Gir Somnath News/ ગીર ગઢડામાં કૂવામાંથી સિંહનો મૃતદેહ મળ્યો, 3 દિવસ બાદ વનવિભાગને જાણ થતાં અનેક તર્ક વિતર્ક

ગીર ગઢડામાં કૂવામાંથી સિંહ (Lion)નો કોહવાયેલો મૃતદેહ મળતાં ચકચાર. 3 ફૂટની પેરાપેટ અને નેટ હોવા છતાં સિંહ કૂવામાં કેવી રીતે પડ્યો તે અંગે તપાસ શરૂ.

Gujarat Others Breaking News
lions

Gir Somnath News: ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની સીમમાં આવેલી વાડીના કૂવામાંથી 5 વર્ષના નર સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આ મામલે સિંહ (Lion) કૂવામાં કેવી રીતે પડ્યો અને વનવિભાગને ત્રણ દિવસ સુધી જાણ કેમ ન થઈ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

3 ફૂટની પેરાપેટ અને પ્લાસ્ટિક નેટ છતાં સિંહ કૂવામાં પડ્યો

ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જ હેઠળ આવતા ધોકડવા ગામની સીમમાં અરજણભાઈ જોધાભાઈ ડાંગોદરાની વાડી આવેલી છે. વાડીના કૂવા પર સુરક્ષા માટે આશરે 3 ફૂટ ઊંચી પેરાપેટ અને પ્લાસ્ટિકની નેટ જાળી લગાવવામાં આવી હતી. તેમ છતાં સિંહ કૂવામાં ખાબકવાની ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.  પ્રાથમિક દૃષ્ટિએ શિકારની શોધમાં નીકળેલા સિંહનો પગ લપસતાં તેણે જાળી તોડી નાખી હતી અને કૂવામાં પડી ગયો હોવાનું અનુમાન છે. કૂવામાંથી બહાર ન નીકળી શકતાં તેનું મોત (Dead Lion) થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દુર્ગંધ આવતાં વાડી માલિકે કૂવામાં જોયું

વાડી માલિકના પુત્ર જયેશભાઈએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન હોવાથી તેઓ વાડીએ ઓછા આવતા હતા. સવારે વાડીએ આવી મોટર ચાલુ કર્યા બાદ આસપાસ ચક્કર મારતાં કૂવા પરની જાળી તૂટેલી જોવા મળી હતી. કૂવામાંથી ભારે દુર્ગંધ આવતાં તેમણે અંદર નજર કરતાં સિંહનો મૃતદેહ (Dead Lion) પાણીમાં તરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક (Forest Department) વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

વનવિભાગની ટીમે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી

મામલાની જાણ થતાં ACF કે.પી. ભાટિયા અને RFO કુલદીપ ચૌહાણની સૂચનાથી ફોરેસ્ટર આર.એન. મોરી, રેસ્ક્યુ ટીમના પ્રતાપ ખુમાણ અને નજુભાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વનવિભાગે કૂવા તથા આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી સિંહ ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ શરૂ કરી છે. વનવિભાગ (Forest Department) દ્વારા સમગ્ર મામલાના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

સિંહ અકસ્માતે પડ્યો કે કોઈએ કૂવામાં ફેંક્યો?

કૂવામાંથી મળેલા સિંહના મૃતદેહની હાલત જોતા તેના શરીરમાં જીવાતો પડી ગઈ હતી અને ચામડી પણ ખેંચાઈ ગઈ હતી. જેના કારણે મોતને 2થી 3 દિવસનો સમય થયો હોવાનું અનુમાન છે. હાલ વનવિભાગ સિંહ અકસ્માતે કૂવામાં પડ્યો હતો કે તેની પાછળ કોઈ ષડયંત્ર (Conspiracy) છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. કોઈ અજાણ્યા ઈસમોએ સિંહને ઢસડીને કૂવામાં નાખ્યો હતો કે કેમ તે સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા આશરે 60 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહના કોહવાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ગિરનાર પર મોટું સુરક્ષા ઓપરેશન, 25 ટ્રેકર તૈનાત; સિંહની હિલચાલ પર 24 કલાક નજર

આ પણ વાંચો:ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન: પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા અમદાવાદના 3 શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:PTC પ્રવેશ પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ, 70 સંસ્થાઓની માન્યતા મુદ્દે તપાસની કરી માગ