Gujarat Samachar:રાજ્યમાં GST વિભાગે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Fake ITC)ના કૌભાંડ સામે રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન હાથ ધરી 11 નકલી પેઢીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. માલની વાસ્તવિક હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવીને કરચોરી કરાતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં રૂપિયા 79.45 કરોડની વેરાકીય જવાબદારી ઊભી કરવામાં આવી છે.
રાજ્યમાં GST વિભાગની કાર્યવાહી

તપાસ દરમિયાન મેસર્સ નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અજયકુમાર સત્યનારાયણ શાહની સંડોવણી સામે આવી હતી. આરોપ છે કે અજયકુમાર શાહે બોગસ ખરીદી દર્શાવીને રૂપિયા .21.49 કરોડથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input Tax Credit) મેળવી હતી. સરકારી તિજોરીને થયેલા નુકસાન અને તેમની કથિત સીધી સંડોવણીને ધ્યાનમાં રાખીને GST વિભાગની વિશેષ ટીમે તેમની ધરપકડ કરી છે.
11 બોગસ પેઢીઓનું નેટવર્ક ઝડપાયું
GST વિભાગની તપાસમાં 11 બોગસ પેઢીઓ (Fake Firms)ની સંડોવણી બહાર આવી છે. આ પેઢીઓ દ્વારા વાસ્તવિક માલસામાનની ખરીદી કે વેચાણ કર્યા વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવીને ઇન્વોઇસ તૈયાર કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. આ રીતે ખોટા દસ્તાવેજોના આધારે ITC મેળવીને સરકારને વેરાકીય નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
કમ્પ્યુટર સહિતના ડિજિટલ સાધનો જપ્ત
સર્ચ ઓપરેશન દરમિયાન GST વિભાગે પેઢીના મહત્વપૂર્ણ હિસાબી દસ્તાવેજો, કમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ઉપકરણો (Digital Evidence) જપ્ત કર્યા છે. હાલ તમામ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. તપાસ આગળ વધતાં આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને પેઢીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.
સમગ્ર કૌભાંડમાં GST વિભાગે અત્યાર સુધીમાં રૂપિયા 79.45 કરોડની વેરાકીય જવાબદારી (Tax Liability) ઊભી કરી છે. અધિકારીઓ દ્વારા વધુ દસ્તાવેજો અને વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં વધુ નકલી પેઢીઓ, વચેટિયાઓ અને કરચોરીના નવા વ્યવહારો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો:આજથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર; ક્રેડિટ કાર્ડથી લઈને GST નિયમો સુધી આ 8 ફેરફાર લાગુ
આ પણ વાંચો:જામનગરમાં કરોડોનું GST કૌભાંડ: પાંચ પેઢીઓની મિલકતો જપ્ત
આ પણ વાંચો:ભાવનગરમાં કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપ પર GST વિભાગની મોટી કાર્યવાહી, ₹1.50 કરોડ ટેક્સ-દંડ ભરવાનો આદેશ
