Not Set/ મિત્રતા અને સત્યનો પર્યાય એટલે ભગવાન શ્રીકૃષ્ણ

મથુરામાં જન્મ, ગોકુળમાં ઉછેર, દ્વારકામાં શાસન અને કુરૂક્ષેત્રમાં મહાભારતના યુધ્ધમાં સખા અર્જુનના સારથી તેમજ ભક્ત સુદામા સાથેની મિત્રતા સહિતના પ્રસંગો લોકોને ઘણું શીખવી જાય છે

Trending Dharma & Bhakti
ભગવાન શ્રીકૃષ્ણ

ભગવાન રામ મર્યાદા પુરૂષોત્તમ છે તો કૃષ્ણ પુર્ણ પુરૂષોત્તમ છે. બન્ને ભગવાન વિષ્ણુના અવતાર છે. સત્ય પ્રેમ અને કરૂણા આ બન્ને યુગપુરૂષો જેમણે આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ અને ગૌરવ પણ અનુભવીએ છીએ ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ જ આસુરીવૃત્તિનો નાશ કરવા માટે થયો હતો. તેમણે બાળપણથી જ આ કામગીરી શરૂ કરી હતી. મથુરામાં જન્મ અને તે પણ જેલમાં, ગોકુળમાં ઉછેર ફરી મથુરા જઈ મામા કંસનો વધ કરી માતા દેવકી અને પિતા વાસુદેવને મૂક્ત કરાવી નાનાને મથુરાના રાજવી બનાવવા પછી જરાસંઘ સાથે વારંવાર યુધ્ધ અને પછી દ્વારકા જઈ શાસન – સામ્રાજ્ય શરૂ કરવું ત્યાર બાદ પણ મહાભારતના યુધ્ધ સમયે સત્ય સાથે એટલે પાંડવો સાથે રહીને તેમને યુધ્ધમાં વિજયી બનાવવા સગાવ્હાલાઓ સામે લડવામાં સંકોચ અનુભવતા સખા અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ઉપદેશ આપી જાગૃત કરી કર્મ અને કર્મયોગનું મહત્વ સમજાવવું આ બધી લીલા કૃષ્ણે કરી છે જગતને ઘણું સમજાવ્યું છે.

શ્રીમદ્દ ભાગવતમાં તો દશમા સ્કંધથી શ્રીકૃષ્ણ ચરિત્ર શરૂ થાય છે. જે ઘણું લાંબુ છે બી.આર. ચોપડાની ટીવી શ્રેણી મહાભારતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને પછી પ્રસંગોમાં શ્રીકૃષ્ણએ ભજવેલી ભૂમિકા વિસ્તૃત રીતે દર્શાવવામાં આવી હતી. રામાનંદ સાગરની શ્રી કૃષ્ણ સિરિયલમાં તો સમગ્ર કૃષ્ણ ચરિત્રને વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે. આજની તારીખમાં પણ ટીવી ચેનલો પર રાધાકૃષ્ણ, દ્વારિકાધીશ સહિતની ત્રણ શ્રેણી ચાલે છે. શ્રી કૃષ્ણના જીવનને જાણવા અને સમજવા માટે તો ગમે તેટલો સમય ટૂંકો પડે તેમણે પણ એક એક ઉચ્ચ આદર્શો આપ્યા છે.

ઘણા કટાર લેખકોએ ભગવાન શ્રીકૃષ્ણનું પોતપોતાની સ્ટાઈલથી મૂલ્યાંકન કર્યું છે. જાણીતા કટાર લેખક અને ગુજરાતી ભાષાને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયાસોમાં જેની મહત્વની ભૂમિકા છે અને માતૃભાષા અને માતૃભૂમિએ જેમના લેખનના મોટાભાગના લેખમાં વણાઈ ગયેલા હોય છે તેવા મુરબ્બી શ્રી ગુણવંત શાહે પોતાની એક કટારમાં લખ્યું છે કે એકવાર શ્રી કૃષ્ણ આપણા મિત્ર બની જાય પછી ખાસ માન મંગાવ્યા કરવાની તેમની ટેવ નથી. કૃષ્ણ એક એવા ભગવાન છે કે જે સ્ટેટસનો ખ્યાલ છોડી સારથી પણ બની શકે છે. એઠી પતરાવળી પણ ઉપાડી શકે છે. ગાયોની સેવા પણ કરી શકે છે. ઘોડાના ઘા સાફ કરી શકે છે અને ગોપીઓ સાથે મન મૂકીને નાચી પણ શકે છે. જ્યાં મિત્ર હોય ત્યાં જ આવું બની શકે મુ. ગુણવંતભાઈની આ ઓછી લીટીઓમાં લખેલી વાતમાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક વાતો આવી જાય છે.

મિત્રતાની વાત કરતા હોઈએ તો આપણા વેદોમાં અને લોકસાહિત્યમાં ઘણા પ્રસંગો છે જેને માત્ર ઉલ્લેખમાં પાનાના પાના ભરાઈ જાય. પરંતુ જ્યારે મિત્રતાની વાત આવે ત્યારે જાે કોઈપણ દાખલો દેવા તો હોય તો તે ભગવાન કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો દેવાય છે. ઋષિ સાંદિપનીના આશ્રમમાં બન્ને સાથે ભણ્યા. આમ તો ગુરૂભાઈ કહેવાય પરંતુ તેમની મિત્રતા અતૂટ હતી. સુદામા ગરીબ બ્રાહ્મણ હતા અને ભગવાન શ્રીકૃષ્ણ રાજવી બનવા જઈ રહેલા રાજપુરૂષ હતા છતાં નાનપણમાં તેમની મિત્રતા પાંગરી ગરીબ સુદામા માંડ માંડ પોતાના કુુટંબનું પાલન પોષણ કરતા હતા. ભીક્ષાવૃત્તિએ તેમનો ધર્મ અને વ્યવસાય હતો તો તેઓ શ્રીકૃષ્ણના ભક્ત હતા જ્યારે કૌટુંબિક સ્થિતિને વશ થઈ સુદામા દ્વારકા જાય છે. દ્વારપાલ ભગવાન શ્રીકૃષ્ણને ખબર આપે છે ત્યારે સુદામાનું નામ સાંભળી કૃષ્ણ ઉઘાડા પગે દોડીને દરવાજા બહાર આવે છે અને સુદામાને ભેટીને જે લાગણી દર્શાવે છે અને સુદામા પણ તેનો જે પ્રતિભાવ આપે છે તે દ્રશ્ય મિત્રતા કેવી હોવી જાેઈએ તેનો સંદેશો આપીજાય છે. દ્વારકાધીશ અને સુદામાપુરી (હાલનું પોરબંદર)ના વિપ્ર સુદામા વચ્ચેની મૈત્રી એક મિત્રતાનો આદર્શ બની જાય છે.

જ્યારે મહાભારતમાં શ્રેષ્ઠ ધર્નુધર અને પાંડુપુત્ર – કુંતિપુત્ર અર્જુન સાથે તેમના સંબંધોની અનેક ભૂમિકા હતા. કુંતિમાતા શ્રી કૃષ્ણના ફઈ હતા એટલે અર્જુન તેના ફઈના દિકરા ભાઈ તો હતા જ. ઈંદ્ર પુત્ર કહેવાતા અર્જુનની રક્ષા કરવાનું વચન શ્રીકૃષ્ણએ ઈન્દ્રદેવને ગોવર્ધન લીલા વખતે આપ્યું હતું. અર્જુન શ્રી કૃષ્ણના સખા હતા તો કૃષ્ણએ પણ અર્જુન પ્રત્યે સખાભાવ હતો. જ્યારે શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાએ અર્જુન સાથે લગ્ન કર્યા એટલે શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચેના સંબંધોમાં સાળા બનેવીના સગપણનો પણ ઉમેરો થયો હતો. આ બધું છતાં કૃષ્ણ અર્જુન વચ્ચે ખરા સંબંધ તો આત્મીય મિત્રતાના હતા. જે મિત્રતા છેક સુધી બન્નેએ નિભાવી જાણી હતી. મહાભારતના યુધ્ધ પહેલા શ્રી કૃષ્ણની મદદ માટે પાંડવોની સાથે કૌરવો પણ લાઈનમાં હતા. દુર્યોધને સૈન્ય માંગ્યું અને અર્જુને શ્રીકૃષ્ણને માગ્યા. અર્જુન શ્રીકૃષ્ણના પગપાસે બેસી કરેલી માગણી મહાભારતના યુધ્ધમાં અને ત્યારબાદ અસરકારક પુરવાર થઈ ગીતાના ઉપદેશથી શરૂ કરી કુરુક્ષેત્રમાં તાતશ્રી ભીષ્મ, કર્ણ જેવા મહારથીઓ તેમજ અભિમન્યુના મોતનું નિમિત્ત બનનાર જયદ્રથના વધ કરવા સહિતના બનાવોમાં કૃષ્ણની સલાહ સુચન અને માર્ગદર્શન બીજા કોઈપણ કરતા વધુ અસરકાર હતા પાંડવો પાસે તાકાત હતી અને સત્ય પણ હતું કૌરવો પાસે પણ યૌધ્ધાઓની સરખામણીમાં ગણો તો વધુ તાકાત હતી પરંતુ તેમની સાથે અસત્ય અને સત્તા લાલસા હતી. તેથી કૃષ્ણએ સત્યનો સાથ આપ્યો. યુધ્ધ પૂર્ણ થયા બાદ અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રને નિષ્ફળ બનાવી કૃષ્ણએ અર્જૂનના પૌત્ર અભિમન્યુ-ઉતરાના પુત્ર પરિક્ષીતના જીવ બચાવ્યા હતા તેવું કથાકારો કહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઘણા આદર્શો સ્થાપ્યા છે. યુધ્ધ પહેલા સંવાદનો માર્ગ પણ લીધો. પાંડવો વતી નહિ પણ પોતાની રીતે કૃષ્ણ હસ્તીનાપુર ગયા અને માત્ર પાંચ ગામ આપો તો પણ પાંડવો યુધ્ધ નહિ કરે અખૂટ કથાઓમાં એક ગામની વાત પણ આવે છે. હસ્તિનાપુર ગયા ત્યારે તેમને રાજમહેલમાં ઉતારો અને ભોજનની દરખાસ્ત આવી હતી. ત્યારે ભગવાન કૃષ્ણે રાજમહેલના સુખ અને ભોજનના બદલે પોતાના ભક્ત અને પાંડવો – કૌરવ કુળના મહામંત્રી એવા વિદુરના ઘરે ભાજીનું ભોજન લેવાનું પંસદ કર્યું હતું તેના પરથી તેમણે એવો સંદેશો આપ્યો હતો કે વિષ્ટીકાર એટલે કે બે પક્ષ વચ્ચે મધ્યસ્થી બનનાર ક્યારે પણ એકયા બીજા પક્ષનું આમંત્રણ સ્વીકારી શકે નહિ.
ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા રાસ લીલા અને યુધ્ધ લીલા, નીતિશાસાત્ર અને દ્વારકામાં સુશાસનની અને મિત્રધર્મ નિભાવવાની વાત એ તેમના જીવનનો આદર્શ હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમ હતા તેમનું જીવન વૈવિધ્યસભર હતુ તેઓ પોતાના પુત્ર પ્રદ્યુમનને પણ અસુરો સામે લડી શકે તેવી તાકાત બક્ષી હતી તો પૌત્ર અનિરુધ્ધ ખાતર પોતે બાણાસુર સામે જંગે ચડ્યા હતા તેવો પૂરાણોમાં ઉલ્લેખ છે. સુદર્શન ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ભક્તોને ક્યારેય દુઃખી કર્યા નથી અનેક લોકોને શસ્ત્ર અને શાસ્ત્રની શિક્ષા પણ આપી છે તેથી જ તો કહેવાય છે કે શ્રી કૃષ્ણં વંદે જગદ્દ ગુરૂ

અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

Technology / નેટબેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ પાસવર્ડને મજબૂત બનાવો અને ઓનલાઈન છેતરપિંડીથી બચો

Technology / સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો