Manish Sisodiya/ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગની તપાસમાં ઇડીના 25 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે (14 ઑક્ટોબર, 2022) દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

Top Stories India
Manish sisodiya દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગની તપાસમાં ઇડીના 25 સ્થળોએ દરોડા
  • એકસાઇઝ પોલિસીના કેસમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ છે આરોપી
  • લિકર બિઝનેસમેન અને લિકર ઉત્પાદકના મેનેજિંગ ડિરેક્ટરની પણ થઈ છે ધરપકડ
  • 11 એક્સાઇઝ અધિકારીઓને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે (14 ઑક્ટોબર, 2022) દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન હેઠળ આવરી લેવાયેલી જગ્યા દારૂની ડીલરશીપ અને ડિસ્ટ્રીબ્યુટરશીપ સાથે જોડાયેલી ખાનગી સંસ્થાઓની છે.

EDએ અત્યાર સુધી લિકર પોલિસી કેસમાં અનેક દરોડા પાડ્યા છે અને ગયા મહિને આ કેસમાં લિકર બિઝનેસમેન અને લિકર મેન્યુફેક્ચરિંગ કંપની ઈન્ડોસ્પિરિટના મેનેજિંગ ડિરેક્ટર સમીર મહાન્દ્રુની પણ ધરપકડ કરી હતી.

દિલ્હીના એલજી વીકે સક્સેનાએ દિલ્હીની આબકારી નીતિ 2021-22ના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ભલામણ કર્યા પછી દારૂ યોજના સ્કેનર હેઠળ આવી હતી. તેમણે આ મામલે 11 એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. મની લોન્ડરિંગ કેસ સીબીઆઈની એફઆઈઆરમાંથી ઉદ્ભવ્યો છે જેમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને અન્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા.

ઇડીના આ દરોડાના પગલે આપના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી શકે છે. તેમનું નામ ચાર્જશીટમાં મુખ્ય છે. આપ આને રાજકીય બદલો ગણાવે છે. આપનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પછી હવે સરકાર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાનને સીબીઆઇ કે ઇડીના સાણસામાં લેવા માંગે છે.

વડાપ્રધાન સામે અપશબ્દો બોલવા બદલ ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. આની સામે આપે જણાવ્યું હતું કે સરકાર હવે તેમને ડરાવવા સુધી ઉતરી આવી છે. પણ અમે ડરવાના નથી. પછી ગોપાલ ઇટાલિયાને પોલીસ પકડી જાય કે દિલ્હીમાં ઇડી ગમે તેટલા દરોડા પાડે.