Gujarat News/ થર્ટીફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન : ડ્રોન CCTVથી પોલીસની બાજ નજર, : 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે

થર્ટી ફર્સ્ટ પર દારૂ પાર્ટીને રોકવા માટે પોલીસે અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે

Top Stories Gujarat

Gujarat News : થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પોલીસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યુવા હૈયાઓ 2025ના વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે પોલીસે પણ ઠેર ઠેર બંદોબસ્તની વ્યવસ્થા કરી છે.  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટ પાર્ટીઓનું આયોજન કરાયું છે.

થર્ટી ફર્સ્ટ પર દારૂ પાર્ટીને રોકવા માટે પોલીસે અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરનારાઓને ઝડપવા માટે બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ડીકેકશન કીટ સાથે ચેકિંગ કરાશે. પાર્ટી દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે ‘સી’ ટીમની મહિલા જવાનો ઓફડ્રેસમાં જ પાર્ટીમાં હાજર રહેશે. તો આવો જાણીએ ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારીઓ કેવી છે અને આ ઉજવણી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસની તૈયારી કેવી છે?ભરૂચની ઘટના બાદ હવે નાની ઉંમરની છોકરીઓ માટે “ગુડ ટચ અને બેડ ટચ”નું મહત્ત્વ સમજાવવા માટે સુરત પોલીસે ખાસ સેમિનારનું આયોજન કર્યું છે, જેથી તેઓ કોઈપણ અનિચ્છનીય હરકતનો તરત જ વિરોધ કરી શકે.

છેલ્લા ઘણા સમયથી નાની છોકરીઓને ભોળવીને લઈ જવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ગલી-મોહલ્લાઓમાં સેમિનારના માધ્યમથી માતા-પિતાને પણ છોકરીઓની સુરક્ષા માટે ઉપાયો સમજાવી રહી છે. સુરતમાં પોલીસ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર ડ્રોન અને CCTVથી નજર રાખશે. આ માટે પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરાશે.આ સાથે ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને રોકવા માટે બજારોમાં અને ભરચક વિસ્તારોમાં મોડિફાઈડ બાઇક સાથે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.

શહેરમાં પ્રોહિબિશનના કાયદાઓ લાગુ કરવા માટે પોલીસ કડક પગલાં લઈ રહી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારા માફિયાઓની યાદી તાજી કરવામાં આવી છે અને તેમના પર પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેથી 31 ડિસેમ્બરના રોજ દારૂ અને ડ્રગ્સની હેરાફેરી રોકી શકાય.ડ્રગ્સના ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે એન્ટી-નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરી છે. ખાસ કરીને રાંદેર વિસ્તાર કે જેને ડ્રગ્સ માફિયાઓ માટે પ્રખ્યાત માનવામાં આવે છે, ત્યાં બીજી એન્ટી-નાર્કોટિક્સ યુનિટ શરૂ થઈ રહી છે. પોલીસે તાજેતરમાં 15 લાખ રૂપિયાનું ખાસ મશીન ખરીદ્યું છે, જે માત્ર 60 સેકન્ડમાં જણાવી શકે છે કે કોઈએ ડ્રગ્સ લીધું છે કે નહીં. નવા વર્ષની પાર્ટીમાં ડ્રગ્સના સેવનકારો અને રેવ પાર્ટી આયોજકો પર ખાસ નજર રાખવામાં આવશે.

નવા વર્ષના દિવસે વધુ ભરચક વિસ્તારમાં અને પાર્ટી સમયે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ વિશેષ પેટ્રોલિંગ, સીસીટીવી નિરીક્ષણ અને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત પોલીસને જાણ કરે.વિશેષ કરીને શ્રમિક વર્ગના વિસ્તારોમાં કે જ્યાં ક્રિમિનલ્સ સરળતાથી ટાર્ગેટ કરે છે, ત્યાં સેમિનારનું આયોજન થઈ રહ્યું છે. સાથે જ શહેરના પોશ વિસ્તારોમાં નશીલા પદાર્થો (ડ્રગ્સ) સંબંધિત ગુનાઓ પર પણ પોલીસની ખાસ નજર છે. ડ્રગ્સ પેડલર્સ અને માફિયાઓ ઝડપી લેવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મહિલાઓની સુરક્ષા માટે પણ સુરત પોલીસે ખાસ આયોજન કર્યું છે. અલગ અલગ વિસ્તારોમાં 75થી વધુ સી-ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં તહેનાત રહેશે. પોલીસે શહેરના તમામ ફાર્મ હાઉસ સંચાલકો, માલિકો અને ન્યુ યર પાર્ટીના આયોજકો સાથે મીટિંગ યોજી છે.આ વર્ષે સુરતમાં 13 પાર્ટી પ્લોટ પર નવા વર્ષના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવી છે. પોલીસની ખાસ ટીમો આ જગ્યાઓ પર વોચ રાખશે.નવા વર્ષની ઉજવણીને લઇ રાજકોટ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસે તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અંગે સૂચના આપી છે.

આ દરમિયાન દારૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર મારવા નીકળી બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે. આવા બેફામ લોકો પર લગામ કસવા અને વધુને વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ કરી કડક કાર્યવાહી કરવા કડક સૂચના અપાઇ છે. એટલું જ નહીં આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટિમો બ્રેથ એનેલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કિટની મદદથી ખાસ ચેકિંગ કરશે.રાજકોટ શહેર પોલીસે પાર્ટી પ્લોટમાં થતા ખાનગી આયોજનોમાં પણ તમામ આયોજકોને ખાનગી સિક્યોરિટી રાખવા તેમજ શક્ય હોય તેટલી જગ્યાએ સીસીટીવી કેમેરાથી કવર થાય તે મુજબ આયોજન કરવા સૂચના આપી છે. આ સાથે શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર રાજકોટ શહેર પોલીસની અલગ અલગ ટિમો વાહન ચેકીંગ કરશે. વાહન ચેકિંગની સાથે અલગ અલગ ટિમો બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે.

રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજ રાત્રિના સમયે ટ્રાફિક શાખા ખાસ ડ્રાઇવ યોજી વાહન ચેકિંગની સાથે સાથે બ્રેથ એનેલાઇઝર મદદથી તપાસ કરી રહી છે, જેમાં કુલ 1000થી વધુ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ ચેકિંગ દરમિયાન નાર્કોટિક્સ ડ્રગ્સ સેવન કર્યાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમના બ્લડ સેમ્પલ કલેકટ કરી સિવિલ હોસ્પિટલ તેમજ ગાંધીનગર લેબ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસમાં 26 ડિસેમ્બર સુધીમાં નવા વર્ષની પાર્ટીના માત્ર 4 આયોજકો દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવી છે. જે લોકો અરજી કરી છે તેમનું ચેકીંગ કરી બાદમાં મંજૂરી નિયમ મુજબ આપવામાં આવશે અને જે લોકોએ મંજૂરી માટે એપ્લાય કર્યું નથી તેમના આયોજનને બંધ કરાવવામાં આવશે.

અમદાવાદમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે વિવિધ ક્લબ અને પાર્ટી પ્લોટમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ થીમ આધારિત પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંક જંગલની થીમ તો ક્યાંક અલગ અલગ ડ્રેસ કોડ રાખી પાર્ટી યોજાશે. એસપી રીંગ રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ અને વિવિધ ક્લબમાં મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે વડોદરામાં પણ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે આ અંગે માહિતી આપતા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, પીઆઇ, એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ આયોજકો સાથે મીટિંગ કરીને પ્રોહિબિશન માટેની સૂચના આપશે.

વાહનચાલકોનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે. રૂરલ સાથે એડ જોઇનિંગ રોડ પર ચેકિંગ કરાશે. નશાયુક્ત પદાર્થોનું વેચાણ થાય તે વિસ્તારોનું એક લિસ્ટ તૈયાર કરાયું છે. તેમાં 23 ડિસેમ્બરે તાંદલજા વિસ્તારમાં હાઇબ્રિડ ગાંજાનો કેસ કર્યો છે અને નશો કરતા શખસોને ટાર્ગેટ કરાશે. તમામ પોલીસ સ્ટેશનના થાના ઇન્ચાર્જ, ડી સ્ટાફ સહિતના કર્મચારીઓ, ક્રાઇમબ્રાન્ચ, એસઓજી પીસીબી સહિત બે હજાર ઉપરાંતના કર્મચારીઓ ગુજરાત તથા સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન મુજબ જ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી