Karnataka News : મંગળવારે પોલીસે કર્ણાટકના બેંગલુરુમાં પોતાની પત્ની ડૉ. કૃતિકા એમ. રેડ્ડી (29)ની હત્યાના આરોપી સર્જન ડૉ. મહેન્દ્ર રેડ્ડી જીએસ વિશે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ હત્યાનાં થોડાં અઠવાડિયાં પછી ચારથી પાંચ મહિલાને મેસેજ કર્યા હતા.
મહેન્દ્રએ મેસેજમાં લખ્યું, “મેં તારા માટે મારી પત્નીને મારી નાખી છે.” મહેન્દ્રએ એક પેમેન્ટ એપના ટ્રાન્ઝેક્શન નોટ્સ સેક્શનનો ઉપયોગ કરીને મેસેજ મોકલ્યો હતો. એમાં એક મેડિકલ પ્રોફેશનલ પણ સામેલ હતી, જેણે અગાઉ મહેન્દ્રની પ્રપોઝલને રિજેક્ટ કરી હતી.
પોલીસે મહેન્દ્રનો ફોન અને લેપટોપ જપ્ત કર્યાં, જેના ડેટાની ફોરેન્સિક તપાસ બાદ મેસેજ સામે આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, મહેન્દ્રએ તેની પત્નીના મૃત્યુ પછી તે મહિલાઓ સાથે ફરીથી જોડાવાનો પ્રયાસ કર્યો, જેને તે પહેલેથી જ જાણતો હતો .મહેન્દ્રની પત્ની કૃતિકા ડર્મેટોલોજિસ્ટ હતી. તેના લગ્ન 26 મે, 2024ના રોજ થયા હતા. આ દંપતી વિક્ટોરિયા હોસ્પિટલમાં કામ કરતું હતું. કૃતિકાનું 23 એપ્રિલ, 2025ના રોજ મોત થયું હતું. લગભગ 6 મહિના પછી 15 ઓક્ટોબરના રોજ પોલીસે મહેન્દ્રની હત્યા બદલ ધરપકડ કરી.
આ ડૉક્ટર કપલ બેંગલુરુના ગુંજુરમાં રહેતું હતું. આ વર્ષે 21 એપ્રિલે કૃતિકાને પેટમાં દુખાવો થયો, ત્યાર બાદ મહેન્દ્રએ તેના પગમાં કેન્યુલા દ્વારા ઈન્જેક્શનથી કોઈ દવા આપી હતી. બીજા દિવસે, કામ પર જતાં પહેલાં મહેન્દ્ર કૃતિકાને તેનાં માતાપિતાના ઘરે છોડી ગયો હતો.
બીજા દિવસે કૃતિકાએ તેના પગમાં દુખાવાની ફરિયાદ કરી અને વ્હોટ્સએપ દ્વારા મહેન્દ્રને પૂછ્યું કે શું તે કેન્યુલા કાઢી શકે છે. મહેન્દ્રએ ના પાડી, અને કહ્યું કે તે તેને દવાનો બીજો ડોઝ આપશે, જેનાથી દુખાવો ઓછો થશે. એ જ રાત્રે મહેન્દ્રએ કૃતિકાને ઇન્જેક્શનનો બીજો ડોઝ આપ્યો.
ત્યાર બાદ કૃતિકા વધુ બીમાર પડી ગઈ. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. શરૂઆતમાં પોલીસે મૃત્યુ કુદરતી હોવાનું માન્યું હતું, જોકે કૃતિકાની બહેન, ડૉ. નિકિતા એમ. રેડ્ડીને શંકા ગઈ અને તેમણે તપાસની માગ કરી.6 મહિના પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં કૃતિકાના શરીરના ઘણા ભાગોમાં પ્રોપોફોલના અંશ મળ્યા.
પ્રોપોફોલ એક ખૂબ જ સ્ટ્રોન્ગ એનેસ્થેટિક છે, જેનો ફક્ત ઓપરેશન થિયેટરમાં જ ઉપયોગ કરવાની મંજૂરી છે. રિપોર્ટના આધારે કૃતિકાના પિતાએ તેમના જમાઈ મહેન્દ્ર પર તેમની પુત્રીની હત્યાનો આરોપ લગાવ્યો. તપાસ દરમિયાન પોલીસે મહેન્દ્રના ઘરમાંથી ગુનાહિત પુરાવા મેળવ્યા, જેમાં કેન્યુલા સેટ, એક ઈન્જેક્શન ટ્યૂબ અને અન્ય મેડિકલ સાધનો મળ્યાં. પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીના મૃત્યુને કુદરતી દેખાડવા માટે મહેન્દ્રએ તેની મેડિકલ સ્કિલનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે એ પણ ખુલાસો કર્યો કે ડૉ. રેડ્ડીના પરિવારનો ગુનાહિત ઇતિહાસ છે. તેમના જોડિયા ભાઈ ડૉ. નાગેન્દ્ર રેડ્ડી જીએસ પર 2018માં અનેક છેતરપિંડી અને ફોજદારી ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહેન્દ્ર અને બીજા ભાઈ, રાઘવ રેડ્ડી જીએસ, 2023માં ધમકી આપવાના કેસમાં સહ-આરોપી બનાવાયો હતો. કૃતિકાના પરિવારે દાવો કર્યો હતો કે લગ્ન સમયે આ વિગતો તેમનાથી છુપાવવામાં આવી હતી.
આ પણ વાંચો:ટ્રમ્પ સંબંધિત પ્રશ્ન પર શશી થરૂરે ટ્રમ્પ પર કટાક્ષ કર્યો, ‘માત્ર મેલાનિયા જ રસ્તો કહી શકે છે…’!
આ પણ વાંચો:‘જો ભારત જ મરી જશે, તો કોણ જીવતું…’, કોંગ્રેસ પ્રત્યે વફાદારીના પ્રશ્ન પર શશી થરૂરનો જવાબ
આ પણ વાંચો:‘આજે ઘણા લોકોની ઉંઘ ઊડી જશે …’, PM મોદીએ શશી થરૂર સાથે સ્ટેજ શેર કર્યો
