાં થોડા નાના હોય છે.

થેલેસેમિયા માઈનોર ધરાવતા લોકોના લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે જે તેમના માતા-પિતા તરફથી વારસામાં મળ્યું હોય છે.થેલેસેમિયા માઈનોર વ્યક્તિને સામાન્ય રીતે પોતાની આ ઉણપનો ખ્યાલ જલ્દીથી નથી આવતો. પરંતુ એક ખાસ પ્રકારનો બ્લડ ટેસ્ટ કરાવવાથી લાઈફ બ્લડ સેન્ટરના તબીબો આપણાં લોહીમાંના રક્તકણોનું કદ માપીને આપણાં લોહીમાં હિમોગ્લોબીનની માત્રા તપાસી આપણને થેલેસેમિયા માઈનોર છે કે નહીં તે નક્કી કરી આપે છે. થેલેસેમિયા માઈનોર ધરાવતી વ્યક્તિ શરીર કે મનથી કમજોર હોતી નથી કે તેના રોજીંદા કામકાજમાં પણ તેને આ રોગની અસર જણાતી નથી. તેને લોહી પણ ચડાવવું પડતું નથી. પરંતુ ક્યારેક હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જતાં કેટલાકને થોડી એનિમિયાની અસર અનુભવાય છે.

