Gujarat Weather : આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છુટા-છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
આજે નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 5 અને 6 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 77.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Gujarat Rain Live Update
1.30
મુખ્યમંત્રીએ વરસાદની ટેલિફોનથી માહિતી મેળવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની મેળવી માહિતી. જિલ્લાના કલેકટરો સાથે વાતચીત કરી છે.
1.18
અમદાવાદમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. રાહદારીઓ વર્ષાનો આનંદ લઈ રહ્યા છે.
1.00
વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓરંગા નદીમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે.
વલસાડ પાસે ઔરંગા નદી ભયજનક સપાટીથી નીચે આવી ગઈ છે. વલસાડને ધમરોળ્યા બાદ ઓરંગા શાંત થઈ રહી છે.
પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઔરંગા નદીના કૈલાસ રોડના પુલનું ધોવાણ થયું છે. સલામતીના ભાગરૂપે પુલને બંધ રખાયો છે. કૈલાશ રોડ પુલ પર મસમોટા ખાડાઓ પડ્યા છે.
શહેરને 40 ગામથી જોડતો પુલ જર્જરીત થઈ ગયો છે. તેથી તાત્કાલિક બ્રિજનું સમારકામ થાય તેવી માગ ઉઠી છે.
11.03
તાપીના પદમડુંગરી ખાતે પ્રવાસીઓ ભારે વરસાદમાં અટવાયા હતા. ગઈકાલે સાંજ સુધી બધાને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે. પદમડંગરીમાં જરુરી તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓને જંગલના રસ્તે બહાર કાઢી લેવાયા છે.
10.52
સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વિજયનગરનાં આતરસુંબા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ધીમીધારે તો ક્યાંક પડી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
10.48
નવસારીની પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. જોકે, પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. પૂર્ણા નદીના કેજમેન્ટ એરિયા તાપી અને સુરત જિલ્લામાં વરસાદ ઘટતા પૂર્ણા નદીની સપાટી ઘટી છે.
10.35
ગણદેવી તાલુકાના 18 વિસ્તારમાંથી 966 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયત સહિત જાહેર લગ્નના હોલમાં નીચાણવાળા વિસ્તારોને રાત્રિના સમયે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે.
10.23
સુરતમાં મહુવામાં મધર ઇન્ડિયા ડેમના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉમરાના મધર ઇન્ડિયા ડેમ સોળેકળાએ ખીલ્યો છે. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરથી અનેક ગામોના લોકોને સલામત સ્થળે ખસવા સૂચના આપવામાં આવી છે. ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત લીધી છે.
10.05
કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા લોકો ફસાયા હતા. જેથી પોલીસે તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.
9.56
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| નવસારી | ખેરગામ | 9.02 |
| વલસાડ | ધરમપુર | 7.28 |
| વલસાડ | વલસાડ | 7.09 |
| ડાંગ | ડાંગ-આહવા | 6.38 |
| વલસાડ | કપરાડા | 6.30 |
| નવસારી | ચીખલી | 6.22 |
| નવસારી | વાંસડા | 5.91 |
| ડાંગ | વાઘાઈ | 5.79 |
| વલસાડ | પારડી | 5.39 |
| વલસાડ | વાપી | 4.57 |
| ડાંગ | સુબીર | 4.57 |
| તાપી | ડોલવણ | 4.45 |
| નવસારી | ગણદેવી | 2.48 |
| નર્મદા | તિલકવાડા | 2.32 |
| વલસાડ | ઉમરગામ | 2.05 |
| વડોદરા | કરજણ | 1.77 |
| વડોદરા | સિનોર | 1.54 |
| છોટા ઉદેપુર | નસવાડી | 1.46 |
| તાપી | સોનગઢ | 1.02 |
| નવસારી | નવસારી | 0.98 |
9.44
નવસારીના બીલીમોરા પૂરથી લોકો બેઘર થયા છે. ગણદેવી તાલુકામાંથી 960 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની છે. જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થઈ છે. બીલીમોરાના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગણદેવીના ચાર ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય નરેશ પટેલ બીલીમોરાના વાડીયાશિપ યાર્ડની મુલાકાત કરી છે.
9.13
ભરૂચ જિલ્લામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા જોવામાં આવે તો, જંબુસરમાં 7 મી.મી વરસાદ અને આમોદમાં 12 મી.મી., વાગરામાં 16 મી.મી વરસાદ ખાબક્યો છે.
9.00
નવસારીમાં પણ શાળા કોલેજોમાં રજા જાહેર આપવામાં આવી છે. પૂરની પરિસ્થિતિને લઈ શાળા કોલેજોમાં રજા છે. ગણદેવી, ચીખલી, ખેરગામની તમામ શાળાઓમાં રજા અપાઈ છે. કલેકટરે વહેલી સવારે ટ્વીટ કરીને માહિતી આપી છે.
8.40
ડાંગના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધમાં ભરપૂર પાણીની આવક થઇ હતી જેને કારણે ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
8.15
અમરેલીના વડીયામાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
08.00
વલસાડમાં પૂરથી અસરગ્રસ્ત લોકોએ રાતભર ઉજાગરો કર્યો છે. વલસાડ મોડી રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે. ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી છે. હજુય પરિસ્થિતિ થાળે પડી નથી. આખી રાત લોકોએ મદદની જોઈ રાહ હતી. ઘરમાં ભરાયેલા પાણીમાં અધ્ધર જીવે લોકોએ રાત વિતાવી છે. ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જુદા જુદા વિસ્તારમાં રહેતા અંદાજે 1000 લોકોને સ્થળાંતરીત કરાયા છે. તરીયાવાડ, બરૂડિયા વાડ, પારડી,કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ
આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ
આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી
આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ
