ભરૂચ/ વાગરા તાલુકાના મુલેર ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ગેસ લાઈનમાં આગથી દોડધામ

લાગેલ આગનો તમાશો જોઈ રહેલ ફાયર ફાઈટરોએ અડધા કલાક આગ બુજવવાનો પ્રયાસ કર્યો

Top Stories Gujarat
Untitled 53 4 વાગરા તાલુકાના મુલેર ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ગેસ લાઈનમાં આગથી દોડધામ

વાગરા તાલુકાના મુલેર – ગંધાર ઓ.એન.જી.સી. પ્લાન્ટના પી.ટી.વાય.એસ. યુનિટની પાછળનાં ભાગમાં ગેસ પાઇપલાઇન અચાનક લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. એસ્સાર પેટ્રોલ પંપની સામેનાં ખુલ્લા મેદાનમાં આ આગની ઘટના સામે આવી હતી. જાણ થતાની સાથે જ ઘટના સ્થળે ઓ.એન.જી.સ. નો ફાયર સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, અડધા કલાકથી વધુ સમય સુધી લાગેલ આગને જોતા રહ્યા હતા અને તેને બુઝાવવાની કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી.

ફાયર વિભાગના ઉપસ્થિત ઇન્ચાર્જ અધિકારી પાસે મીડિયા દ્વારા ઘટના વિશે પૂછતાછ કરાતા અધિકારી હાવરા બાવરા બની મીડિયા કર્મીનો મોબાઈલ ઝૂંટવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે આ વાત વાયુવેગે વહેવાના ડરથી ઓ.એન.જી.સી. નો ફાયર સ્ટાફ એક્શનમાં આવ્યો હતો, અને અંતે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી અગ્નિશામક યંત્ર દ્વારા ફોમનો મારો ચલાવી આગને ઓલવવામાં આવી હતી. બીજી તરફ પંકચર લાઈનમાં ફોલ્ટ શોધવાની કામગીરી પણ હાથ ધરાઇ હતી.

ગામનો રહેણાક વિસ્તાર નજીક જ હોય બનેલ ઘટનાથી મોટી હોનારતની પણ ભીતિ સેવાઇ રહી હતી. ગેસ લીકેજથી બ્લાસ્ટ થવાની શક્યતાના કારણે ભય હેઠળ લોકો નાસીપાસ થતાં જોવા મળ્યા હતા. અંડર ગ્રાઉન્ડમાંથી પસાર થતી ૩ ઇંચની પાઇપલાઇન લીકેજ હોવાના અનુમાન સાથે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ ઓએનજીસી દ્વારા આગની ઘટના સંદર્ભે તાલુકા વહીવટી તંત્ર કે પોલીસ વિભાગને જાણ કરવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી. જમીનના ભૂગર્ભમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. લાઈન જીવતા બોમ્બ સમાન છે. જેથી આગ જેવી દુર્ઘટનામાં મોટી જાનહાનિ અને હોનારતની શક્યતાઓ અને ભય રહેલો છે. સત્વરે સંબંધિત અને જવાબદાર વિભાગના અધિકારીઓ કોઈપણ ઘટનાને પહોંચી વળવા સક્ષમ હોવા જરૂરી છે.