Lucknow News : લખનૌમાં એક કરૂણ ઘટનામાં ચાલતી AC બસમાં અચાનક આહ ફાટી નીકળી હતી.આ અકસ્માતમાં પાંચ મુસાફર બળીને ખાક થઈ ગયા હતા. મૃતકોમાં માતા-પુત્રી, ભાઈ-બહેન અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસમાં લગભગ 80 મુસાફર હતા. સ્લીપર બસ બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહી હતી.
આ ઘટના મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડ (કિસાન પથ) પર સવારે 4.40 વાગ્યે થઈ હતી. એ સમયે મોટા ભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. મુસાફરોએ જણાવ્યું કે બસ અચાનક ધુમાડાથી ભરાવા લાગી. લોકોને કંઈ સમજાયું નહીં. થોડીવારમાં જ આગની તીવ્ર જ્વાળાઓ વધવા લાગી.
બસની અંદર નાસભાગ મચી ગઈ. ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી ભાગી ગયા. ડ્રાઇવરની સીટ પાસે એક વધારાની સીટ હતી. આવી સ્થિતિમાં મુસાફરોને નીચે ઊતરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા મુસાફરો ફસાઈ ગયા અને પડી ગયા. આસપાસના લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી. ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે લગભગ 30 મિનિટમાં આગ બુઝાવી દીધી, જ્યારે ટીમ અંદર પહોંચી ત્યારે 5 બળેલા મૃતદેહ મળ્યા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી. બે બાળકોના મૃતદેહ સીટો પર હતા, જ્યારે બે મહિલા અને એક યુવાનના મૃતદેહ સીટોની વચ્ચે પડ્યા હતા. બાળકોની ઓળખ લોકેટ અને બંગડીઓ પરથી થઈ હતી.
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલતી બસમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી. ઇમર્જન્સી ગેટ ખૂલ્યો નહીં. આને કારણે પાછળ બેઠેલા લોકો ફસાઈ ગયા. બસમાં પાંચ-પાંચ કિલોનાં સાત ગેસ-સિલિન્ડર હતાં, જોકે કોઈ સિલિન્ડર ફાટ્યું નહોતું. લોકો બારીઓ તોડીને કૂદી પડ્યા હતા. લોકો બુધવારે બપોરે 12:30 વાગ્યે બિહારના બેગુસરાયથી બસ (UP17 AT 6372) દિલ્હી જવા રવાના થઈ હતી. મુસાફરોને રાત્રે 12 વાગ્યે ગોરખપુરથી બેસાડવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે 4:40 વાગ્યે લખનઉ આઉટર રિંગ રોડ પર કેટ ભીટ ગામ નજીક બસમાં આગ લાગી હતી.
બસના મુસાફર અનુજ સિંહે જણાવ્યું હતું કે બસના એન્જિનમાં સ્પાર્કિંગને કારણે આગ લાગી હતી. અકસ્માત સમયે મોટા ભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. આગ લાગ્યા પછી બસમાં ચીસો અને બૂમો પડી રહી હતી. આ જોઈને ડ્રાઈવર અને કંડક્ટર કૂદી પડ્યા અને ભાગી ગયા. બસમાં પડદા હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ.
બસની આગળ બેઠેલા લોકો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ પાછળ બેઠેલા લોકો ફસાઈ ગયા. ઇમર્જન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો, પણ એ ખૂલ્યો નહીં. આ પછી મુસાફરોએ બારીઓ તોડીને બહાર કૂદવાનું શરૂ કર્યું. મારી પત્ની મારી સાથે હતી. મેં તરત જ તેને જગાડી. જ્યારે અમે બંને બસમાંથી નીચે ઊતરવા લાગ્યાં ત્યારે હું ડ્રાઇવરની પાસેની વધારાની સીટમાં ફસાઈ ગયો અને નીચે પડી ગયો.
એક માણસ મારા ઉપર ચઢી ગયો અને ત્યાંથી પસાર થયો. કોઈક રીતે મારો જીવ બચી ગયો. અકસ્માત પછી મારા જેવા ઘણા લોકો બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે ફસાઈ ગયા અને પડી ગયા. જે પડી ગયા તેઓ ઊઠી શક્યા નહીં. લોકો તેમને કચડી નાખતાં બહાર આવ્યા. બસમાં મોટા ભાગના લોકોનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
પતિએ પત્નીને બચાવી, પણ માસૂમ પુત્ર અને પુત્રી બળી ગયાં રામલાલે કહ્યું- હું મારી સાત મહિનાની ગર્ભવતી પત્ની અને બે બાળકો સાથે બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે આગ લાગી ત્યારે પત્નીને પહેલા નીચે લાવવામાં આવી. બાળકો સીટ પર સૂતાં હતાં. હું તેમને નીચે ઉતારી શક્યો નહીં. મારા દીકરા અને દીકરી મારી સામે જ સળગી ગયાં.
પાંચેય મૃતકો બિહારનાં, જેમાં માતા-પુત્રીનો પણ સમાવેશ મૃતકોની ઓળખ બિહાર નિવાસી લક્ષ્મી દેવી (ઉં.વ.55)પત્ની અશોક મેહતા, સોની (ઉં.વ.26) પુત્રી અશોક મેહતા, દેવરાજ (ઉં.વ.3) પુત્ર રામલાલ અને સાક્ષી (ઉં.વ.2) પુત્રી રામલાલ તરીકે થઈ છે. મૃતકોમાંથી એકની ઓળખ હજુ સુધી થઈ નથી. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે જણાવ્યું હતું કે બાળકોના મૃતદેહ સીટો પર મળ્યા હતા, જ્યારે મહિલાઓ અને પુરુષોના મૃતદેહ સીટો નીચે મળ્યા હતા.લોકો બસમાંથી કેમ બહાર ન નીકળી શક્યા?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોનો સામાન બસની ગેલરીમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે આગ લાગી ત્યારે મુસાફરોએ પહેલા પોતાનો સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. આ અંધાધૂંધીમાં ઘણા લોકો ફસાઈ ગયા અને ત્યાં જ પડી ગયા.બસમાં ધુમાડો ઝડપથી ફેલાવા લાગ્યો, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લોકોએ બસનો ઇમર્જન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ખૂલ્યો નહીં. બસમાં સતત ધુમાડો ભરાઈ રહ્યો હતો, જેના કારણે લોકોને બહાર નીકળવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.
ડ્રાઇવરની સીટની બાજુમાં એક વધારાની સીટ ફિટ કરવામાં આવી હતી. આ સીટને કારણે ગેલરીમાં જવાનો રસ્તો સાંકડો થઈ ગયો. ઘણા મુસાફરો આ સીટમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા. પાછળથી આવતા લોકો તેમને કચડીને ચાલ્યા ગયા.
બસમાં અન્ય મુસાફરોએ શું કહ્યું
રવિ કુમારે કહ્યું- આ ઘટના સવારે 4:30-4:45 વાગ્યાની આસપાસ બની. ગિયર પાસે સ્પાર્કથી આગ શરૂ થઈ. ડ્રાઈવર કોઈને કહ્યા વિના ભાગી ગયો. આગળના મુસાફરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ પાછળના મુસાફરો ફસાઈ ગયા.
તારા ચંદે કહ્યું- ડ્રાઈવર-કંડક્ટરે કોઈને ફોન કર્યો નહોતો. બંને કૂદીને ભાગી ગયા. તેમની બેદરકારીને કારણે આગ લાગી. ધુમાડાની ગંધથી આગ લાગી હોવાની માહિતી મળી હતી.
સીએમ યોગીએ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે ઘાયલોની સારવાર માટે સૂચનાઓ આપી છે. અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી બનાવવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ (સુધારા) બિલને મંજૂરી આપી
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી
આ પણ વાંચો:સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને “Poor lady” કહેતાં વિવાદ : દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણીથી હોબાળો
