Vadodara News : વડોદરા શહેરમાં એક જ દિવસમાં બીજી હત્યા(Murder)ની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ નામના શખ્સે અસ્ત્રાથી હુમલો કરતા 36 વર્ષીય મિતેશકુમાર રમણભાઈ વાળંદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને લોહીથી લથપથ હાલતમાં તરત જ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક મિતેશકુમાર રમણભાઈ વાળંદ મૂળ ભરૂચ જિલ્લાના માતર ગામના વતની હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
સુંદરપુરા પાટિયા વિસ્તારમાં બની ઘટના
મળતી માહિતી મુજબ, કપુરાઈ પોલીસ મથકની હદમાં આવતા સુંદરપુરા પાટિયા પાસે, જી.ઈ.બી. ઓફિસની બાજુમાં આવેલી ઓરનેટ વિલા કો-ઓપરેટિવ સોસાયટી નીચેની હેર કટિંગ દુકાન નજીક આ ઘટના બની હતી. ત્યાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈએ અચાનક અસ્ત્રા વડે મિતેશકુમાર પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં આરોપીએ મિતેશકુમારના મોઢા અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
હત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી
પોલીસ મુજબ, આ હત્યા (Murder)પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાથમિક માહિતી અનુસાર, સામાન્ય બોલાચાલી બાદ આ હુમલો થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આરોપીની શોધખોળ શરૂ
ઘટના બાદ આરોપી કિરણભાઈ ફરાર થઈ ગયો છે. કપુરાઈ પોલીસ સહિત સ્થાનિક પોલીસ, પીસીબી અને ડીસીબીની ટીમો હત્યા(Murder)ના આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.
આ મામલે કપુરાઈ પોલીસ મથકના PI ડી.સી. રાઓલે જણાવ્યું હતું કે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
મૃતકનો મૃતદેહ હાલ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે અને આવતીકાલે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
