Bharuch News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર વહેલી સવારે બ્રિજ પર બેદરકારીપૂર્વક ઊભેલા એક કન્ટેનર પાછળ આઈશર ટેમ્પો ઘૂસી જતાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ અંગે વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતા ભવન વાલુભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો આઈશર ટેમ્પો ડ્રાઈવર કુલદીપસિંહ મનીસિંહ પોનીયા ચલાવતા હતા. આજે (3 ઓગસ્ટ) વહેલી સવારે 4 વાગ્યે વડોદરાથી સુરત તરફ નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી બ્રિજ ચડતી અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, બ્રિજ પર એક કન્ટેનર પાર્કિંગ લાઈટ વગર બેદરકારી દાખવીને ઊભું હતું.
આ ઊભેલા કન્ટેનરની પાછળ કુલદીપસિંહનો આઈશર ટેમ્પો ઘૂસી ગયો હતો, જેના કારણે કુલદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે આઈશર ટેમ્પોના કેબિનમાંથી કુલદીપસિંહનો મૃતદેહ બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આ બનાવ અંગે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદના આધારે હાઈવે ઉપર કન્ટેનર ઊભું રાખી બેદરકારી દાખવનાર કન્ટેનર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વાલિયા ચોકડી બ્રિજ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
આ પણ વાંચો:હવે ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 11 ઓગસ્ટથી શરૂ થશે
આ પણ વાંચો:રેલ્વે બ્લોકના લીધે 27મી ઓગસ્ટની ટ્રેનો રદ, પોરબંદરવાસીઓને પડશે હાલાકી
આ પણ વાંચો:જૂનાગઢમાં રેલ્વે વિભાગની ઘોર બેદરકારી, ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
