World News/ અફેરના નામે જેફરી એપસ્ટિન મને બ્લેકમેઇલ કરતો હતો’, અમેરિકન સંસદમાં બિલ ગેટ્સનો સનસનીખેજ ખુલાસો

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે(Bill Gates) અમેરિકન સંસદની સમિતિ સમક્ષ સ્વીકાર્યું છે કે જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિને તેમના જૂના લગ્નેતર સંબંધો (Affair) ને લઈને તેમને બ્લેકમેઇલ કર્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Bill Gates

Bill Gates Jeffrey Epstein Controversy 2026: માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ હાજર થઈને એક એવો ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વના મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. બિલ ગેટ્સે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિને તેમના એક જૂના એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધો) ને લઈને તેમને લાંબા સમય સુધી બ્લેકમેઇલ કર્યા હતા. એપસ્ટિન આ કથિત અફેરનો ફાયદો ઉઠાવીને બિલ ગેટ્સ પર એવું દબાણ કરતો હતો કે તેમની વચ્ચેના સંબંધો પૂરા થઈ ગયા પછી પણ બિલ ગેટ્સ ફરીથી તેની સાથે કૂટનીતિક અને સામાજિક સંપર્ક શરૂ કરે.

બિલ ગેટ્સ અમેરિકન સંસદની ‘હાઉસ ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ કમિટી’ સમક્ષ જુબાની આપવા હાજર થયા હતા. આ હાઈ-લેવલ સમિતિ જેફરી એપસ્ટિન મામલામાં વહીવટીતંત્રે કરેલી કામગીરી અને તેની જાળમાં ફસાયેલા વિશ્વના વગદાર લોકોના નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બિલ ગેટ્સે કમિટી સામે કબૂલ્યું છે કે જ્યારે તેઓ શરૂઆતમાં પરોપકારના કાર્યો (Chantable Works) ના બહાને એપસ્ટિને મળ્યા હતા, ત્યારે તેઓ તેના ગુનાઓની ગંભીરતાને પૂરી રીતે સમજી શક્યા નહોતા.

‘મારી બેવફાઈ પર જૂઠાણાં ફેલાવી દબાણ કર્યું’

બિલ ગેટ્સે(Bill Gates) સમિતિ સમક્ષ પોતાના અંગત જીવનની નબળાઈ સ્વીકારતા જણાવ્યું હતું કે, “આ અફેર્સને અને એપસ્ટિન સાથેની મારી સત્તાવાર વાતચીતને કોઈ સીધો લેવાદેવા નહોતો, પરંતુ આ આખો મામલો જાહેર થવો મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક હતો. એપસ્ટિને મારી આ ભૂતકાળની ભૂલનો પૂરો ફાયદો ઉઠાવ્યો. તેણે મારી બેવફાઈ પર અનેક જૂઠી વાતો અને અફવાઓ ઉમેરીને મારી પર ફરીથી તેની સાથે જોડાવા માટે દબાણ કર્યું હતું.” જોકે, બિલ ગેટ્સે એપસ્ટિન સાથે કોઈ પણ પ્રકારના અંગત કે દોસ્તીના સંબંધો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એપસ્ટિન સાથે તેમની મુલાકાતો માત્ર ચેરિટી, ગ્લોબલ હેલ્થ અને સામાજિક કાર્યો માટે ફંડ એકઠું કરવા પૂરતી જ સીમિત હતી.

જેફરી એપસ્ટિનના કોઈ ટાપુ કે ફાર્મહાઉસ પર ગયો નથી: Bill Gates

સાંસદોના આકરા સવાલોના જવાબ આપતા બિલ ગેટ્સે (Bill Gates) સ્પષ્ટતા કરી હતી કે, “હું ક્યારેય જેફરી એપસ્ટિનના કોઈ પ્રાઇવેટ ટાપુ (Island), તેના ફાર્મહાઉસ કે ફ્લોરિડાવાળા રહસ્યમય ઘરે ગયો નથી. મેં ક્યારેય કોઈનું શોષણ કર્યું નથી. એ બની શકે કે તેણે મારી સાથે અંગત સંબંધો વધારવાનો ઘણો પ્રયાસ કર્યો હોય, પરંતુ મારો આવો કોઈ જ રસ નહોતો અને મેં ક્યારેય તેની સામે દોસ્તીનો હાથ લંબાવ્યો નથી.” બિલ ગેટ્સે જણાવ્યું કે તેઓ એપસ્ટિન સાથે વર્ષ 2011 માં જોડાયા હતા, જે એવો સમય હતો જ્યારે એપસ્ટિન ફ્લોરિડામાં વેશ્યાવૃત્તિના ગંભીર આરોપમાં જેલની સજા કાપીને બહાર આવી ચૂક્યો હતો.

વર્ષ 2014 માં એપસ્ટિન સાથે તમામ નાતા તોડી નાખ્યા

પોતાની જુબાનીમાં ગેટ્સે(Bill Gates) આગળ જણાવ્યું કે, “વર્ષ 2014 માં જ્યારે મને સમજાયું કે એપસ્ટિન દ્વારા ચેરિટી માટે ફંડ એકઠું કરવાના તમામ દાવાઓ અને પ્રયાસો તદ્દન નકામા જઈ રહ્યા છે, ત્યારે મેં તેની સાથેના તમામ સંબંધો કાયમી ધોરણે તોડી નાખ્યા હતા. એ વળાંક પર મને સ્પષ્ટ સમજાયું કે એપસ્ટિન પોતાના વાયદા ક્યારેય પૂરા નહીં કરે, તેથી મેં તેને સ્પષ્ટ કહી દીધું હતું કે હવે આપણે આગળ કોઈ વાત નહીં કરીએ અને તેની સાથે મળવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.” ગેટ્સે એ બાબત પણ નોંધી હતી કે તેમણે ક્યારેય પોતાની નજરે એપસ્ટિનને કોઈ ગુનાહિત કૃત્ય કરતો જોયો નહોતો.

સાંસદોના આકરા સવાલ??

અમેરિકન સંસદની આ દ્વિપક્ષીય કમિટીએ સુનાવણી દરમિયાન બિલ ગેટ્સ (Bill Gates) પર તીખા સવાલોનો મારો ચલાવ્યો હતો:

રોબર્ટ ગાર્સિયા (ડેમોક્રેટિક સાંસદ): તેમણે જણાવ્યું કે બિલ ગેટ્સે(Bill Gates) પોતે સ્વીકાર્યું છે કે તેમને એપસ્ટિનના જૂના ગુનાઓ અને જેલની સજાની માહિતી હોવા છતાં તેઓ તેને મળતા રહ્યા હતા.

ટિમ બર્ચેડ (રિપબ્લિકન સાંસદ): તેમણે એપસ્ટિનને એક શાતિર ‘ફ્રેન્ડ કલેક્ટર’ (Friend Collector) ગણાવતા કહ્યું કે, એપસ્ટિન દુનિયાના અતિ અમીર લોકોને એકઠા કરવાનો શોખીન હતો જેથી તે બ્લેકમેઇલિંગ દ્વારા પોતાનો વૈશ્વિક પ્રભાવ વધારી શકે. આ રીતે જ તેણે શક્તિશાળી લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

એમિલી રેન્ડલ (ડેમોક્રેટિક સાંસદ): આ જુબાની દર્શાવે છે કે એપસ્ટિન સાથે ઉઠવા-બેસવાવાળા ઘણા શક્તિશાળી પુરુષોએ જાણીજોઈને રેડ ફ્લેગ્સ (ચેતવણીના સંકેતો) ને નજરઅંદાજ કર્યા હતા.

સુનાવણીના અંતે બિલ ગેટ્સે (Bill Gates) જેફરી એપસ્ટિનના સેક્સ સ્કેન્ડલનો ભોગ બનેલી તમામ પીડિત મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, તેઓ આશા રાખે છે કે એપસ્ટિનના ગુનાઓમાંથી બચેલા લોકોને હવે તે ન્યાય મળે જેના તેઓ ખરેખર હકદાર છે.


આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના કરુણ મોત

આ પણ વાંચો :પાકિસ્તાની ડોન શહઝાદ ભટ્ટીના નેટવર્ક પર NIA ના પ્રહાર, પંજાબ-હરિયાણામાં 18 જગ્યાએ દરોડા

આ પણ વાંચો :અમેરિકાના હુમલા બાદ ઈરાન લાલઘૂમ, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર ઝીંકી મિસાઈલો