Vadodara International Flights : મધ્ય ગુજરાતના હજારો NRI પરિવારો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે વડોદરા એરપોર્ટથી સીધી વિદેશી ઉડાનની રાહ હજુ થોડી લાંબી થઈ શકે છે. વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો (International Status) મળી ગયો હોવા છતાં, એરલાઇન્સ કંપનીઓ પાસે વિમાનોની વૈશ્વિક અછતના કારણે ફ્લાઇટ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન વડોદરા એરપોર્ટ પર માત્ર 4 આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટની મૂવમેન્ટ નોંધાઈ હતી, જે નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ નહોતી.
વડોદરા, આણંદ, નડીઆદ અને ભરૂચ સહિતના ચરોતર અને મધ્ય ગુજરાતના લાખો નાગરિકો યુકે, યુએસએ અને ગલ્ફ દેશોમાં વસે છે અને તેઓ લાંબા સમયથી દુબઈ, શારજાહ કે બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઇટની માંગ કરી રહ્યા છે.
Vadodara : વૈશ્વિક સ્તરે એરક્રાફ્ટ અને એન્જિનોની તંગી નડી
ગ્રાઉન્ડ ઓડિટ અને એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા મુજબ, ફ્લાઇટ્સ શરૂ ન થવા પાછળ સ્થાનિક સ્તરે કોઈ માળખાકીય ખામી નથી. વડોદરા એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું છે કે, “ઇન્ટરનેશનલ ઓપરેશન્સ શરૂ કરવા માટે અમારો રનવે, કસ્ટમ્સ ચેકપોસ્ટ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ સહિતની તમામ સેટઅપ સિસ્ટમ 100 ટકા તૈયાર છે. ખરી સમસ્યા વૈશ્વિક સ્તરે છે, જ્યાં એરલાઇન્સ કંપનીઓ મોટા પાયે એરક્રાફ્ટ અને એન્જિનોની સ્પેરપાર્ટ કટોકટીનો સામનો કરી રહી છે. જેમ નવી એરલાઇન્સ કંપનીઓ ભારતમાં પોતાના કનેક્શન્સ વધારશે, અમે ફ્લાઇટ્સ આવકારવા સજ્જ છીએ.”

સિવિલ એવિએશન મંત્રાલય સાથે પ્રયાસો તેજ
Vadodara અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓને અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે વડોદરાના સાંસદ હેમાંગ જોષી સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે આ ગંભીર મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ના ઉચ્ચ અધિકારીઓ તેમજ અગ્રણી ખાનગી એરલાઇન્સ (જેવી કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ) ના મેનેજમેન્ટ સાથે વાટાઘાટોનો દોર શરૂ કર્યો છે. વડોદરાના વ્યાપારી વિકાસ અને પ્રવાસનને વેગ આપવા માટે આગામી વિન્ટર શિડ્યુલ (શિયાળુ સત્ર) માં ગલ્ફ દેશો (દુબઈ/મસ્કત) ની કમસેકમ એક કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ થાય તેવા કાનૂની અને વ્યાપારી પાસાઓ પર સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો: વડોદરા પાલિકા સામે 24 વર્ષની લડત બાદ ડ્રાઈવરની મોટી જીત
આ પણ વાંચો: વડોદરાના ડભોઇમાં બેરિકેડના અભાવે યુવકનો જીવ ગયો
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત
