Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. રેવદ ગામના 49 વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મૃતક ખેડૂતે આપઘાત માટે ખતરનાક રીતનો ઉપયોગ કર્યો હતો. તેણે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો.
ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો. ખેડૂતની શોધખોળ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે ખેડૂતનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળ્યાં હતાં. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારે મૃત હાલતમાં ખેડૂત મળ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, 49 વર્ષીય ગફાર મૂસા ઉનડે 3 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે.
તેમણે પોતાના શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મૂકી, ઇલેક્ટ્રિક થાંભલાનો ત્રણ ફૂટનો ટુકડો પેટ પર બાંધી કૂવામાં ઝંપલાવ્યું હતું. મોડી સાંજ સુધી ઘરે ન આવતાં તેમની દીકરીએ કાકાને ફોન કર્યો હતો.પરિવારજનો વાડીએ પહોંચી શોધખોળ કરતાં ખેડૂત મળ્યા નહોતા. કૂવામાં પડ્યા હોવાની શંકા જતાં બે મોટર મૂકી કૂવામાંથી પાણી ઉલેચી ત્રણ તરવૈયાની મદદથી શોધખોળ કરાઈ હતી. કૂવામાંથી તેમનો મૃતદેહ મળી આવતાં તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક ખેડૂત ગફાર ઉનડ 9 વીઘા ખેતીની જમીન ધરાવતા હતા અને તેમના પરિવારનું ગુજરાન ખેતી પર નિર્ભર હતું. મૃતકના પુત્ર ઉજ્જફ ઉનડે કહ્યું હતું કે અમારે નવ વીઘાની માંડવીનું વાવેતર હતું. ત્રણ વીઘાનો એક કટકો છે અને એક છ વીઘાનો કટકો છે, એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતાં બધોય પાક નવેનવ વીઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે, એના ડિપ્રેશનમાં આવીને મારા પપ્પા ગફારભાઈ કાલે સાંજે 6:00 વાગ્યા આસપાસ કૂવામાં પડીને આત્મહત્યા કરેલી છે.
ઉજ્જફ ઉનડે કહ્યું કે ઘરમાં કંઈ એવું વાતાવરણ નહોતું પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો એની કાયમ વાતો કરતા. એ કહેતા કે હવે આપણે શું કરીશું અને મંડળીમાંથી લોન ઉપાડેલી છે, હવે પાક આપણો નિષ્ફળ ગયો તો આ કેમ પૂરું થશે. સુસાઈડ નોટ ક્યાંય અમને હજી સુધીમાં મળી નથી. વાતચીત કરેલી છે, પણ એ બહુ નોર્મલ છે. મૃતક ખેડૂતે પોતાના એક મિત્ર કાળુભાઈની સાથે 3:00 વાગ્યા આસપાસ વાત કરી હતી.
પાક નિષ્ફળ જતાં ખેડૂત ગફાર ઉનડે છેલ્લા દસેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે મંડળીમાંથી 2 લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. મૃતક ખેડૂત સમાજના અગ્રણી અને સરળ સ્વભાવના હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે.
તેમની દફનવિધિમાં મોટી સંખ્યામાં સમાજ અને ગામના લોકો જોડાયા હતા.રેવદ ગામના સરપંચ ભીખા ચંડેરાએ જણાવ્યું હતું કે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસ છે અને તેને પૂરેપૂરું વળતર આપે એવી અમારી નમ્ર વિનંતી અને જે એનું કુટુંબ છે એ બહુ ગરીબાઈમાં જીવે છે. તો તેને હિસાબે તેની ઉપર જે આફત આવી છે એનું કંઈક નિરાકરણ લાવે સરકાર અને તેના ઉપર એક મંડળીનું દેણું પણ હતું. એ દેણું કેમ ભરવું એ હિસાબે એ ડિપ્રેશનમાં આવી ગયા. ડિપ્રેશનના કારણે તેણે આ પગલું ભરેલું છે. મૃતકના શેઢા પાડોશી એસ.એન. સમાએ પણ આવું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો
