આરોગ્ય/ મીઠાઈના બદલે સૂકોમેવો લોકોની પ્રથમ પસંદગીઃ આરોગ્ય પ્રત્યેની સભાનતા વધી

કોરોનાના બે વર્ષના પગલે લોકોમાં આરોગ્ય પ્રત્યેની સભાનતા વધી છે. તેનો પુરાવો આ વર્ષે દિવાળીએ લોકો મીઠાઇના બદલે સૂકા મેવા પર પસંદગી ઉતારતા થયા તેમાં જોવા મળ્યો છે.

Top Stories Gujarat
  • બે વર્ષ બાદ સૂકામેવાના બજારમાં રોનક પરત ફરી
  • મુંબઈમાં હજી પણ વરસાદ હોવાથી ઘરાકીને અસર
  • નવરાત્રિ, દશેરા પછી દિવાળી નિમિત્તે સૂકામેવાની ભારે માંગ

કોરોનાના બે વર્ષના પગલે લોકોમાં આરોગ્ય પ્રત્યેની સભાનતા વધી છે. તેનો પુરાવો આ વર્ષે દિવાળીએ લોકો મીઠાઇના બદલે સૂકા મેવા પર પસંદગી ઉતારતા થયા તેમાં જોવા મળ્યો છે. આના પગલે બે વર્ષ બાદ સૂકામેવાની બજારમાં રોનક આવી છે. જોકે આ વર્ષે સૂકામેવામાં કુદરતી પરિબળો ભાવ કરતા રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ લોકો મીઠાઇ કરતાં વધુ પ્રમાણમાં સૂકા મેવા પર પસંદગી ઉતારી રહ્યા છે.

સૂકામેવાના આયાતકારો વધી ગયા હોવા છતાં નવરાત્રિ, દશેરા અને દિવાળી નિમિત્તે માગ સારી રહી છે. જોકે સામે કમાણી ઓછી છે. મુંબઈમાં હજી પણ વરસાદ હોવાથી ઘરાકીને અસર થઈ છે. આમ છતાં દિવાળી નિમિત્તે ઘરાકી સારી રહેવાની ધારણા વાશી સ્‍થિત સૂકામેવાના આયાતકાર શૈલેશભાઈ ખારાવાલાએ વ્‍યક્‍ત કરી છે.

હવે લોકો સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે વધુ સજાગ થઈ ગયા હોવાથી મીઠાઈને બદલે ગ્રાહકોમાં સૂકામેવા પ્રત્‍યે પસંદગી વધી છે. બદામના આયાતકારો વધી ગયા હોવાથી બદામના વેપારમાં આ વર્ષ નીરસ રહ્યું. બદામમાં એક વર્ષ કમાણી ઓછી થાય તો બીજા વર્ષ વધે તેવી ધારણા વેપારીઓની રહી છે.

સૂકામેવાના અન્‍ય ઉત્‍પાદક અફઘાનિસ્‍તાન, ઉઝબેકિસ્‍તાન અને પાકિસ્‍તાનમાં આ વર્ષે ભયંકર વરસાદ થયો. વરસાદની આવશ્‍યકતા હતી ત્‍યારે દુકાળ પડયો અને જરૂર ન હોતી ત્‍યારે વિનાશકારી વરસાદ થયો. તેથી કાળી દ્રાક્ષ અને અંજીરના 70 ટકા પાકને નુકસાન થયું. પાકને નુકસાન થવાથી ભાવ પણ 50 ટકા જેવા ઊંચા રહેશે.

ઈરાનમાં પાકવર્ષ મુજબ આ વર્ષે પિસ્‍તાનો પાક ઓછો છે તેથી ભાવ ઊંચા ખુલ્‍યાં છે. ઈરાનની ઊંચી બજારનો લાભ લેવા કેલિફોર્નિયા અને તુર્કી પોતાના 15-30 ટકા જેવા ઓછા ભાવના પિસ્‍તા મગજ અને આખા પિસ્‍તાનો માલ બજારમાં ઉતાર્યો. વેપારીઓ પણ ઓછા ભાવનો માલ લેવા પ્રેરાયા અને વેચાણ પણ વધ્‍યું છે.

છેલ્લાં બે વર્ષ કરતાં આ વર્ષે ઈરાનના પિસ્‍તાના ભાવ ડબલ થઈ ગયા છે. પિસ્‍તાના ઊંચા ભાવને લીધે તેના અગ્રણી વપરાશકાર મીઠાઈવાળાઓએ કેલિફોર્નિયાના સસ્‍તા પિસ્‍તા પર પોતાની પસંદગી ઉતારી છે. સમગ્ર વિશ્વમાં આ વર્ષે વરસાદ સામાન્‍ય કરતાં 15 ટકા વધારે હતો. તેમાં ચીલી પણ બાકાત રહ્યું નથી. ચીલીમાં આ વર્ષે અખરોટનો પાક મોટો હતો તેથી ઓછા ભાવે નિકાસ કરતા રહ્યા. તેમાં પણ ભાવ ઓછા હોવાથી આયાતકારો વધી ગયા, સ્‍પર્ધા વધી તેથી અખરોટમાં આયાતકારોને નફો ન રહ્યો અને ભાવો ભાવ માલ હળવો કરવો પડયો. આ વર્ષે તાસગાંવમાં કિસમિસનો પાક સારો હતો. જોકે વરસાદને લીધે ગુણવત્તાયુક્‍ત અને એવરેજ માલમાં મોટો ફરક રહ્યો છે.