Surat News : સુરત જિલ્લાના કામરેજ (Kamrej) વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટ (Flipkart) ઈ-કોમર્સ વેરહાઉસ (Warehouse)માંથી ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલી (Fake)સામાન ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતો હોવાનો ચોંકાવનારો ભાંડાફોડ થયો છે. ગ્રાહકની ફરિયાદના આધારે થયેલી તપાસમાં લાખો રૂપિયાના નકલી ઇલેક્ટ્રોનિક સામાન સાથે સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક સામે આવ્યું છે.
તપાસ દરમિયાન વેરહાઉસ (Warehouse)માંથી 7 લેપટોપ, 9 મોબાઈલ ફોન સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ તમામ વસ્તુઓની કિંમત ₹82 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.
અસલી પ્રોડક્ટ કાઢી ડુપ્લિકેટ સામાન મોકલાતો હતો
તપાસમાં જાણવા મળ્યું કે ગ્રાહકો દ્વારા ઓર્ડર કરાયેલા ઓરિજિનલ પ્રોડક્ટ્સને વેરહાઉસ (Warehouse)સ્તરે બદલી નાખવામાં આવતા હતા. અસલી સામાનને અલગ કરી તેના સ્થાને ડુપ્લિકેટ અથવા નકલી વસ્તુઓ પેક કરીને ગ્રાહકોને મોકલવામાં આવતી હતી. આ રીતે ગ્રાહકો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
ગ્રાહકની ફરિયાદથી ખુલ્યો ભેદ
એક ગ્રાહકે મળેલી પ્રોડક્ટ અંગે શંકા વ્યક્ત કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદ બાદ કરવામાં આવેલી આંતરિક તપાસ અને પોલીસ તપાસમાં ગેરરીતિઓ સામે આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
વેન્ડર અને ડિલિવરી સ્ટાફ સહિત 5 સામે કાર્યવાહી
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વેન્ડર, ડિલિવરી બોય સહિત કુલ પાંચ લોકો સામે છેતરપિંડી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની કડી શોધી વધુ તપાસ કરી રહી છે.
તપાસમાં વધુ ખુલાસાની શક્યતા
પોલીસનું માનવું છે કે આ રેકેટ લાંબા સમયથી કાર્યરત હોઈ શકે છે અને તેની સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની શક્યતા છે. તપાસ આગળ વધતા વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
