ગુજરાતમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું ચૂંટણી મતદાન યોજાવાનું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર યોજાનારા આ મતદાનમાં 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 25393 મતદાન મથકો પર વોટિંગ થવાનું છે. જોકે ઘણીવાર મતદાતાઓને વોટર સ્લીપ ન મળવાના કારણે તેઓ વોટ આપવા ક્યાં જવું તેને લઈને મૂંઝવણમાં મૂકાતા હોય છે. જોકે આવા મતદારો સીધા જ ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને તેમની વોટર સ્લીપ મેળવી શકે છે.
વોટર સ્લીપ કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરવી
- સૌથી પહેલા https://electoralsearch.in/ વેબસાઈટ પર જઇને તમે બે રીતે તમારી વોટર સ્લીપને ડાઉનલોડ કરી શકો છે.
- પ્રથમ વિકલ્પમાં તમારા નામ, ઉંમર, તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરીને વોટર સ્લીપ મેળવી શકો છો.
- બીજા વિકલ્પમાં તમારા વોટર આઈ-કાર્ડ પરનો એપિક નંબર દાખલ કરીને પણ સર્ચ કરી શકાય છે.
આ બંને રીતે મતદાર તેમનો વિધાનસભા વિસ્તાર, બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું તથા તેમની વોટર સ્લીપને ઓનલાઈન જોઈ શકે છે.
નોંધનીય છે કે, આવતીકાલે 1લી ડિસેમ્બરે રાજ્યમાંથી 1.24 કરોડથી વધુ પુરુષ મતદારો અને 1.15 કરોડથી વધુ મહિલા મતદારો લોકશાહીના સૌથી મોટા પર્વમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 25 હજારથી વધુ મતદાન મથકો પર 2.39 કરોડ જેટલા મતદારો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરશે.