China Helicopter Crash Video 2026: ચીનના વુજિન શહેરમાંથી (Wujin City) એક અત્યંત ભયાનક અને રૂંવાડા ઉભા કરી દેનારો હેલિકોપ્ટર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. એક ખુલ્લા ખેતરમાં હેલિકોપ્ટર ક્રેશ થઈને કચડાઈ ગયું અને તેના બે ટુકડા થઈ ગયા હોવા છતાં, તેનું મુખ્ય રોટર બ્લેડ (પંખો) કલાકો સુધી ખૂબ જ ઝડપથી ભમરડાની જેમ ગોળ-ગોળ ફરતું રહ્યું હતું. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
હેલિકોપ્ટરની અંદર જ મોતનો લાઈવ તાંડવ
ધ સનના રિપોર્ટ અનુસાર, આ કાળજું કંપાવનારી ઘટના ગુરુવારે બપોરે આશરે 02:00 વાગ્યે બની હતી:
અડધો બહાર લટકતો રહ્યો પાયલટ: હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ એન્જિન ચાલુ રહેતાં કૉકપિટની અંદર ફસાયેલા પાયલટ અને તેનો સાથી ગંભીર રીતે આમતેમ ઝટકા ખાતા રહ્યા હતા. પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે એક પાયલટ હેલિકોપ્ટરના તૂટેલા દરવાજામાંથી અડધો બહાર લટકી ગયો હતો. હેલિકોપ્ટર ગોળ ફરતું હોવાથી તે પાયલટ વારંવાર જમીન અને હેલિકોપ્ટરના તીક્ષ્ણ લોખંડના કિનારા સાથે ધડાધડ અથડાતો રહ્યો હતો.
મદદ ન કરી શક્યા લોકો: અકસ્માત જોઈને હાઈવે અને આસપાસના રસ્તા પરથી દોડી આવેલા લોકો મદદ કરવા માંગતા હતા, પરંતુ હેલિકોપ્ટરના પાંખિયા (રોટર બ્લેડ) હવામાં તીવ્ર ગતિએ વીંઝાઈ રહ્યા હોવાથી કોઈ પણ નજીક જવાની હિંમત કરી શક્યું નહીં. જોકે, આ આખા મોતના તાંડવ વચ્ચે બંને પાયલટોનો જીવ ચમત્કારિક રીતે તેમના મજબૂત સીટ બેલ્ટના કારણે બચી ગયો હતો.
એક પાયલટ ડિસ્ચાર્જ, બીજો હજુ પણ હોસ્પિટલમાં
અકસ્માતની જાણ થતાં જ ચીનની સ્થાનિક ઇમરજન્સી સેવાની ફાયર અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પ્લેનનું એન્જિન બંધ કરી બંને ઘાયલ પાયલટોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. રાહતની વાત એ છે કે બંનેમાંથી કોઈની સ્થિતિ જીવલેણ નથી. એક પાયલટને પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયો છે, જ્યારે બીજો હજુ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. ચીની સત્તાધિશોએ આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળના ટેકનિકલ કારણો શોધવા ઊંડી તપાસ શરૂ કરી છે.
Chinaમાં વિમાન અકસ્માતોનો સિલસિલો:
ચીનમાં (China) છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાન દુર્ઘટનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે જ ચીનના એક પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તાંગ ફેઇજીનું લાઇવસ્ટ્રીમિંગ દરમિયાન અલ્ટ્રાલાઇટ વિમાન આકાશમાંથી સીધું નીચે ખાબકતાં ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. તે સમયે તેમણે હેલ્મેટ કે પેરાશૂટ પણ પહેર્યું નહોતું. જ્યારે આ તાજેતરની હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીટ બેલ્ટે બંને પાયલટોના જીવ બચાવી લીધા છે.
