Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા, ગુજરાતના છેવાડે આવેલો જિલ્લો, શિક્ષણ (Education)ના મોરચે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (Congress President) પાલભાઈ આંબલિયા (Palbhai Ambalia)એ મુખ્યમંત્રીને લખેલા એક પત્રમાં આ મુદ્દે ચોંકાવનારી હકીકતો રજૂ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, ‘ભણશે ગુજરાત’નું રાજ્ય સરકારનું સૂત્ર અહીં નિષ્ફળ રહ્યું છે, કારણ કે શિક્ષકો (Teachers)ની મોટી ઘટ અને અન્ય વહીવટી ખામીઓએ શિક્ષણ વ્યવસ્થાને ખોરવી નાખી છે.
પાલભાઈ આંબલિયાના પત્ર મુજબ, જિલ્લામાં શિક્ષકોનું મહેકમ 3,150નું છે, પરંતુ હાલ માત્ર 1,600 શિક્ષકો જ કાર્યરત છે. એટલે કે, 1,550 શિક્ષકોની ઘટ છે, જે મહેકમના લગભગ અડધા ભાગને રજૂ કરે છે. આટલું જ નહીં, હાલના 1,600 શિક્ષકોમાંથી અડધા એટલે કે આશરે 800 શિક્ષકો શિક્ષણ સિવાયની અન્ય વહીવટી કામગીરીમાં રોકાયેલા છે. પરિણામે, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે માત્ર 800 શિક્ષકો જ ઉપલબ્ધ છે.
વધુ ચિંતાજનક બાબત એ છે કે, 1,300 શિક્ષકોની ઘટ ઉપરાંત 250 શિક્ષકોએ જિલ્લાફેર બદલી માટે અરજીઓ કરી છે, જેના કારણે આ શિક્ષકો ગમે ત્યારે જિલ્લો છોડી શકે છે. આ સ્થિતિ શિક્ષણ વ્યવસ્થાને વધુ ખરાબ કરી શકે છે.

પત્રમાં સરકારના ‘રમશે ગુજરાત’ અભિયાનની પણ નબળી સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યાં શિક્ષકોની આટલી મોટી ઘટ હોય, ત્યાં વિદ્યાર્થીઓને રમાડશે કોણ? શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે, અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પણ બાધિત થઈ રહી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે સૂચવ્યું છે કે:
- કાયમી શિક્ષકોની ભરતી: જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવે.
- અસ્થાયી ઉકેલ: જ્યાં સુધી કાયમી ભરતી ન થાય, ત્યાં સુધી ખાસ શિક્ષકોની ભરતી કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવે.
પાલભાઈ આંબલિયાએ રાજ્યના શિક્ષણ વિભાગ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, દેવભૂમિ દ્વારકા જેવા દૂરના જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. આના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે.
આ પણ વાંચો:Dubai માં લાખો-કરોડોના ધંધા કરતો ગુજરાતની સરકારી શાળાનો શિક્ષક
આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષણમંત્રીએ સરપ્રાઈઝ ચેકિંગ, ભ્રષ્ટાચારનો ફૂટ્યો ભાંડો
