Surat News : સુરત (Surat)શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સર્જાયેલી દુર્ઘટનાઓમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં 9 લોકો પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ (Flood Death)પામ્યા છે, જ્યારે એક 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરૂણ મોત થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં કુલ 19 લોકોના મોત થતાં શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
9 લોકો પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ (Flood Death)પામ્યા
ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરના રહેવાસી અને મહાવીર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 58 વર્ષીય પ્રસાદ વીરચંદ કાપડે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વરસાદી પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું.

પુણાગામમાં પણ બે અલગ-અલગ બનાવોમાં 45 વર્ષીય મહેશભાઈ ઝાલોદરા અને 44 વર્ષીય પરેશસિંહ ખેંગાર પૂરના પાણીમાં ડૂબી જતા તેમના મોત થયા હતા. બંનેના મૃતદેહ બુધવારે સવારે મળી આવ્યા હતા.
સચિન વિસ્તારમાં સ્થાનિક મિલમાં હેલ્પર તરીકે કામ કરતા 41 વર્ષીય સંજીત ત્રિવેણી મહંતો કામ પરથી ઘરે જતી વખતે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. તેમનો મૃતદેહ પાલી ગામ નજીકથી મળી આવ્યો હતો.
પાંડેસરામાં બે કરૂણ ઘટનાઓ સામે આવી હતી. ચાની લારી પર કામ કરતો 16 વર્ષીય સત્યન શ્રીવાસ્તવ અને ઘર નજીક રમી રહેલો 9 વર્ષીય અનુભવ કોળી બંને વરસાદી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ (Flood Death)પામ્યા હતા. બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઉન પાટિયા વિસ્તારમાં હજીરાની કંપનીમાં નોકરી કરતા સગા બે ભાઈઓ 21 વર્ષીય હારુન અંસારી અને 18 વર્ષીય ફારુક અંસારી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

બીજી તરફ ભીમરાડ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય દેવ પટેલ પોતાની બહેનના ઘરે દૂધ આપવા ગયો હતો. ભેજવાળા વાતાવરણમાં ફ્રિજ ચાલુ કરતી વખતે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ડિંડોલી માર્ક પોઇન્ટ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ પણ વરસાદી પાણીમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેનું મોત પણ પૂરના પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ મૃતકની ઓળખ માટે તપાસ કરી રહી છે.
ભારે વરસાદ (Heavy Rain) બાદ સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત બની રહેલી દુર્ઘટનાઓને પગલે તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
