અમદાવાદ
મહાત્મા ગાંધી પોતાના હોવાનું ગર્વ ભલે ગુજરાત લેતું હોય પરંતું બાપુએ લખેલી આત્મકથા સત્યના પ્રયોગો ગુજરાત કરતાં કેરાલામાં વધારે વેચાઇ છે. ગાંધી સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા નવજીવન ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ ૧૯૨૭થી આજદિન સુધીમાં ‘સત્યના પ્રયોગો‘ની ગુજરાતી આવૃતિની ૬,00,000 કરતાં પણ વધુ નકલો વેચાઈ છે.
ગાંધીજીની સત્યાના પ્રયોગોની ગુજરાતી આવૃતિની સરખામણીએ કેરાલાની મલયાલમ ભાષામાં ગાંધીજીની આત્મકથાની ૭,૫૫,૦૦૦ કરતાં પણ વધુ નકલો વેચાઇ છે.જોવાની વાત એ પણ છે કે સત્યના પ્રયોગોની મલયાલમ આવૃતિ ૧૯૯૭ના વર્ષમાં પ્રકાશિત થઈ છે પરંતું તેની નકલ ગુજરાતી આવૃતિ કરતાં વધુ વેચાઇ છે.
એ જ રીતે ‘સત્યના પ્રયોગો’ની તમીલ ભાષામાં ૧૯૯૪માં પ્રકાશિત થયેલી આવૃતિની ૨૦૧૭ સુધીમાં ૬,૮૯,૫૦૦ નકલો વેચાઈ ચૂકી છે.
કેરાલામાં ઘણાં વર્ષોથી સામ્યાવાદની અસર છે અને અહીં સામ્યવાદી સરકારોએ ઘણાં દાયકા રાજ કર્યું છે.મલયાલમ ભાષામાં બી.એ નું ભણતો અમલ રાજ કહે છે કે અહીંના લોકો પર ગાંધીજીના સમાજવાદના સિદ્ધાંતોનો પ્રભાવ ઘણો છે.ગાંધીજીના સિદ્ધાંતો સમાનતા પર ભાર મુકતા હતા અને કદાચ એટલે જ કેરાલામાં ગાંધીજીનો પ્રભાવ વધુ છે.
કેરાલામાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધુ છે.કેરાલામાં પુસ્તકો વાંચવાનું પ્રમાણ પણ બીજા રાજ્યોની સરખામણીમાં વધુ છે. કેરળ રાજ્યમાં ‘પૂર્ણોદયા બુક ટ્રસ્ટ’ ગાંધીજીની આત્મકથા દ્વારા ગાંધી વિચારના પ્રચાર-પ્રસારનું કામ કરે છે.
આ ટ્રસ્ટના વાઇસ ચેરમેન ટી.આર.એન પ્રભુએ જણાવ્યું કે કેરલમાં લોકોને ગાંધીજી અને તેમના કાર્યો વિશે જાણવાની ખૂબ ઉત્સુકતા છે.ખાસ કરીને હાલના સમાજના જે પ્રશ્નોના ઉકેલ વિશે ગાંધીજીએ શું કહ્યું છે એ જાણવામાં ખૂબ રસ છે.અમે શાળાઓ અને કૉલેજોમાં જઈ ગાંધીજીની આત્મકથા પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. તેના વિશે ચર્ચા કરીએ છીએ.આ બધી પ્રવૃત્તિને કારણે લોકો ગાંધીની આત્મકથા ખરીદવા અને વાંચવા તરફ વળ્યા છે.
કેરલમાં લગ્નપ્રસંગમાં પણ ગીફ્ટ તરીકે સત્યના પ્રયોગો ભેટ અપાતી હોવાનું જાણવા મળ્યું છે.
