Gujarat News : ગુજરાત બોર્ડર પર સેનાના શૌર્ય અંગે BSFના IG અભિષેક પાઠકે રોચક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત બોર્ડર પર ટેન્કો ગોઠવી દીધી હતી. તે સિવાય પાકિસ્તાને એક પછી એક 600થી વધુ ડ્રોન મોકલ્યા હતા. જોકે સેનાએ તેનો જડબાતોડ જવાબ આપી તમામ ડ્રોનને ફૂંકી માર્યા હતા.
BSF દરેક ક્ષણે માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત
BSFના IG અભિષેક પાઠકે જણાવ્યું હતું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદનું રક્ષણ કરે છે. જમ્મુ-કાશ્મીરનાં બર્ફીલા શિખરોથી લઈને ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતના સર ક્રીક સુધી, બોર્ડર સિક્યોરિટી ફોર્સ દરેક ક્ષણે માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત છે..ગુજરાત ફ્રન્ટિયર આ બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સર ક્રીક સુધીની ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત ફ્રન્ટિયરનો જવાબદારી વિસ્તાર ખૂબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલો છે, જો આપણે બાડમેર વિશે વાત કરીએ તો એ એક ધગધગતું રણ, ઊંચી રેતીની ટેકરીઓ છે, જ્યાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સુધી વધી જાય છે.
આવા પ્રતિકૂળ હવામાનમાં જ્યાં છાંયડા માટે કંઈ ઉપલબ્ધ નથી, આપણા સૈનિકો હવામાનને ધ્યાનમાં લીધા વિના દિવસ-રાત દેશની સરહદનું રક્ષણ કરી રહ્યા છે.ગુજરાત રાજ્યની ભારત-પાકિસ્તાન સરહદ પણ એક અનોખી ભૌગોલિક પરિસ્થિતિ રજૂ કરે છે. અહીં કાં તો રણ છે કે કાં તો ક્રીક, બંને વિસ્તારો એવા છે, જ્યાં કળણવાળી જમીન, ખારાશ અને આબોહવા ગરમ-ભેજવાળી રહે છે. અવરજવરના માર્ગો ખૂબ જ મર્યાદિત છે, સૈનિકોને કળણવાળી જમીન પર પગપાળા પેટ્રોલિંગ અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવી પડે છે.
પાકિસ્તાને ગુજરાત સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધાં
22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર હત્યાકાંડની નિંદા કરતાં તેમણે જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો અને ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પાડી. ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાના એકત્રીકરણની માહિતી મળતાંની સાથે જ એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાનાં ગોઠવી દીધાં છે, ગુજરાત ફ્રન્ટિયરએ દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરનાં શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તહેનાત કરી દીધાં.
BSFના ડિરેક્ટર જનરલે સૌથી મુશ્કેલ ક્રીક વિસ્તારની મુલાકાત લીધી
સરહદ પર મહત્તમ સૈનિકો અને અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા. આ પડકારજનક સમયમાં BSFના ડિરેક્ટર જનરલે સૌથી મુશ્કેલ ક્રીક વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં હાજર દળના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું. આ સાથે અન્ય અધિકારીઓ પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદી ચોકીઓની મુલાકાત લેતા રહ્યા.7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી સ્ટ્રાઇક અને આતંકવાદી ઠેકાણાંનો નાશ કરવાની માહિતી આપી, જોકે આ હુમલો પાકિસ્તાની લશ્કરી ઠેકાણાં કે નાગરિકો પર કરવામાં આવ્યો નહોતો.
600થી વધુ ડ્રોન હુમલા કર્યા
ભારતીય દળો દ્વારા કરવામાં આવેલી સ્ટ્રાઇક પછી પાકિસ્તાને 8 મે 2025ની રાતથી ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનું શરૂ કર્યું. ઓપરેશન સિંદૂરથી લઈને યુદ્ધવિરામ સુધી પાકિસ્તાને 600થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે, પરંતુ BSFએ ભારતીય સેના અને વાયુસેનાની મદદથી એને નિષ્ફળ બનાવ્યા.
ભારતીય સૈનિકોનો જોશ હાઇ હતો
ગમે એટલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય, સરહદ સુરક્ષા દળના સૈનિકોનો ઉત્સાહ હંમેશાં ઊંચો રહ્યો છે. રજાઓ રદ કરવામાં આવી હતી, પ્રતિકૂળ હવામાનમાં તહેનાતી હતી છતાં જોશ હાઈ હતો. દરેક સૈનિકે દેશની સેવાને સર્વોપરિ રાખી. આપણા સરહદ રક્ષકોની હિંમત અને સતર્કતા જ હતી કે જ્યારે 23 મે 2025ના રોજ સુઇગામ નજીક ભારત-પાકિસ્તાન સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આપણા જાગ્રત અને બહાદુર રક્ષકોએ તેને સ્થળ પર જ ઠાર કર્યો.મહિલા સૈનિકોએ દરેક મોરચે હિંમત બતાવી
મહિલા રક્ષકોની પ્રશંસા કરતાં ઇન્સ્પેક્ટર જનરલે માહિતી આપી કે આ સમયગાળા દરમિયાન સરહદ પર તહેનાત મહિલા રક્ષકોએ ઓપરેશન દરમિયાન દરેક મોરચે સૈનિકો સાથે ખભેખભો મિલાવીને હિંમત બતાવી. પેટ્રોલિંગ હોય, દેખરેખ હોય કે સંદેશાવ્યવહાર નિયંત્રણ હોય, મહિલાઓએ સંપૂર્ણ નિષ્ઠા અને કાર્યક્ષમતા સાથે પોતાની જવાબદારીઓ નિભાવી. આ સંદર્ભમાં દળના 2 મહિલા અધિકારી, સહાયક કમાન્ડન્ટ નીતિ યાદવ અને સહાયક કમાન્ડન્ટ અમનદીપ કૌરનો ખાસ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે બંનેએ ક્રીક જેવા મુશ્કેલ વિસ્તારમાં અનોખા નેતૃત્વ, ક્ષમતા અને હિંમત દર્શાવી. હાલમાં ગુજરાત ફ્રન્ટિયરમાં 800થી વધુ મહિલા રક્ષકો તહેનાત છે, જેમાં અધિકારીઓ, ગૌણ અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
તમામ દળોએ એક યુનિટ તરીકે કામ કર્યું
ઓપરેશન સિંદૂર દરમિયાન અન્ય સુરક્ષા દળો અને એજન્સીઓનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે ભારતીય સેના, વાયુસેના, રાજ્ય પોલીસ દળોએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને તમામ દળોએ એક યુનિટ તરીકે કામ કર્યું હતું. આ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર અને સરહદી નાગરિકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરહદ સુરક્ષા દળને જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક શક્ય સહયોગ મળ્યો અને અમે સરહદી નાગરિકોને સુરક્ષિત રાખવામાં કોઈ કસર છોડી નહીં. આ સમય દરમિયાન રાજ્ય સરકાર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરફથી દરેક પ્રકારની મદદ મળી. આ સાથે બાડમેર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના જિલ્લા અધિકારીઓ તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.
BSFની ગુપ્તચર શાખા અન્ય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને પાકિસ્તાનની ગતિવિધિઓ અને ઇરાદાઓ વિશે અમને માહિતી આપતી રહી, જેથી પાકિસ્તાન અમને આશ્ચર્યચકિત ન કરી શકે અને તેના ખરાબ ઇરાદાઓમાં સફળ ન થઈ શકે.BSFની બહાદુરીના ઇતિહાસ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે BSF માટે હિંમત અને બહાદુરી કંઈ નવી વાત નથી. ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં BSFએ હંમેશાં સરહદોની સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ડિસેમ્બર 1971માં જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું, ત્યારે BSFએ સરહદ પર દુશ્મનના પ્રારંભિક પ્રહારનો સામનો કર્યો અને અનેક આક્રમક કાર્યવાહી કરી પાકિસ્તાનની 15 ચોકી કબજે કરી હતી. 5-6 ડિસેમ્બર 1971એ BSFની 15મી બટાલિયને પાકિસ્તાનની કાલીબેટ, ચિંગી, પાનેલી અને જાટરાઈની સરહદી ચોકીઓ કબજે કરી હતી. 2જી બટાલિયને પાકિસ્તાનની જલેલીની સરહદી ચોકી તોડી પાડી અને દુશ્મનના વિસ્તારમાં ઊંડે સુધી ઘૂસીને નગરપારકર અને વિરાવાહ કબજે કર્યા. 3જી બટાલિયને પાકિસ્તાની સરહદી ચોકી બિગોર કબજે કરી હતી.
બાડમેરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ રાજકુમાર બસાતાને “પ્રશંસા પ્રમાણપત્ર” એનાયત કર્યું
ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત ફ્રન્ટિયરના સરહદી રક્ષકોના યોગદાનને માન્યતા આપતા ભારતીય સેનાએ બાડમેરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ રાજકુમાર બસાતાને કોર્પ્સ કમાન્ડરનું “પ્રશંસા પ્રમાણપત્ર” એનાયત કર્યું.
મીડિયાની પ્રશંસા કરી
અંતે, ઇન્સ્પેક્ટર જનરલે મીડિયા કર્મચારીઓની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તમારું જવાબદાર પત્રકારત્વ, ચકાસાયેલી માહિતીનો સમયસર પ્રસાર અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતાએ સરહદી વિસ્તારોમાં જાહેર વિશ્વાસ જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમારા દ્વારા સાચી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચે છે અને અફવાઓ ફેલાતી અટકે છે.
આ પણ વાંચો:અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનવાથી ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે, યુએસ મીડિયાએ જીતનો દાવો કર્યો
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની મોટી છલાંગ, 95 ઈલેક્ટોરલ કોલેજ વોટથી આગળ, કમલા હેરિસ 35 પર આગળ
