Lifestyle/ મેંદો નહીં…સોજીથી બનશે હૅલ્ધી ક્રિસ્પી ચીલા પિત્ઝા…ગણતરીની મિનિટોમાં થશે તૈયાર!

સોજીના પુડલા તો તમે ઘણીવાર ખાધા હશે, એની ઉપમા પણ ખાધી હશે પણ સોજીના પિત્ઝા (Suji Chilla Pizza) કદાચ નહિં ખાધા હોય…

Trending Food Health & Fitness Lifestyle
Suji Chilla Pizza...સ્વાસ્થ્યપ્રદ વાનગીની મજા માણો!

Lifestyle: સવારના નાસ્તામાં રોજેરોજ એક જેવી વાનગીઓ ખાઇને બોર થઇ જવાય છે. આ ઉપરાંત, હૅલ્થનું પણ સવિશેષ ધ્યાન રાખવું પડે છે. આ માટે તમે મેંદો નહિં પરંતુ સોજીના બનેલા ચીલા પિત્ઝા (Suji Chilla Pizza) ટ્રાય કરી શકો છો. અહિં ઘરે જ એને બનાવવાની હૅલ્ધી રેસિપી (Healthy Recipe) દર્શાવીશું.

સોજીના પુડલા તો તમે ઘણીવાર ખાધા હશે, એની ઉપમા પણ ખાધી હશે પણ સોજીના પિત્ઝા (Suji Chilla Pizza) કદાચ નહિં ખાધા હોય…સોજી, દહીં તથા અન્ય મસાલાથી બનતા આ પિત્ઝા ટેસ્ટી હોવા ઉપરાંત, બનાવવામાં પણ અત્યંત સરળ છે. એમાં મનપસંદ શાકભાજી જેવી કે ટમેટા, કોર્ન, ડુંગળી, શિમલા મિર્ચ વગેરે ઉમેરીને ખાવાની મજા જ ઓર છે! તો ચાલો જોઇએ કે ઘરે આ વાનગી શી રીતે બનાવવી…

શી રીતે બનાવશો સોજીના બનેલા ચીલા પિત્ઝા (Suji Chilla Pizza Recipe)

જોઇએ કે આ વિશેષ બાળકોને પણ પ્રિય લાગે એવી આ રેસિપી મેંદાના સ્થાને સોજીથી બનાવવાની વિધિ કઈ છે અને એ માટે કઈ-કઈ સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ સોજી

1/2 કપ દહીં

1/2 ચમચી કાળા મરીનો પાવડર કે ચાટ મસાલો

1 નાની બારીક સમારેલી ડુંગળી

1 નાની બારીક સમારેલી શિમલા મિર્ચ

1 નાનું બારીક સમારેલું ટમેટું

2-3 ચમચી કોર્ન

1 બારીક સમારેલું લીલું મરચું

2-3 ચમચી ગ્રેટેડ ચીઝ

સ્વાદાનુસાર મીઠું

સ્વાદાનુસાર ઓરેગાનો

1-2 ચમચી તેલ

આવશ્યકતા અનુસાર પાણી

પિઝા ખાતા બાળકો

બનાવવાની વિધિ

1. સોજીના ચીલા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં સોજી અને દહીં (Suji & Curd) મિક્સ કરો અને થોડું-થોડું પાણી ઉમેરતા જઇને સારી રીતે મિક્સ કરી લો જેથી એમાં ગાંઠા ન પડે.

2. આ બેટરને આશરે 10-15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો જેથી એ સારી રીતે ફૂલી જાય અને ચીલા સૉફ્ટ બને.

3. હવે આ ખીરામાં સ્વાદાનુસાર મીઠું અને કાળા મરી કે ચાટ મસાલો નાખીને હલાવી લો. જો બેટર વધુપડતું ઘટ્ટ લાગે તો એમાં થોડું પાણી મિક્સ કરી લો. મિશ્રણ વધુપડતુ પાતળું ન થઇ જાય એનું ધ્યાન રાખવું.

4. એક નૉન સ્ટિક પૅનને ગૅસ પર મૂકીને હળવો ગરમ કરો અને એને તેલથી ગ્રીસ કરીને એના ઉપર બેટર ગોળાકારમાં ફેલાવી દો. ધીમાથી મધ્યમ તાપે પાકવા દેવું.

5. બેઝ બને પછી ઉપર બારીક સમારેલા શિમલા મિર્ચ, ડુંગળી, ટમેટા, કોર્ન અને લીલા મરચાં ઉમેરો.

6. ઉપર થોડો ઓરેગાનો અને ગ્રેટેડ ચીઝ (Cheese) પાથરી દો.

7. હવે ઢાંકીને આ પિત્ઝા ચીલાને 5-7 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવું. ચીઝ પીગળે ત્યાં સુધી ગૅસ તદ્દન ધીમો રાખીને થવા દેવું.

8. જ્યારે સારી રીતે થઇ જાય અને નીચેથી સોનેરી રંગનો બની જાય ત્યારે હળવેકથી એને એક પ્લેટમાં કાઢી લેવો.

તો તૈયાર છે તમારો ગરમાગરમ સોજી ચીલા પિત્ઝા…તમે એને લીલી ચટણી, ટોમેટો કેચ અપ અથવો કોઇ ડિપ બનાવી એની સાથે ખાઇ શકો છો. સાંજના ભોજન માટે આ ઉત્તમ ડિશ (Suji Chilla Pizza) છે અને બાળકોને એ સવિશેષ પસંદ પડશે.


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો:  મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…