Gujarat News : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. તેમાં પણ વકેશનમાં ખાસ તેઓ પરિવાર સાથે ફરવા જતા હોય છે. દિવાળી વેકેશન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઘણા લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. જે માટે એડવાન્સમાં હોટલ અને ધર્મશાળા સહિત બુકિંગ કરાવી દે છે. ત્યારે ફેક વેબસાઈટ બનાવી ડિસ્કાઉન્ટ સાથે નહિવત કિંમતમાં પેકેજ આપી લોભ-લાલચમાં ફસાવી છેતરપિંડી કરતા સાયબર માફિયાઓ પણ સક્રિય થઈ ગયા છે.ઘણીવાર સસ્તાના ચક્કરમાં ઘણા લોકો પોતાના મોટી રકમ ગુમાવે છે, ત્યારે જાણો તમે કઈ રીતે આ ફેક વેબસાઈટને ઓળખી શકો છો અને છેતરપિંડીનો ભોગ બનતા કઈ રીતે બચી શકો છો. આ સાથે જ બુકિંગ કરતા પહેલાં કઈ બાબતોનું ઘ્યાન રાખવું? શું કરવું? શું ન કરવું? .
આ અંગે સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે જણાવ્યુ હતું કે, ગુજરાતની પ્રજા ફરવા માટે ટેવાયેલી છે.જ્યાં- જ્યાં વર્લ્ડ વિસ્તરેલું છે, ત્યાં ત્યાં ગુજરાતી પ્રજા આપણને જોવા મળતી હોય છે. દિવાળીનો સમય એવો હોય છે કે, ગુજરાતીઓ ફરવા માટે પહેલેથી જ બુકિંગ કરતા હોય છે અને સાયબર અપરાધીઓ એનો જ ફાયદો ઉઠાવવા માટે જાણીતાં સ્થળોની જાણીતી હોટલ કે ધર્મશાળાની ફેક વેબસાઈટ બનાવે છે અને ઇન્ટરનેટ પર તેનો ફ્લો કરે છે.ગુજરાતની પ્રજા સામાન્ય રીતે સર્ચ એન્જિન પર સર્ચ કરીને તે જગ્યાનું નામ અને હોટલનું નામ લખતા હોય છે. તેનો જ લાભ લઈને સાયબર માફિયાઓ તેની ફેક યુઆરએલ બનાવીને તેને સ્પોન્સર્ડ સ્વરૂપે દર્શાવીને સર્ચ એન્જિન ઓપ્ટી માઈઝેશન ટેક્નિકનો ઉપયોગ કરીને ટોપ પર બતાવવાનો પ્રયત્ન કરે છે. લોકોને ટેવ હોય છે કે પહેલા, બીજા અને ત્રીજા નંબર પર જે પણ વેબસાઈટ દેખાતી હોય છે, તેના ઉપર ક્લિક કરી બુકિંગ કરી દેતા હોય છે.
વધુમાં કહ્યું કે, સાયબર માફિયાઓ જાણીતી હોટલ અને ટ્રાવેલ એજન્ટોને વેબસાઈટ પર જે રકમ હોય છે, તેના કરતાં ઓછી રકમનું પેકેજ સાથે તેનાં પર પણ ડિસ્કાઉન્ટ પેકેજ આપતા હોય છે. જેના કારણે લોકોના માનસ પર લોભ લાલચ જાગે છે અને તેઓના ખિસ્સા ખાલી કરે છે. આવા સાયબર માફિયાઓ સો ટકા હોટલનું બુકિંગ માંગે છે અને તેઓ ક્યુઆર કોડના માધ્યમથી પેમેન્ટ કરાવે છે. આ ક્યુઆર કોડ કોઈ હોટલના નામનો હોતો નથી, તે વ્યક્તિગત નામનો હોય છે.આવી વેબસાઈટો સવારના સમયે ઉદય થાય છે અને સાંજના સમયે અસ્ત થઈ જાય છે. હાલમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ગત વર્ષે આ એ.મો. પર કરોડો રૂપિયા ઠગબાજોએ લોકોના ઠગી લીધા હતા. જ્યારે વ્યક્તિ પોતાના પરિવાર સાથે તે સ્થળ પર પહોંચે છે, ત્યારે કોઈપણ જાતનું ત્યાં બુકિંગ જોવા મળતું નથી અને ત્યારે જ ખ્યાલ આવે છે કે તેની જોડે છેતરપિંડી થઈ છે.
કોઈપણ વેબસાઈટ ફેક છે કે નહીં? તે ચેક કરવા માટે who is domin સર્ચ કરી તેનો યુઆરએલ પેસ્ટ કરી ચેક કરી શકો છો. જેમાં તમને આ વેબસાઈટનો ઓનર અને વેબસાઈટ ક્યારે રજિસ્ટર થઈ છે તેની વિગતો બતાવશે. મોટા ભાગની ફેક વેબસાઈટ એક બે મહિના અગાઉ જ રજિસ્ટર થયેલી હોય છે,વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને પેમેન્ટ માટે કહે છે ત્યારે તમારે તેની બેંક ડિટેઈલને વેરિફાઇ કરવી જોઈએ. કોઈ સંસ્થાના નામથી કે આઈએફએસસી કોડના નામે વેરિફાઈ કર્યા બાદ પેમેન્ટ કરો. કોઈ વ્યક્તિના નામે ક્યારે પેમેન્ટ ન કરવું જોઈએ. હું હોટલ માલિકોને પણ આપીલ કરું છું કે તમારી વેબસાઇડ પર ટ્રસ્ટેડ વ્યક્તિના નંબર આપો તેથી ગ્રાહકો સાથે છેતરપિંડી ઓછી થશે. આ લેભાગુ તત્ત્વો તમારા જ નામે વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરી યુઆરએલ બદલી દેતા હોય છે.
આ પણ વાંચો:પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો
આ પણ વાંચો:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલિયાવાડી બહાર આવી, હેલ્પલાઇન જ બંધ
આ પણ વાંચો:નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
