New Delhi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે આ વર્ષે ખરીફ સિઝન માટે ફોસ્ફેટ અને પોટાશ (P&K) આધારિત ખાતરો પર રૂ. 37,216 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. સરકાર દ્વારા આપવામાં આવતી આ સબસિડી વાજબી દરે જમીનને પોષક તત્વો પૂરા પાડવાના પ્રયાસોનો એક ભાગ છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnava) કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ખરીફ સીઝન 2025 (1 એપ્રિલ, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધી) માટે ફોસ્ફેટ અને પોટાશ (P&K) આધારિત ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દર નક્કી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
કરોડો ખેડૂતોને થશે ફાયદો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnava) કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી (PM Modi)એ હંમેશા ખાતરી કરી છે કે ખેડૂતો પર કોઈ બોજ ન આવે. ડીએપી(DAP)ની કિંમત 50 કિલોગ્રામ બેગ દીઠ રૂ. 1,350 પર રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારે રૂ. 37,216.15 કરોડની એનબીએસ (NBS) સબસિડી મંજૂર કરી છે. આનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, ખાતરો અને કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તાજેતરના વલણને ધ્યાનમાં રાખીને પી એન્ડ કે ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવામાં આવી છે. ખરીફ સિઝન 2025 માટે મંજૂર દરોના આધારે NPKS ગ્રેડ સહિત P&K ખાતરો પર સબસિડી આપવામાં આવશે. ખાતર કંપનીઓને મંજૂર અને સૂચિત દરો અનુસાર સબસિડી આપવામાં આવશે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે પોષક તત્વો ઉપલબ્ધ થઈ શકે.
કેન્દ્ર સરકાર પોષક તત્વોના ઉત્પાદકો/આયાતકારો દ્વારા ખેડૂતોને સબસિડીવાળા ભાવે 28 ગ્રેડના પી એન્ડ કે ખાતરો પૂરા પાડી રહી છે. એપ્રિલ 2010 થી પી એન્ડ કે (P&K) ખાતરો પર સબસિડી સિસ્ટમ NBS યોજના હેઠળ ચલાવવામાં આવે છે.
કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો
આ ઉપરાંત કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાને મંજૂરી આપી. આ નિર્ણય આ વર્ષે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. આનાથી લગભગ 1.15 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. 2 ટકાના વધારા સાથે, મોંઘવારી ભથ્થું હાલના 53 % થી વધીને મૂળ પગાર/પેન્શનના 55% થઈ ગયું છે. તેનો હેતુ કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવાનો છે. DA અને DR બંનેમાં વધારાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 6,614.04 કરોડનો બોજ પડશે. આ પગલાથી લગભગ 48.66 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને ફાયદો થશે.
આ પણ વાંચો: ખરીફ સિઝનમાં ખાતરના ભાવ નહીં વધે, મોદી સરકાર વધારી શકે છે સબસિડી
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
