Tapi News: સોનગઢ તાલુકાના સાદડવેલ ગામે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન (Ek Ped Maa Ke Naam 3.0) અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 4 હજાર જેટલા ગ્રામજનો સ્વયંભૂ જોડાયા હતા. એકસાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
Ek Ped Maa Ke Naam 3.0: વૃક્ષ વાવ્યા બાદ જતન પણ જરૂરી
કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ તાપી જિલ્લામાં યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો હેતુ માતા અને માતૃભૂમિ પ્રત્યેની લાગણી સાથે પર્યાવરણ સંરક્ષણની જવાબદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.

તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે માત્ર વૃક્ષો વાવી (Sadadvel Tree Plantation) દેવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન કરીને તેમને ઉછેરવાની જવાબદારી પણ સમાજની સામૂહિક ફરજ છે.
ગ્રામજનોની સ્વયંભૂ ભાગીદારી

તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન માટે દર વર્ષે યોજાતા આવા કાર્યક્રમોમાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. સાદડવેલ ખાતે પણ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે સંવાદ કરી આદિવાસી સમાજના પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધ અને પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આદિવાસી સમાજના પ્રકૃતિપ્રેમની પ્રશંસા
તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથેનો સંબંધ ખૂબ જૂનો છે. વૃક્ષો અને જંગલો પ્રત્યેના આદર તથા સતત સહયોગને કારણે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં આજે પણ અનેક વિસ્તારોમાં જંગલોનું સંરક્ષણ થઈ રહ્યું છે.તેમણે પ્રકૃતિની જાળવણીમાં સ્થાનિક લોકોની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી.
એકસાથે હજારો લોકોએ કર્યું વૃક્ષારોપણ
કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ આશરે 4 હજાર જેટલા ગ્રામજનોએ એકસાથે વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સામૂહિક સંદેશ (Tree Plantation Campaign) આપ્યો હતો.સાદડવેલથી આપવામાં આવેલો આ સંદેશ માત્ર તાપી પૂરતો સીમિત ન રહે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વધુ લોકો વૃક્ષારોપણ સાથે તેના જતન માટે આગળ આવે તેવો આશય કાર્યક્રમ પાછળ રહ્યો હતો.
મહાનુભાવો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

વૃક્ષારોપણ કાર્યક્રમમાં રમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણી સુરજ વસાવા, ધારાસભ્યો મોહન કોંકણી અને મોહન ઢોડિયા, પદ્મશ્રી રમીલા ગામીત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા સહિત વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા હતા.
સંયુક્ત ઉપક્રમે આયોજન
આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી, આદિવાસી એકતા અને વિકાસ સંગઠન તાપી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણની સાથે વાવેલા છોડના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદે રચ્યો Guinness World Record, ભાડજમાં એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ
આ પણ વાંચો: અમિત શાહની હરિયાળી ઝુંબેશ: ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
આ પણ વાંચો: બાવળના કેશરડી ગામમાં વનકવચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
