Jamnagar News : ગુજરાતમાં હવાલા કૌભાંડ મામલે મોટા પાયે દરોડા ચાલી રહ્યા છે. જે અનુસંધાને જામનગરમાં પણ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના દરોડાને પગલે ચકચાર મચી ગઈ છે. જેમાં જામનગરમાંઆહિર સમાજના એક અગ્રણી અને લેન્ડ ડેવલોપરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલા બંગલા પર આજે વહેલી સવારે EDએ દરોડો પાડ્યો હતો. બીજીતરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહી તે માટે પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.
હવાલા કૌભાંડ :
હાલમાં ગુજરાત રાજ્યમાં હવાલા કારોબારના કૌભાંડને લઈને મોટી કાર્યવાહી ચાલી રહી છે. જેના તાર જામનગર સુધી લંબાયા છે. જેમાં EDની ટીમ જામનગર સ્થિત જયંત સોસાયટી વિસ્તારમાં આવેલા લેન્ડ ડેવલોપર લાલાભાઈ ગોરિયાના બંગલે EDની ટીમ ત્રાટકી હતી. કોઈ અંધાધુંધી ન સર્જાય તે માટે EDએ સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. જેને પગલે સિટી બી ડિવીઝની પોલીસ ટીમ દરોડાના સ્થળે ગોઠવી દેવામાંઆવી હતી.
પોલીસની હાજરીમાં જ લેન્ડ ડેવલોપરના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બારીકાઈથી બંગલાની તપાસ કરવામાંઆવી હતી.
બીજીતરફ EDના આ દરોડા દરમિયાન બંગલોમાંથી શું હાથ લાગ્યું તે બાબતે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તે સિવાય લાલાભાઈ ગોરિયા પણ હાલ જામનગરમાં ન હોવાથી આ અંગે EDની ટીમ આગળની કાર્યવાહી કરી રહી છે.
જામનગરમાં EDએ અચાનક હાથ ધરેલી આ કાર્યવાહીને પગલે ખળભળાટ મચ્યો છે. જેમાં આગામી સમયમાં આ પ્રકારના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે છે, એવી ચર્ચા સ્થાનિકોમાં ચાલી છે.

