Surat News/ સાંસદ મુકેશ દલાલ દ્વારા લોકસભામાં હીરા ઉદ્યોગની મંદી અંગે ઉઠાવ્યો મુદ્દો, હિરાના વેપારમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી મંદીનો માહોલ

હીરા ઉદ્યોગમાં આવેલી ભારે મંદીને ધ્યાનમાં રાખીને રત્નકલાકારો સરકાર પાસે તાત્કાલિક મદદની અપેક્ષા રાખી રહ્યા છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓએ 30 માર્ચે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરવાની ચેતવણી પણ આપી છે.

Gujarat Surat

Surat News : સુરતના લોકસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મુકેશ દલાલે દેશની સર્વોચ્ચ પંચાયત લોકસભામાં સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી આર્થિક મંદીનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને પરિસ્થિતિ વર્ષ 2008માં આવેલી મંદી જેવી જ છે. તેમણે ઉમેર્યું હતું કે, હીરાનો અબજો ડોલરનો જથ્થો તૈયાર હોવા છતાં બજારમાં માંગ ન હોવાના કારણે કામકાજ લગભગ ઠપ થઈ ગયું છે.

વધુમાં, સાંસદ મુકેશ દલાલે લોકસભાને માહિતી આપતા જણાવ્યું કે, આ મંદીના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા લગભગ 20 થી 25 લાખ જેટલા કામદારો બેરોજગાર થઈ ગયા છે. જેના પરિણામે તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. તેમણે કેન્દ્ર સરકારને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરીને હીરા ઉદ્યોગ અને તેમાં કામ કરતા લાખો કર્મચારીઓને સહાય અને ટેકો આપવા માટે વિનંતી કરી હતી, જેથી તેઓ આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકે.

રત્નકલાકારોની કફોડી હાલત

સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ ગંભીર મંદીની અસરને ધ્યાનમાં લઈને, હીરા ઉદ્યોગના અગ્રણીઓએ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતમાં થયેલી આ મુલાકાતમાં હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને હીરા બજારની વર્તમાન સ્થિતિ અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોની કફોડી હાલતથી વાકેફ કર્યા હતા. આ રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગને રાહત આપવા અને શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ મુલાકાત દરમિયાન બે દિવસમાં આ અંગે એક નક્કર યોજના (એક્શન પ્લાન) તૈયાર કરવાની વાત પણ કરી હતી.

જો કે, માર્ચ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને કોઈ પણ પ્રકારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે હીરાના રત્નકલાકારોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ હવે વિરોધના ભાગરૂપે હડતાળનું શસ્ત્ર ઉગામવાની ચેતવણી આપી છે.

છેલ્લા 50 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીનું સંકટ

સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યો છે. મંદીના કાળા વાદળો એટલા ઘેરાયેલા છે કે અનેક હીરાના કારખાનાઓ બંધ થઈ ગયા છે અને અંદાજે 17 લાખ જેટલા રત્નકલાકારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જે કેટલાક કારખાનાઓ હજી ચાલુ છે તેઓ પણ કામદારોને પૂરતું કામ આપી રહ્યા નથી. આવી પરિસ્થિતિમાં સુરતના રત્નકલાકારોએ હવે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

મંદીનો પ્રચંડ માહોલ, રત્નકલાકારો બેરોજગાર

વિશ્વના લગભગ 90 ટકા હીરાનું પોલિશિંગ સુરતમાં થાય છે અને હાલમાં આ શહેર મંદીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનવાના કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. તેઓ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. ઉદ્યોગના નિષ્ણાતો આ 50 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદી માટે વિવિધ કારણો જણાવી રહ્યા છે.

હાલમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને મંદી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં સૂત્રો લખેલા પ્લે કાર્ડ સાથે આવેલા રત્નકલાકારોએ સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવાની માંગણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આર્થિક મંદીના કારણે રત્નકલાકારોની હાલત અત્યંત દયનીય બની છે અને રત્નકલાકારો દ્વારા આપઘાતના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગમાં આવેલી ભારે મંદીને ધ્યાનમાં રાખીને રત્નકલાકારો સરકાર પાસે તાત્કાલિક મદદની અપેક્ષા રાખી રહ્યા છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓએ 30 માર્ચે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરવાની ચેતવણી પણ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, લેબગ્રોનની માગ વધતા બજાર સ્થિર રહેવાના અણસાર

આ પણ વાંચો: હીરા ઉદ્યોગ સંકટ: સુરતમાં આત્મઘાતી હેલ્પલાઈન પર 1,600 કોલ આવ્યા

આ પણ વાંચો: સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી છીનવાતા રત્નકલાકાર બન્યો ચોર, વાહનચોરી કરતા ઝડપાયો