મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ED દ્વારા આજે ધરપકડ કરવામાં આવી હતી. તેમની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની નકલી ટેપિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર NSE કર્મચારીઓના કૉલ ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરવાનો આરોપ છે. પાંડે 30 જૂને નિવૃત્ત થયા હતા. તેમના પર 2009 અને 2017 વચ્ચે NSE કર્મચારીઓના ફોન કૉલ્સ ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરવાનો આરોપ છે. આ માટે iSEC Services Pvt Ltd નામની કંપનીએ તેમને 4.45 કરોડ રૂપિયા આપ્યા હતા.
ત્રણ વ્યક્તિઓની પૂછપરછના આધારે, કેન્દ્રીય એજન્સીએ સોમવારે દિલ્હીની કોર્ટમાં દાવો કર્યો હતો કે NSE કર્મચારીઓનું ફોન ટેપિંગ 1997થી ચાલી રહ્યું હતું અને તેનાથી સંબંધિત પુરાવા અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે. અગાઉ, સીબીઆઈએ રૂ. 100 કરોડની રિકવરી કેસમાં પાંડે અને અન્ય પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની પણ પૂછપરછ કરી હતી. આ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આરોપી છે.
NSEમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ કરતી વખતે EDને ગુપ્ત ફોન સર્વેલન્સ મળ્યું હતું. આ પછી EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ માહિતી આપી હતી. ત્યારબાદ સીબીઆઈને આ આરોપોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.
