વડોદરા,
અત્યાધુનિક થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી વડોદરામાં એક ગરીબ દર્દીનું ઓપરેશન કરી યુવાનનો પગ બચાવી લેવામાં આવ્યો છે. આ પ્રકારનાં ઓપરેશન વડે દર્દીનું કોઇ અંગ બચાવ્યાનો દેશનો આ પ્રથમ કિસ્સો હોવાનો વડોદરાનાં તબીબનો દાવો છે.
સુરતાન ગોપલાભાઇ રાઠવા પોતાની મોટર સાઇકલ લઇને જામલી રોડ ઉપરથી સાંજના સમયે પસાર થઇ રહ્યો હતો. તે સમયે બોલેરો જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરતાન રાઠવાના જમણા પગમાં સાથળ, ઘૂંટણની નીચે અને પગના તળીયા પાસેની ઘૂંટીમાં ભયંકર ફેક્ચર થયું હતું. પગના તળીયા પાસેની પગની ઘૂંટીનું તો હાડકુ નીકળીને રોડ ઉપર પડી ગયું હતું.
સુરતાન રાઠવાના જમણા પગની ઘૂંટીનું હાડકું બહાર નીકળી ગયું હતું. પગ કાપવો પડે તેવી સ્થિતી હતી.પરંતુ, વડોદરાના ઓર્થોપેડિક સર્જને જેતે સમયે એક પગ કાપવાની વાતથી નાસીપાસ થઇ ગયેલા આદિવાસી યુવાનની ઘુંટીનું થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની મદદથી ઓપરેશન કરીને પગ બચાવી લીધો છે.વડોદરામાં દેશનું પ્રથમ થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીના પગની ઘૂંટીનું સફળ ઓપરેશન કર્યું છે.
હાલ મેડિકલ ક્ષેત્રે થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ માનવીય અંગોના અમુક હિસ્સાને ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવીને તેનું પ્રત્યાર્પણ કરવામાં આવતુ હોય છે.આ ટેકનોલોજીનો ઉપયોગ હાડકું ગુમાવી બેઠેલા દર્દી માટે ક્યારેય કરાયો ન હતો. જે ટેકનોલોજીનો ઉપયોગ સુરતાનના પગની ટેલસ બોન (ઘૂંટીનું હાડકું)ની સર્જરી માટે કરવામાં આવ્યો છે. થ્રીડી ટેકનોલોજીની દ્વારા કરવામાં આવેલી આ સર્જરી દેશમાં પ્રથમ વડોદરામાં કરવામાં આવી છે.
