Mahesana News: મહેસાણાના યુવાન સાથે કેનેડા મોકલવાના બ્હાને ઠગાઈ કરવામાં આવી છે. યુવાન પાસેથી રૂ. 8.58 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. ઠગ ટોળકીએ કેનેડા જવા ઇચ્છુક યુવાનને છેતર્યો છે. વડોદરાના એજન્ટોએ સપરિવાર કેનેડા જવા ઇચ્છુક યુવાનને છેતર્યો હતો. આ યુવાન ફેસબૂક અને પછી ફોનથી એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. તેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના પરિવારને વર્ક પરમીટ વિઝા અપાવી કેનેડા મોકલવાના બહાને રૂ. 8.58 લાખ ખંખેરી લઈ વડોદરા ખાતેની ઓફિસ બંધ કરી દઈ ઠગાઈ આચરનાર વડોદરાની બે મહિલા સહિત ત્રણ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મહેસાણાના ડેરી રોડ પર રહેતા મિતુલ પટેલ હિંમતનગરની કંપનીમાં નોકરી કરે છે. બે વર્ષ પહેલાં તેમણે ફેસબુકમાં એકલે ધ ન્યુ કેસ ઓફ એજ્યુકેશન વડોદરા નામની વિઝીટ ટુ વર્ક કેનેડા પ્રોગ્રામ જાહેરાત જોઈ તેમાં આપેલા મોબાઈલ નંબર પર વાત કરી હતી. વડોદરાના ગેન્ડા સર્કલે એટલેન્ટિક્સ માર્કેટમાં તેમની ઓફિસ હોવાનું કન્ફર્મ થતાં મિતુલે અમીબેન શાહને ફોન કરીને વાત કરતાં પરિવાર સાથે કેનેડા જવાના રૂ.50 હજાર રજિસ્ટ્રેશનના, વિઝા મળતાં રૂ. ત્રણ લાખ અને ત્યાં ઉતર્યા પછી રૂ.1.50 લાખ તેમજ વર્ક પરમીટ મળેથી રૂ.8 લાખ એમ કુલ રૂ.13 લાખ આપવાનું નક્કી કરાયું હતું.
મિતુલે વોટ્સએપથી તેમનાં, તેમની પુત્રી અને પત્નીનાં ડોક્યુમેન્ટ મોકલી આપ્યાં હતાં. મિતુલે રજિસ્ટ્રેશનના પૈસા ઓનલાઈન આપ્યા હતા. થોડા દિવસ બાદ વિઝા ફી પેટે રૂ. 34 હજાર ટ્રાન્સફર કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ 18 નવેમ્બર 2022ના રોજ મિતુલે પરિવાર સાથે અમદાવાદ પાલડી આશ્રમ રોડ પર વી.એફ.એસ. સેન્ટરમાં જઈને ફિંગરપ્રિન્ટ આપી હતી. તેના પછી કન્સલ્ટન્સીવાળાએ વોટ્સએપમાં પીડીએફ ફાઈલ મોકલીને વિઝા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી 22 ડિસેમ્બર 2022 રોજ ફરીથી મિતુલે ઉપરોક્ત સ્થળે જઈ ત્રણેયના પાસપોર્ટ જમા કરાવ્યા હતા. ત્રણેયના વિઝા ઘરે આવી ગયા બાદ વડોદરા જઈને મૈત્રીબેન શાહ સાથે બેઠક કરી હતી, જ્યાં તેમણે ઓફિસના હેડ ખંતીલકુમાર શ્રવણકુમાર સંઘવી હોવાનું અને જે તેમને કેનેડા મોકલી આપવાના હોવાનું જણાવ્યું હતું.
ઘરે આવી વધુ રૂ.5.10 લાખ આંગડિયા મારફત મોકલ્યા હતા. બાદમાં ટિકીટ માટે રૂ. 2.64 લાખ મોકલ્યા હતા. તેમણે વોટ્સએપ પર ટિકીટ મોકલી હતી, જેથી તા.૧૩-૩-૨૩ના રોજ મિતુલ પરિવાર સાથે મુંબઈ જવા નીકળતાં ખંતીલ સંઘવીએ ફોન કરીને ટિકીટ કેન્સલ થઈ હોવાનું કહ્યું હતું. 29 માર્ચ 2023ના રોજ ટિકિટ કન્ફર્મેશન વોટ્એપમાં મોકલી આપ્યું હતું, પરંતુ ખંતીલ ફોન ઉપાડતો નહોતો અને વડોદરા જઈ તપાસ કરતાં ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. ખંતીલ સંઘવીના આધારકાર્ડ વાળા સરનામે પણ તે નામનું કોઈ રહેતું નહોતું. આમ કુલ રૂ. 8.58 લાખની છેતરપિંડી અંગે મિતુલે ઉપરોક્ત ત્રણેય સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
