Ahmedabad News: અમદાવાદના સુભાષ બ્રિજ(subhashbridge) ને તોડી પાડવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આજે અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) બાદ બેઠક લેવાઈ શકે છે. બ્રિજની તપાસ કરતા એજન્સીએ એએમસી (AMC) ને રિપોર્ટ સોંપ્યો છે. એજન્સીએ સુભાષબ્રિજની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

નવો બ્રિજ બનવામાં લાગશે બે વર્ષ
બે વર્ષની અંદર નવો સુભાષ બ્રિજ તૈયાર કરવાનું અનુમાન છે. ચાર ડિસેમ્બરે બ્રિજમાં તિરાડ પડતા બ્રિજ બંધ કરાયો હતો. હવે જો સુભાષ બ્રિજને આખો રિનોવેટ કરીને નવેસરથી બનાવવામાં આવે તો આખો નવો બ્રિજ બનતા બે વર્ષ લાગી શકે છે. ચાર ડિસેમ્બરે બ્રિજમાં તિરાડ પડવાના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. સુભાષ બ્રિજ 1973માં બનાવવામાં આવ્યો હતો. આમ બ્રિજ 50 વર્ષ કરતાં વધુનો સમયગાળો પૂરો કરી ચૂક્યો છે.
આના કારણે હાલમાં સુભાષ બ્રિજ નવ મહિના સુધી બંધ રહેશે. આ અંગેના સત્તાવાર નિર્ણયની આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષ બ્રિજ પરનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈની ચકાસણી કરવાનુ અને રિપેરિંગના રસ્તા સૂચવવાનું કામ સૂચવ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ અને SVNITએ પણ આ પુલની ચકાસણી કરી હતી.

સુભાષબ્રિજ (Subhashbridge) ને લઈને સૂચવાયા ત્રણ વિકલ્પ
કન્સલ્ટન્ટ એજન્સીઓએ (Consultants) કોર્પોરેશનને સુભાષ બ્રિજને લઈને ત્રણ પ્રકારના વિકલ્પ સૂચવ્યા છે. તેમા એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે, બીજો વિકલ્પ પુલના જે ભાગને નુકસાન થયું છે અથવા તો બેસી ગયો છે તે ભાગને એટલે કે સ્પાનને નીચે વધારાનો એક પિલર ઊભો કરીને તેને મજબૂતાઈ પૂરી પાડવાનો છે. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું આખુ સ્ટ્રકચર ઉતારીને સ્ટીલનું સ્ટ્રકચર બનાવીને પુલને ચાલુ કરવાનો છે. આમ છતાં લાંબાગાળાના આયોજનને ધ્યાનમાં રાખીને તો જૂના પુલને તોડીને નવો પુલ બનાવવો તે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું ત્રણેય એજન્સીઓએ જણાવ્યું હતું.

આ એજન્સીઓનું કહેવું હતું કે આ પુલ પચાસ વર્ષ પહેલા જૂની ટેકનોલોજીથી જૂના માપદંડો મુજબ બન્યો હતો. તેના કારણે તેના માપદંડમાં તે સમયના વાહનો ધ્યાનમાં હતા. તે સમયે આટલી બધી ટ્રકો અને તેમા પણ ખાસ કરીને ઓવરલોડેડ ટ્રકો અને વાહનો તેના પરથી પસાર થતાં ન હતા. તે સમયે બહુ-બહુ તો બસો અને રીક્ષાઓ તથા ટુ-વ્હીલરો પસાર થતા હતા, ટ્રકો અને લોડિંગ વાહનોનું પ્રમાણ ઓછુ હતુ, જ્યારે ઓવરલોડેડ વાહનો તો હતા જ નહીં. આજે સ્થિતિ વિપરીત છે. તેથી આ સ્થળે નવી ટેકનોલોજીથી નવા માપદંડ સાથે નવો પુલ બનાવાય તે વધુ યોગ્ય હોવાનું ત્રણેય એજન્સીઓનું તારણ હતું.
