Khambhat News : રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ પણ તંત્ર જાણે બેદરકાર હોય તેવી ઘટના હવે ખંભાતમાં સામે આવી છે. ખંભાતમાં છેલ્લા 10 દિવસથી માર્ગ અને મકાન વિભાગ, ફાયર એન.ઓ.સી, ફિટનેસ, પ્રાંત,પાલિકા કે પોલીસની પણ મંજુરી લીધા વિનાનો મેળો ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહ્યો હતો. આ સમગ્ર મામલો બહાર આવતા પોલીસે આ મેળાને આજે મોડી સાંજે બંધ કરાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે ખંભાતના સ્થાનિક કોર્પોરેટરોએ આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ રજૂ કરતા આ હકીકત બહાર આવી છે. કોર્પોરેટરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે દિવસમાં મેળામાં આવેલા બે લોકોના હાર્ટ એટેક અને ઉલટી થયા બાદ મોત નિપજ્યા છે.ખંભાત નગરપાલિકા કાઉન્સિલર ઇફ્તખાર યમની વકીલે જણાવ્યું હતું કે, ખંભાત નગરપાલિકાના અણધક વહીવટને કારણે ખંભાતની પ્રજા આનંદપ્રમોદથી વંચિત રહી. જ્યારે મેળો શરૂ કરવામાં આવ્યો ત્યારે, ગુજરાત સરકારની જે SOP છે એ પ્રમાણે કોઈપણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી.
બીજી વાત ખંભાતની પ્રજા અને દૂર દૂરથી આવતા લોકોની જાનનું જોખમ વહોરવાનું કામ ખંભાત નગરપાલિકાએ કર્યું છે. આજદિન સુધી કોઈપણ પરમિશન લીધી નથી. અમે આજે એટલે વિરોધ કરીએ છીએ કે જો પહેલાં કહ્યું હોત તો મેળો બંધ કરાવવા માટે વિરોધ પક્ષવાળા નીકળ્યા છે એવું કહ્યું હોત. 28 વર્ષની યુવતીનું લોહીની વામીટ થતાં મૃત્યુ થયું હતું. એક બીજા ભાઈને એટેક આવતાં તેમનું મૃત્યુ થયું અને હજુ 15 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે છતાં ત્યાં કોઈપણ જાતની પરવાનગી કે મેડિકલની સુવિધા નથી, કોઈ CCTVની, ફાયરની કે અન્ય કોઈ સુવિધા નથી. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?
આટલો મોટો મેળો પરવાનગી વગર કઈ રીતે ચાલે છે તે મને સમજાતું નથી. અંધેર નગરીને ગંડુરાજા જેવો વહીવટ ચાલે છે. પરવાનગી વગર કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો જવાબદારો સામે FIR થવી જોઈએ. હું મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે, આવા લોકો સામે પગલાં લેવામાં આવે. આજ દિન સુધીમાં નગરપાલિકાના ઈતિહાસમાં આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. આટલો મોટો ભ્રષ્ટાચાર આજ દિન સુધી થયો નથી. તેમને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ દેખાતું જ નથી. ઉપલા અધિકારીઓ કેમ કોઈ પગલાં લેતા નથી.ખંભાત બાઈટ નગરપાલિકા કાઉન્સિલર ખુસ્મન પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ કોઈપણ પરમિશન વિના લોકોના જીવના જોખમે મેળો શરૂ ચાલુ રાખ્યો છે. પાથરણામાં ગરીબો માટે સરકાર અને પાલિકા દ્વારા ઈજારાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનું પાલન થયું નથી.
ગરીબ લોકો જેવા કે પાણીપૂરીની લારીવાળા પાસેથી 200થી 500 રૂપિયા લેવામાં આવ્યા છે. જેટલી પહોંચો નગરપાલિકાએ આપી છે તેમાં કોઈપણ માપ કે અન્ય વિગતો નથી. ગરીબ માણસો જે ધંધો કરવા આવ્યા છે તેમની સાથે ઈજારદારે આડેધડ વર્તન કરીને જે પૈસા વસૂલ કર્યા છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.ખંભાત નગરપાલિકા વિરોધપક્ષ નેતા નીતિનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ બધુ કંઈ અંધેરમાં ચાલી રહ્યું છે? બોર્ડની અંદર ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. મેળામાં આટલા બધા લોકો હોવા છતાં કોઈપણ બંદોબસ્ત જોવા મળ્યો ન હતો. આ લોકો આંખ આડા કાન કરે એ કઈ રીતે ચાલે? કંઈ દૂર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? બે દિવસ પહેલાં પણ મારામારી થઈ હતી. ગઈકાલે પણ એક અકસ્માત થયો હતો. વર્ષોથી જે લોકો ગવારા ટાવરે વેપાર કરવા બેસે છે એમના માટે કોઈપણ જાતની વ્યવસ્થા નથી.
પાણીની કે પેશાબખાનાની પણ સુવિધા નથી. આટલો મોટો મેળો ભરાતો હોય, આટલા બધા લોકો મેળામાં આવતા હોય ત્યારે, પાલિકાએ ઘટતું કરવું જોઈએ અને નથી કર્યું તો જવાબદાર કોણ?નગરપાલિકા કાઉન્સિલર ચંદુ કડિયાએ જણાવ્યું હતું કે, દિવાળી ચગડોળ ગ્રાઉન્ડમાં જે મેળો ચાલુ છે તે શરૂ થયો ત્યારથી વિવાદાસ્પદ છે. ફાયર એન.ઓ.સી, ફિટનેસ, પ્રાંત, પાલિકા કે પોલીસની કોઈપણ જાતની પરવાનગી નથી. બે લોકોના આ મેળામાં મોત થયા છે. આ મોતના જવાબદાર કોણ? તેમને સજા થશે કે નહિ? સત્તાધિશો અને અધિકારીઓને ખાલી કટકીમાં રસ છે બીજો કોઈ રસ નથી. શું સરકારનો પણ આજ ઈરાદો છે, સરકાર શું આની અંદર કોઈ તપાસ નહિ કરે?, તપાસ કરીને ગુનેગારોને સજા નહિ કરે?. આ બધાને સજા તો થવી જ જોઈએ. મોરબી કે રાજકોટ જેવી કોઈ હોનારત થાય તેની સરકાર રાહ જોઈ રહી છે, શું સરકાર આંધળી બહેરી થઈ ગઈ છે,
સરકાર આની પર તપાસ ક્યારે કરશે.મેળાની કોઈપણ જાતની પરમિશન ન હોવાને કારણે પોલીસે મેળો બંધ કરાવ્યો છે. ખંભાત નગરપાલિકામાં હરાજી થઈ તે સમયે ચગડોળના મેળા માટે નગરપાલિકામાં બે હરાજી થાય છે. ચકડોળ માટે હરાજી જુદી કરવામાં આવે છે અને નીચે પાથરણાનો જે ધંધો કરે છે તેમના માટે પણ હરાજી જુદી કરવામાં આવે છે. પાથરણાની હરાજીમાં નીચે પાથરણા માટે સાડા નવ લાખ રૂપિયામાં હરાજીની છેલ્લી બોલી બોલવામાં આવી હતી. જેમાં બકાભાઇ બ્રહ્મભટ્ટે પાછળના ઇજારા માટે સૌથી વધારે બોલી બોલી હતી. નગરપાલિકાએ તેમને આ ઇજારો નગરપાલિકાએ કરેલા કન્ડિશન પ્રમાણે આપેલો છે, પણ આ ઇજારેદાર દ્વારા દુકાનોવાળા પાસે ભાવ વધારીને લેવામાં આવ્યા હતા.નગરપાલિકાએ બનાવેલા નિયમો વિરુદ્ધ ઇજારેદારે દુકાનદારોને મનફાવે તેવા ભાવે દુકાનો આપી છે.
40 રૂપિયા 50 રૂપિયા પ્રતિદિનનો લારીઓનો ભાવ છે તો આ લારીઓવાળા પાસે 500 રૂપિયા અને 200 રૂપિયા જેટલી મોટી રકમ એક દિવસની લેતા હતા. જેની પહોંચો ધ્યાને આવતાં ઇજારેદારના વિરુદ્ધમાં નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવી છે. જે મોટી દુકાનો છે તેમાં એક ચોરસ ફુટ લેખે 3.50 રૂપિયા નગરપાલિકાએ ઠરાવમાં નક્કી કરેલો છે. અમુક દુકાનોવાળા પાસે ઇજારેદારે 80થી 90 હજાર રૂપિયા જેટલી મોટી રકમ વસૂલી છે તેવી પણ ફરિયાદો દુકાનદારો દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇ નગરપાલિકા ખાતે આ ઇજારેદાર વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે. સાથો સાથ નગરપાલિકાએ ઈજારાના નિયમ બનાવ્યા હતા તેની અંદર ઉલ્લેખ કર્યો છે કે, ઇજારેદાર કોઈની પાસે વધારે રકમ વસૂલશે અને જો એ ગુનેગાર સાબિત થશે તો નગરપાલિકા આ ઇજારેદારને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી દેશે એટલે કે આ પરિવારને હરાજીમાંથી કાયમને માટે બહાર રાખવામાં આવશે.
આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર છ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ