Deesa News: ડીસા તાલુકાના એક ખેડૂત યુવકને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપ (Deesa Honeytrap Case)નો શિકાર બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના નામે મિત્રતા કર્યા બાદ મળવા બોલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધમકી આપી રોકડ રકમ તથા મહત્વના દસ્તાવેજો પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
વોટ્સએપથી શરૂ થઈ ઓળખાણ
ફરિયાદ મુજબ ડીસા તાલુકાના કંસારી ગામે રહેતા 32 વર્ષીય ખેડૂત યુવકનો સંપર્ક એક યુવતી સાથે વોટ્સએપ મારફતે થયો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે નજીકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ બાદ યુવકને પાલનપુર મળવા માટે બોલાવવામાં આવ્યો હતો.
Deesa Honeytrap Case: હોટલમાં ફસાવવાનો પ્રયાસ
યુવક પાલનપુર પહોંચ્યા બાદ યુવતી અને તેની સાથીને કારમાં બેસાડી શહેરમાં ફર્યો હતો. ત્યારબાદ તેઓ એક ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ત્યાં યુવકને શારીરિક સંબંધ માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પરંતુ યુવકને સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ લાગતા તે રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ યુવતીઓએ અન્ય સ્થળે જવા માટે કહ્યું હતું.
લાલાવાડા પાસે અપહરણ
વડગામ તરફ જવાના રસ્તે લાલાવાડા બસ સ્ટેશન નજીક યુવતીએ તબિયત ખરાબ હોવાનું કહી વાહન રોકાવ્યું હતું. યુવક પાણી લેવા માટે નીચે ઉતરતા જ અન્ય શખ્સો ત્યાં પહોંચી ગયા હતા.આરોપીઓએ યુવકને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ (Kidnapping) કર્યું હતું અને વિવિધ સ્થળોએ ફેરવી તેની પાસેથી મોટી રકમની માંગણી કરી હતી.
ધમકી આપી પડાવ્યા રૂપિયા
ફરિયાદ અનુસાર આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી હતી. શરૂઆતમાં મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. ડરના કારણે યુવકે પોતાની પાસે રહેલી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો આપી દીધા હતા.ત્યારબાદ પરિવારજનો પાસેથી વધુ રૂપિયા મંગાવી આરોપીઓને આપ્યા હતા. કુલ મળીને રૂ.54 હજાર રોકડા તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો આરોપીઓએ કબજે કર્યા હતા.
Honeytrap Case: પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટના અંગે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસના આધારે અનેક આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓ પૈકી ચાર યુવકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મોરબીમાં હનીટ્રેપનો ભંડાફોડ: સ્પા વર્કરે વેપારી પાસેથી 19 લાખ અને દાગીના પડાવ્યા
આ પણ વાંચો:અમરેલીમાં ગે ડેટિંગ એપથી Honeytrap Case: યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
આ પણ વાંચો:બનાસકાંઠામાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
