ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિઠલાપરાથી લખતર સુધીના ૩૧.૩ કિ.મી રોડના ચાર માર્ગીય રસ્તાના કામનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું .લખતર ખાતે યોજાયેલ આ ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે અનેકવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. વિઠલાપરાથી લખતર વચ્ચેના આ ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ થવાથી આ વિસ્તારના લોકોની આવન-જાવનની સુવિધામાં વિશેષ વધારો થશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે, આ યોજનાઓના માધ્યમથી આજે ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે.આ તકે પૂર્વ સાંસદશ શંકરભાઇ વેગડે પ્રાસંગિક ઉદબોધન કરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની વિગતો આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે વિઠલાપરાથી લખતર સુધી ૩૧.૩ કિ.મી ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ થશે
આ પ્રસંગે રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર આર.સી.ચૌહાણ, સુરેન્દ્રનગરના કાર્યપાલક ઇજનેર કે. ડી. રાઠોડ, અગ્રણી સર્વજગદીશભાઈ મકવાણા, જયેશભાઈ ભૂત, પ્રભુભાઈ મકવાણા, કિર્તીદાનસિંહ રાણા, ડી.કે. ચેવલીયા, નંદુબેન વાઘેલા અને જગદીશભાઈ મજેઠીયા તેમજ ડો. એન. ટી.પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
