uttarakhand news/ એક જ માંડવે પાંચ ભાઈઓના લગ્ન, દુલ્હનો જાન લઈને પહોંચી સાસરીએ

આ સામુહિક લગ્ન(Wedding) પાછળનો મુખ્ય ઉદ્દેશ ખર્ચમાં ઘટાડો અને દહેજ જેવી પ્રથાઓથી દૂર રહેવાનો છે

India
ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના જૌનસાર બાવર વિસ્તારમાં એક અનોખા સામુહિક લગ્ને(Wedding) દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે

Uttarakhand News : ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના જૌનસાર બાવર વિસ્તારમાં એક અનોખા સામુહિક લગ્ને(Wedding) દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે. અહીં એક જ પરિવારના પાંચ ભાઈઓના લગ્ન એકસાથે એક જ માંડવે કરવામાં આવ્યા, જે સામાજિક સંદેશ સાથે જોડાયેલી પરંપરાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

ખારસી ગામના મુખિયા દૌલતસિંહ ચૌહાણના પરિવારમાં આ વિશેષ પ્રસંગ ઉજવાયો. તેમના પરિવારમાં નરેન્દ્ર સિંહ, પ્રીતમ સિંહ, અમિત સિંહ, પ્રદીપ સિંહ અને રાહુલ સિંહના લગ્ન(Wedding) એકસાથે યોજાયા. ખાસ વાત એ રહી કે અહીં દુલ્હનો પોતે જ જાન લઈને દુલ્હાના ઘરે પહોંચી, જ્યાં પરંપરાગત રીતરિવાજ સાથે લગ્ન વિધિ પૂર્ણ થઈ.

જૌનસાર બાવર વિસ્તારમાં આ પ્રથા ‘જોજોડા’ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દુલ્હો જાન લઈને દુલ્હનના ઘરે જાય છે, પરંતુ અહીં વિપરીત પરંપરા અનુસરાય છે, જેમાં દુલ્હન પક્ષ જ જાન લઈને આવે છે. વિધિ પૂર્ણ થયા બાદ થોડા દિવસોમાં દુલ્હન પોતાના પિયરમાં પણ જાય છે.

આ સામુહિક લગ્ન(Wedding) પાછળનો મુખ્ય ઉદ્દેશ ખર્ચમાં ઘટાડો અને દહેજ જેવી પ્રથાઓથી દૂર રહેવાનો છે. પરિવારના વડા દૌલતસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ આયોજન દ્વારા લગ્નના અનાવશ્યક ખર્ચોને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સમાજને પણ અપીલ કરી કે દેખાવ કરતા બાળકોના શિક્ષણ પર વધુ ખર્ચ કરવો જોઈએ.

લગ્ન દરમિયાન દારૂ અને નશીલા પદાર્થો પર પ્રતિબંધ મૂકાયો હતો, તેમજ મોંઘા કપડા અને દાગીનાથી પણ દૂર રહેવામાં આવ્યું હતું. આ કારણે ન તો દુલ્હન પક્ષ પર કોઈ આર્થિક બોજ પડ્યો, ન તો દુલ્હા પક્ષ પર.

પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ મધુ ચૌહાણે આ પહેલને વખાણી અને જણાવ્યું કે, આવી સામુહિક લગ્ન પ્રથાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે. તેમણે આશા વ્યક્ત કરી કે દેશના અન્ય વિસ્તારોમાં પણ આવી પરંપરાઓ અપનાવવામાં આવે, જેથી દીકરીના પરિવાર પર લગ્નનો ભાર ઓછો થઈ શકે.

આ અનોખા સામુહિક લગ્નો માત્ર પરંપરાનો જ નહિ, પરંતુ સરળતા, સમાનતા અને સામાજિક જવાબદારીનો પણ સંદેશ આપે છે.


આ પણ વાંચો :  રાજકોટમાં સમૂહલગ્નના લાભાર્થે યોજાયેલા ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઉપર લોકોએ અઢળક રૂપિયા ઉડાવ્યા

આ પણ વાંચો :  ગુરુબ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં 19 નવદંપતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્શીર્વાદ આપ્યા

આ પણ વાંચો :  નેત્રંગમાં 51 યુગલનો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ